Book Title: Agam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Author(s): Urvashibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
મનોવૈજ્ઞાનિક છે. તે અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય તથા અપરિગ્રહ વ્રતનો સ્વીકાર તો કરે છે. પણ મર્યાદામાં રહીને અર્થાત્ પોતાનાં આત્મબળ અને શક્તિ અનુસાર, કેટલાક આગારોની સાથે વ્રતોને ગ્રહણ કરે છે. શ્રાવક દ્વારા ગ્રહણ કરેલાં વ્રતો, સાધુનાં વ્રતોની અપેક્ષાએ નાનાં હોય છે, તેથી તેને અણુવ્રત કહેવાય છે. વ્રત પોતાના સ્વરૂપમાં મોટું અથવા નાનું નથી હોતું, પરંતુ વ્રત પાલનની ક્ષમતા અથવા સામર્થ્યને કારણે તે મહાવ્રત અથવા અણુવ્રત બને છે. પૂર્વે કહ્યું તે પ્રમાણે સાધક જ્યારે સંપૂર્ણ સામર્થ્ય સાથે વ્રત પાલનમાં પૂર્ણરૂપે ઉદ્યત થાય છે ત્યારે તે વ્રત મહાવ્રત બને છે અને જો સામર્થ્યની, શક્તિની અને પરિણામોની મંદતાના કારણે મર્યાદા અને આગારો છૂટ-છાટ સહિત વ્રત પાલન કરે ત્યારે તે જ વ્રત અણુવ્રતનું નામ ધારણ કરે છે.
જૈનધર્મની વિશેષતા અને વિશાળતા એ છે કે શ્રાવકોનાં વ્રતોમાં આગારોનું કોઈ ઇત્યંભૂતએક રૂપ નથી. એક જ અહિંસાવ્રત આરાધકો દ્વારા અનેક પ્રકારના આગાર સાથે ગ્રહણ કરી શકાય છે. વિભિન્ન વ્યક્તિઓની ક્ષમતા, સામર્થ્ય વિવિધ પ્રકારના હોય છે. પ્રત્યેક વ્યક્તિના ઉત્સાહ, આત્મબળ પરાક્રમ સમાન હોતાં નથી, તેથી જ વ્રત અને તેના આગાર રાખવામાં વ્યક્તિની પોતાની સ્વતંત્રતા છે. તેના પર વ્રત કે આગાર પરાણે આરોપિત કરી શકાતાં નથી, તેથી ઓછી, અધિક દરેક પ્રકારની શક્તિ ધરાવતી, સાધના માટે ઉત્સુક વ્યક્તિઓ સાધનાના માર્ગમાં પ્રવેશ કરી શકે છે. તત્ પશ્ચાત્ સાધક પોતાની શક્તિને ક્રમશઃ વધારતા, સાધનાપથમાં વિકાસ કરતા જાય છે, આગારોને ઓછા કરતા જાય છે. તેમ કરતાં કરતાં તે શ્રમણોપાસકની ભૂમિકામાં શ્રમણભૂત (શ્રમણ જેવો) બની શકે છે. આ ક્રમિક વિકાસનો માર્ગ એક ઊંડુ મનોવૈજ્ઞાનિક તથ્ય છે. ખરેખર ! ગૃહસ્થની સાધનામાં જૈનધર્મની આ પદ્ધતિ નિસંદેહ બેજોડ છે. અતિચાર-વર્જન વગેરે દ્વારા તેની મનોવૈજ્ઞાનિકતા વધારે ઊંડી થતી જાય છે. જેનાથી વ્રતી (વ્રત પાળનાર) નું એક સર્વજન ભોગ્ય પવિત્ર રૂપ પ્રકાશમાં આવે છે. વિષય વસ્તુ -
અંગસૂત્રોમાં ઉપાસકદશાંગ સૂત્ર એક માત્ર એવું સૂત્ર છે, જેમાં સંપૂર્ણ રીતે શ્રમણોપાસક અથવા શ્રાવકના જીવનની ચર્ચા છે. તેમાં ભગવાન મહાવીર સ્વામીના સમકાલીન આનંદ, કામદેવ, ચુલનીપિતા, સુરાદેવ, ચુલ્લશતક, કુંડકૌલિક, મકડાલપુત્ર, મહાશતક, નંદિનીપિતા તથા શાલિહીપિતા આ દસ મુખ્ય શ્રાવકોના જીવનનું તાદેશ
47