Book Title: Agam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Author(s): Urvashibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
પ્રશસ્તિ
વાણીભૂષણ પૂ. શ્રી ગિરીશમુનિ મ. સા. મારા પરમ ઉપકારી દાદા ગુરુદેવ પૂ. શ્રી પ્રાણલાલજી મ.સા. ની જન્મ શતાબ્દી ઉપલક્ષ્ય ગુરુ પ્રાણના સાધ્વીજીઓએ આપણી સ્થાનકવાસી પરંપરામાં માન્ય ઉર આગમોનો સરલ, સુવાચ્ય ગુજરાતી ભાષામાં વિવેચન સહિત અનુવાદ કરવા પુરુષાર્થની પગદંડીએ પગલાં ભર્યા છે, તે અનુમોદનીય છે. આ બધો પુરુષાર્થ બહુમુખી પ્રશંસનીય છે.
જૈન ધર્મનો મૂલાધાર આગમ છે. તીર્થકરોની અનુપમ વાણીને ગણધરોએ ગૂંથી આગમરૂપે સંરક્ષિત કરી છે. આજથી દસેક વર્ષ પૂર્વે અમો મુંબઈ હતા ત્યારે ગોંડલ ગચ્છ દ્વિશતાબ્દી મહોત્સવ પ્રસંગે "શ્રી પ્રાણ પરિમલ પ્રકાશન ટ્રસ્ટ"ની સ્થાપના કરાવી હતી. તેમાં જૈનાગમો, ગ્રંથો અને સાહિત્યોનું વિવિધ રીતે પ્રકાશન થાય અને જનતા સુધી તેને પહોંચાડવાનો પ્રયત્ન થાય એવો એક નિર્ણય કરવામાં આવ્યો હતો. આજે આ સંસ્થા તરફથી નાનું-મોટું ઘણું સાહિત્ય પ્રકાશિત થઈ રહ્યું છે, પરંતુ આગમોનું પ્રકાશન કાર્ય વિચારણીય રહ્યું.
પૂ. ગુરુ પ્રાણની જન્મ શતાબ્દીનો પ્રારંભ થતાં ગુરુ ઉપકારથી ઉઋણ બનવા વિવિધ પ્રવૃત્તિઓ આકાર લઈ રહી છે. જેમાં ગુરુ સ્મારક, ગુરુ સ્મૃતિ ગ્રંથ સાથે ઉર આગમોને લોકભોગ્ય બનાવવાં એ પણ એક નિર્ણય કરવામાં આવેલ છે. પોતાની માતૃભાષામાં અનુવાદિત આગમોની ખોટને પૂર્ણ કરવા, સંયમ જીવનની સાધના-આરાધનામાં સંલગ્ન રહી સાધ્વીરત્ના શ્રી મુક્તાબાઈ મ., શ્રી લીલમબાઈ મ., સ્વ. ઉષાબાઈ મ. એ તેમના સહવર્તિની સાધ્વીજીઓના પૂર્ણ સહયોગથી તન-મન સહિત જે અથાગ પરિશ્રમ આદર્યો છે તે માત્ર અનુમોદનીય જ નહીં પણ તે સાધ્વીજીઓ અભિનંદનીય છે. એમનું આ સ્વપ્ન સાકાર બને, આગમો કર્મ નિર્જરાલક્ષી બની પ્રકાશિત થાય, જ્ઞાનની પરમોપાસનામાં સૌનું સંયમી જીવન વધુ સંયમિત બને તેવા અમ અંતરના લાખ લાખ શુભાશીર્વાદ.
આગમોનું જેણે તલસ્પર્શી અધ્યયન કરેલ છે, એવા આગમ મનીષી સંતરત્ન શ્રી ત્રિલોકમુનિજીએ પણ પોતાની સર્વશક્તિને કામે લગાડી સંપાદનના કાર્યને સુંદર બનાવવા ભગીરથ પુરુષાર્થ આદર્યો છે. તેમના પુરુષાર્થનો માર્ગ સરળ બને અને કાર્ય પરિપૂર્ણ થાય એવા મારા હૃદયના લાખ લાખ આશીર્વાદ શ્રી રોયલપાર્ક સ્થા. જૈન મોટા સંઘ પ્રેરિત શ્રી ગુરુપ્રાણ ફાઉન્ડેશન(પૂ. પ્રાણગુરુ જન્મ શતાબ્દી પ્રકાશન સમિતિ)ના સર્વ ટ્રસ્ટીઓ કે જેમણે આ વિશાળ કાર્ય હાથ ધર્યું છે તે સૌ તન-મન-ધનથી સહયોગી બની સૌના સહકાર સાથે નિઃસ્વાર્થ ભાવે આ કાર્યને સાનંદ સંપન્ન કરે એવા સૌને અમ અંતરના આશીર્વાદ છે.
મારા દાદા ગુરુની જન્મ શતાબ્દીમાં આવું ભગીરથ કાર્ય જૈન-જૈનેતર સમાજ માટે સંસાર તરી જવાનું એક સંભારણું બની રહેશે. અણમોલ અગણિત પુરુષાર્થથી પ્રગટ થતું આ પ્રકાશન શ્રુતજ્યોતિ દ્વારા પરમાત્મ જ્યોતિ સુધી પહોંચવા માટે સેતુ બની જાય એવી શુભ હાર્દિક મંગલ કામના કરું છું.
અંતમાં આગમ પ્રકાશન કાર્યમાં સર્વે સંત-સતીજી, સંઘ, સમિતિ, સહયોગી પુરુષાર્થીઓને હાર્દિક ધન્યવાદ સાથે અભિનંદન આપવા એ એક પરમ સૌભાગ્ય સમજી હું પણ આનંદ અનુભવું છું.
33