Book Title: Agam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Author(s): Urvashibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૪
૪
શ્રી ઉપાસક દશાગ સૂત્ર
અતિચારોને જાણવા જોઈએ પણ તેનું આચરણ ન કરવું જોઈએ. તે આ પ્રમાણે છે– (૧) ઈહલોક આશંસા પ્રયોગ (૨) પરલોક આશંસા પ્રયોગ (૩) જીવિત આશંસા પ્રયોગ (૪) મરણ આશંસા પ્રયોગ તથા (૫) કામભોગ આશંસા પ્રયોગ. વિવેચનઃ
જૈન દર્શન પ્રમાણે જીવનનું અંતિમ લક્ષ્ય છે–આત્માના સતુ સ્વરૂપની પ્રાપ્તિ. તેના પર જે કર્મોનું આવરણ આવ્યું છે, તેને ક્ષીણ કરીને તે દિશામાં પ્રગતિ કરવી તે જ સાધકની યાત્રા છે. શરીર તેમાં ઉપયોગી છે. શરીરથી સંસારનાં કામ થાય છે, તે તો પ્રાસંગિક છે. આધ્યાત્મિક દૃષ્ટિથી શરીરનો યથાર્થ ઉપયોગ સંવર તથા નિર્જરામૂલક ધર્મનું અનુસરણ છે. શ્રમણોપાસક અથવા સાધક પોતાના શરીરનું પાલન-પોષણ કરે છે કારણકે તેના ધર્માનુષ્ઠાનમાં તે સહયોગી છે. શરીર સદાને માટે એક સમાન રહેતું નથી. બાલ, યુવાન અને વૃદ્ધાવસ્થા અનુસાર તેમાં પરિવર્તન થયા જ કરે છે તેમજ તેમાં કર્મજન્ય ફેરફાર પણ થયા કરે છે. જ્યાં સુધી શરીર સાધનામાં સહાયક બને છે ત્યાં સુધી પૂર્ણ ઉત્સાહથી સાધના કરે અને
જ્યારે શરીર ક્ષીણ થઈ જાય, રોગોથી ઘેરાઈ જાય, સાધનામાં સહાયક ન બને તેવી સ્થિતિ સર્જાય, ત્યારે સાધકને માટે જૈનદર્શનમાં એક અનોખો માર્ગદર્શાવ્યો છે. સાધક શાંતિ અને દઢતાપૂર્વક શરીરના સંરક્ષણનો ભાવ છોડી દે છે, તે ખાનપાનનો ત્યાગ કરી દે છે અને એકાંત અથવા પવિત્ર સ્થાનમાં આત્મચિંતન કરતો, ભાવની ઉચ્ચ ભૂમિકા પર આરૂઢ થઈ જાય છે.
આ વ્રતને સંલેહણા કહેવામાં આવે છે. સંલેહણાનો અર્થ શરીર અને કષાયોને કૂશ કરવાં, એવો દર્શાવ્યો છે. સંલેહણાની સાથે ઝુષણા અને આરાધના આ બે શબ્દ પણ છે. કૃષણાનો અર્થ પ્રીતિપૂર્વક સેવન છે. આરાધનાનો અર્થ અનુસરણ કરવું અથવા જીવનમાં ઉતારવું એટલે કે સંલેહણાવ્રતનું પ્રસન્નતાપૂર્વક અનુસરણ કરવું. તેની સાથે જ બે વિશેષણ બીજાં પણ છે. અપશ્ચિમ અને મારણાન્તિક. અપશ્ચિમનો અર્થ છે અંતિમ અથવા આખરી. જેના પછી આ જીવનમાં બીજું કાંઈ કરવાનું શેષ ન રહે. મારણાત્તિકનો અર્થ છે મરણપર્યંત ચાલતી આરાધના. આ વ્રતમાં આજીવન આહારનો ત્યાગ તો હોય જ છે, સાધક ઇહ લૌકિક અને પારલૌકિક કામનાઓને પણ છોડી દે છે. તેમાં એટલા બધા આત્મસ્થ થઈ જાય છે કે જીવન અને મૃત્યુની કામનાથી પણ પર થઈ જાય છે. સહજભાવથી જ્યારે મોત આવે છે ત્યારે શાંતિ અને સ્વેચ્છાથી સ્વીકારી લે છે. આધ્યાત્મિક દ્રષ્ટિથી આ પવિત્ર, ઉન્નત અને પ્રશસ્ત મનઃસ્થિતિ છે, તેથી તેને પંડિત મરણ કહ્યું છે.
આ વ્રતના જે અતિચારની કલ્પના કરી છે તેની પાછળ એ જ ભાવના છે કે સાધકની આ પવિત્ર વૃત્તિ વ્યાઘાત ન પામે. અતિચારોનું સ્પષ્ટીકરણ આ પ્રકારે છે(૧) ઈહલોક આશંસા પ્રયોગ :- આ લોક સંબંધી ભોગ અથવા સુખની કામના કરવી. મરીને હું સમૃદ્ધિશાળી, સુખસંપન્ન રાજા બનું અથવા વર્તમાને મારી યશકીર્તિ થાય, એવી ભાવના કરવી. (ર) પરલોક આશંસા પ્રયોગ :- સ્વર્ગમાં પ્રાપ્ત થતા ભોગોની કામના કરવી જેમ કે હું મરીને સ્વર્ગ પ્રાપ્ત કરું તથા ત્યાંનાં અનુપમ સુખ ભોગવું. (૩) જીવિત આશંસા પ્રયોગ – પ્રશસ્તિ, પ્રશંસા, યશકીર્તિ વગેરેના લોભથી વધુ જીવવાની ઇચ્છા કરવી. (૪) મરણ આશંસા પ્રયોગ :- તપશ્ચર્યાને કારણે થનારી ભૂખતરસ તથા બીજી શારીરિક પ્રતિકૂળ તાઓને કષ્ટ માનીને શીધ્ર મરવાની ઇચ્છા કરવી.