Book Title: Agam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Author(s): Urvashibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
વ્યાપારનું ત્યારે ચલણ હતું. સમૃદ્ધ વેપારી આવાં કાર્યના ઇજારા લેતા હોય અને તે કરવાની વ્યવસ્થા કરતા હોય.
હાથીદાંત, હાડકાં, ચામડા વગેરેનો વેપાર પણ ત્યારે ચાલતો હતો. જે દંતવાણિજ્યના નામના છઠ્ઠા કર્માદાનથી પ્રગટ થાય છે.
ત્યારે ભારતમાં દાસ પ્રથાનું ચલણ હતું. દસમું કર્માદાન કેશવાણિજયનું છે. કેશવાણિજ્યમાં ગાય, ભેંસ, બકરી, ઘેટાં, ઊંટ, ઘોડા વગેરે પ્રાણીઓના ક્રયવિક્રયની સાથે સાથે દાસ દાસીઓના ક્રયવિક્રયનો ધંધો પણ સામેલ હતો. સંપત્તિમાં ચાર પગવાળાં પ્રાણીઓની સાથે બે પગવાળાં પ્રાણીઓની પણ ગણના થતી હતી. બે પગવાળામાં મુખ્ય રૂપે દાસ દાસીઓની ગણના થતી.
ઉપરોક્ત વર્ણનથી સ્પષ્ટ છે કે જૈન આગમ કેવળ જૈનધર્મના સિધ્ધાંત, આચાર, રીતરિવાજ વગેરેના જ્ઞાન માટે જ વાંચવું (ભણવું) આવશ્યક છે તેમ નથી પરંતુ આજથી અઢી હજાર વરસ પહેલાં ભારતીય સમાજનાં વ્યાપક અધ્યયનની દૃષ્ટિથી પણ તેનું અનુશીલન આવશ્યક અને ઉપયોગી છે. વાસ્તવમાં જૈન આગમો જ તે સમય સાથે સંકળાયેલા એવા સાહિત્યગ્રંથો છે કે જેમાં જનજીવનનાં સર્વ પાસાઓનું વર્ણન, વિવેચન થયું છે. આ એવું સાહિત્ય નથી કે જેમાં કેવળ રાજવીવર્ગ અથવા જાતિવર્ગના જ ગુણકીર્તન થયાં હોય. પરંતુ તેમાં તો ખેડૂત, મજૂર, ભરવાડ, વેપારી, સ્વામી, સેવક, રાજા, મંત્રી, અધિકારી વગેરે સમાજના નાના મોટા દરેક વર્ગોનું યથાર્થ વર્ણન થયું છે.
ભાષાશૈલી --
જૈન આગમોની ભાષા સરળ અને રસાળ છે. તેના વર્ણનો જીવંત છે. કેટલાંક વર્ણન ઘણાં જ માર્મિક અને હૃદયસ્પર્શી છે. ઉદાહરણ માટે બીજા અઘ્યયનમાં શ્રમણોપાસક કામદેવને ચલિત કરવા માટે ઉપસર્ગકારી દેવનું વર્ણન છે. દેવના રાક્ષસી રૂપનું જે વર્ણન ત્યાં થયું છે, તે આશ્ચર્ય, ભય, અને ઘૃણા (નફરત) ત્રણેનું જીવંત ચિત્ર રજૂ કરે છે. ત્યાં ઉલ્લેખ છે કે તેનાં કાનોમાં કુંડળોના સ્થાને નોળિયા લટકી રહ્યા હતા. તેણે ગરોળી અને ઉંદરની માળા પહેરેલી હતી. તેણે પોતાના શરીર પર દુપટ્ટાની જેમ સર્પોને લપેટીને રાખ્યા હતા. તેનું શરીર પાંચ રંગોના, ઘણા પ્રકારના વાળથી ઢંકાયેલું હતું. કેવી વિચિત્ર કલ્પના છે. બીજાં પણ આશ્ચર્યકારી અનેક વિશેષણો ત્યાં છે.
50