________________
- (૧૩) હું બંદિપેણ (શ્રેણિકપુરા)
પ્રભુ શ્રી મહાવીરદેવની દેશના સાંભળી હું દીક્ષા લેવા માટે તૈયાર થઇ ગયો. મારા પિતા શ્રેણિક રાજાની તો રજા જ હતી. ધામધૂમથી વરઘોડો નીકળ્યો.
રસ્તામાં મને દિવ્યધ્વનિ સંભળાઇ : “નંદિષણ ! દીક્ષા લેવાની ઊતાવળ કરીશ નહિ. હજુ તારા ભોગ કર્મ બાકી છે. દીક્ષા ઉત્તમ ચીજ છે, પણ એના માટે ઉત્તમતા કેળવવી પડે. સિંહણનું દૂધ કાંસાના પાત્રમાં ના ટકે. દીક્ષા પણ અપકવ આત્મામાં ના ટકે. તમે હજુ અપક્વ છો. સંસારમાં રહીને પહેલાં પકવ બનો પછી દીક્ષામાં આગળ વધજો. અત્યારનો વૈરાગ્ય જો કે સાચો છે, પણ છતાંય તમને પછીથી લાગશે કે એ દૂધનો ઊભરો હતો. અરેરે... ક્યાં ભૂલ કરી ને દીક્ષાની જેલમાં હું ફસાઇ ગયો ? આવું કાંઇ થાય એ પહેલાં ચેતી જાવ. સંસાર એ મોટી વિદ્યાપીઠ છે. અહીં ઠોઠ વિદ્યાર્થીને, જો એ યોગ્યતા કરતાં “આગળ વધી ગયો હોય તો પાછો ધકેલવામાં આવે છે. પછીથી પીછેહટ કરવી પડે એ કરતાં પહેલેથી વિચારીને કરવું સારું !”
શાસન-દેવતાની આ વાણી સાંભળી... પણ હું એટલો વૈરાગ્યના નશામાં ચકચૂર હતો કે કોઇનું કશું સાંભળવા માંગતો જ હોતો ! પ્રભુ શ્રી મહાવીરદેવની વાણી મારા અંતરાત્મામાં ગુંજી રહી હતી : સંસાર એટલે ભયંકર જંગલ ! અહીંથી જલદી ભાગી છૂટો ! સંસાર એટલે ભયંકર સાગર, જલદીથી તેને તરી જાવ. સંસાર એટલે સળગતું ઘર, સળગતા ઘરમાં એક સેકન્ડ પણ રહી શકાય શી રીતે ?” પ્રભુની આવી વાણી મારા હૃદયમાં એટલી ઠસી ગઈ હતી કે બીજું કાંઇ વિચારવા હું તૈયાર જ હોતો. બસ... જલદી જલદી સંસારથી ભાગી છૂટું... જલદી જલદી આત્મવિશુદ્ધિ કરી મોક્ષે પહોંચી જાઉં - આ એક જ ધૂન મારા પર સવાર હતી.
અરે.. ભોગાવલી કર્મો ઉદયમાં આવશે તો તપ-ત્યાગથી એના ભૂક્કા કાઢી નાંખતાં ક્યાં નથી આવડતા ? કર્મ ચડે કે ચેતના ? કર્મ
આત્મ કથાઓ • ૯૦
આખરે જડ છે... ચૈતન્ય આખરે ચૈતન્ય છે. જડ પાસે ચૈતન્ય હારી જાય? બિલકુલ અસંભવ ! નબળા લોકો માટે કર્મોના બહાના ઠીક છે, શૂરવીર લોકો માટે આવું કાંઇ જ નથી.” મારું ઉત્સાહી મન બોલી રહ્યું હતું.
મેં પ્રભુ પાસે જઇ ઉલ્લાસપૂર્વક દીક્ષા લીધી.
સાધનાનો ભીષણ યજ્ઞ શરૂ કર્યો. સાધનાના પ્રભાવે અનેક લબ્ધિઓ અને વિદ્યાઓનો હું સ્વામી બન્યો.
પણ... હવે યૌવન કહે મારું કામ ! મારા હૃદય-સાગરમાં વિષયવાસનાના ઊંચા-ઊંચા મોજાઓ ઊછળવા લાગ્યા. હું સાવધાન બની ગયો. ઉગ્ર તપશ્ચર્યા કરવા લાગી ગયો. છટ્ટના પારણે આયંબિલ ! કેટલાય વખત સુધી આ તપ કર્યો... પણ વિકારો હટવાનું નામ લેતા હતા. હું જંગલમાં ગયો, પણ વિકારોએ મારો કેડો ન છોડ્યો. સ્ત્રીઓ સામે હું બિલકુલ જોતો નહોતો... તો પણ બંધ આંખે મને અનેક સ્ત્રીઓ મારી આસપાસ નાચી રહી છે, તેવું દેખાતું. મનને દબાવી-દબાવીને કેટલું દબાવાય ? જેમ જેમ દબાવીએ તેમ તેમ વધુ ને વધુ ઊછળે ! ઉપરથી ક્યારેક એમ લાગે કે બધુંય શાંત થઇ ગયું છે. પણ સહેજ પાણી ડહોળાય એટલે કાદવ ફરી સપાટી પર આવી જાય !
વિકારો મને જાણે સાદ પાડી રહ્યા હતા : ક્યાં જાવ છો તમે ? ગમે ત્યાં જાવ... અમે તમારો કેડો છોડવાના નથી. અમે હજુ તમારા માધ્યમથી, જીવનયાત્રા આગળ ધપાવવા માંગીએ છીએ. તમે તપમાં ક્યાં અટવાઇ ગયા ? તમારી અંદર રહેલા વીર્ય-કણો પોતાની યાત્રામાં આગળ નીકળી જવા ઉત્સુક છે. તમે એને શા માટે રોકી રહ્યા છો ? ગમે તેટલા રોકો પણ એ રોકાવાના નથી. ધક્કો મારીને પણ પોતાનો માર્ગ કરી લેવાના છે.
હું વિકારોની સામે ઝૂકી પડું - એવું મને લાગવા માંડ્યું. ઝૂકી જવું, હારી જવું, એના કરતાં આપઘાત કરવો સારો ! વિકારોની ચુંગાલમાંથી છૂટવા હું આપઘાત કરવા ચાલ્યો. પણ એમ આપઘાત કરવોય ક્યાં સહેલો છે ? ઊંચી ટેકરી પર ચડી ભૂસકો મારવાની તૈયારી કરી ત્યાં જ શાસન-દેવીએ મને અટકાવ્યો અને ભવિષ્યવાણી યાદ કરાવી.
આત્મ કથાઓ • ૯૧