Book Title: Agam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Author(s): Urvashibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
**
જવાબ આપે છે. કોઈ કોઈ જગ્યાએ સામાન્ય સંતો પ્રશ્ન પૂછે છે અને સ્થવિર મહાત્માઓ જવાબ આપે છે. કેટલીક જગ્યાએ શ્રાવક–શ્રાવિકાએ પણ પ્રશ્ન પૂછ્યા છે અને ભગવાન મહાવીર સ્વામીએ પોતાના શ્રી મુખેથી જવાબ આપ્યા છે. તેમાં જયંતીબાઈ શ્રાવિકાજી મુખ્ય છે. આ પ્રશ્નોમાં લગભગ વિશ્વસંબંધી, વિશ્વનાં મૂળ દ્રવ્યો સંબંધી અને તમામ જીવરાશિ સંબંધી, અધિક પ્રશ્નો છે. તે પ્રશ્નોમાં તત્ત્વજ્ઞાન વિશેષ રૂપથી સ્પષ્ટ દેખાય છે. સૂક્ષ્મ વ્યાખ્યા કરવાથી તત્ત્વજ્ઞાન પણ ઊભરી આવે છે. સામાન્યપણે મુનિઓનાં, સાધુ–સાધ્વીઓનાં કર્તવ્ય અને આચરણ સંબંધી ઉપદેશ વધારે જોવામાં આવે છે.
આ સિવાયના શ્રી ભગવતી સૂત્રના ઘણા પ્રશ્નોમાં પરમાણુવિદ્યાની સૂક્ષ્મ વિવેચના છે, જેને આધુનિક ભાષામાં એટમિક પાવર કહી શકાય. આવી જ રીતે શ્રી નંદીસૂત્રમાં દ્રવ્ય—ક્ષેત્ર અને કાળની પારસ્પરિક તુલના અને કોણ કોનાથી વધારે સૂક્ષ્મ છે, તેનું ઊંડું વિવેચન ખૂબ જ ધ્યાન કેન્દ્રિત કરે તેવું છે. જ્યારે ઘણી જગ્યાઓએ ધર્મકથાઓ વૈરાગ્ય રસ પૂરે છે તેમાં પણ કેટલીક ઐતિહાસિક ઘટનાઓ ઉપસી આવે છે.
ટૂંકમાં કહેવાનો અર્થ એ છે કે જૈનાગમો પ્રધાનરૂપે ઉપદેશાત્મક હોવા છતાં તેમના પ્રકરણોમાં બહુ મોટા પ્રમાણમાં વિશ્વસંબંધી વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી ચર્ચાયેલી બહુ જ સૂક્ષ્મ વિવેચનાઓ છે. આ બધી વિવેચનાઓ દાર્શનિક કસોટી ઉપર ચડે તેવી છે, એથી જૈનાગમોનું વિષય વસ્તુ બહુ જ વ્યાપક બની જાય છે.
જૈન શાસ્ત્રોમાં પોતાના સાંકેતિક અને પારિભાષિક ઘણા શબ્દો છે, જો તેનું અનુસંધાન કરીએ તો એક સ્વતંત્ર, નાનો સાંકેતિક અને પારિભાષિક કોષ બની શકે છે.
(ર) જૈનાગમોની ભાષા :
બધા જૈનાગમો બિહારની પ્રાદેશિક ભાષામાં લખાયેલાં છે. જેને જૈન સમાજ અર્ધમાગધી તરીકે ઓળખે છે. મગધ એ બિહારનો મુખ્ય પ્રદેશ હતો. બિહાર શબ્દ તો પાછળ થી ઉદ્ભવ પામ્યો છે. અન્યથા ગયા, પટના, આરા અને રાજગીર નો કેટલોક ભાગ મગધ દેશ તરીકે ઓળખાતો હતો. મગધમાં જે ભાષા બોલાતી હતી તેને માગધી ભાષા કહેવામાં આવતી. જ્યારે જૈન શ્રમણોનું ક્ષેત્ર મગધથી બિહાર, વૈશાલી, સમસ્તીપુર અને નેપાલની તરાઈ, પશ્ચિમમાં કાશી—બનારસ સુધી ફેલાયેલું હતું, તેથી બીજી ભાષાઓનો સંબંધ પડતો હતો અને અપભ્રંશ, પાલી, પિશાચી, રાક્ષસી, કાશ્મીરી તથા માગધી આ બધી જ ભાષાઓનું સંમિશ્રણ હતું.
અર્ધામાં માગધી અને અર્ધામાં બાકીની ભાષાઓ તેમાં સમાયેલી હતી, તેથી આ ભાષાને અર્ધમાગધી કહેવામાં આવતી. અર્ધમાગધીનો અર્થ આપણે જોયો. અહીં ભાષા સંબંધી એક ઉલ્લેખ કરવો બહુ જ જરૂરી છે કે મહાવીર સ્વામી પછી લગભગ (૩૦૦) ત્રણસો વર્ષ પછી જૈન સંઘ બે ભાગમાં વહેંચાઈ ગયો. (૧) દિગંબર (૨) શ્વેતાંબર.
AB
22