________________
એણે કહ્યું : કાકા ! તમારી વાત સાચી છે, પણ હું તો અત્યારે સાવ કંગાળ થઇ ગયો છું. બજારમાં જતાંય મને શરમ આવે છે. ગઇ કાલે જેઓ મને શેઠ... શેઠ... કહીને બોલાવતા તેઓ આજે મને જોતાં જ મોઢું ફેરવી લે છે. બધાને ખબર પડી ગઈ છે કે આના ખીસા ખાલી છે ! ખાલી ખીસાવાળાનું માન શું ?
મૃત્યુ પહેલાં મારા પિતાજીએ મને ૧૦ શિખામણ લખી આપી હતી, પણ એ અનુસાર વર્તવા જતાં તો હું પાયમાલ થઇ ગયો.
હું ચમકી ઊઠ્યો. પિતાની શિખામણ અનુસરતાં કોઇ પુત્ર પાયમાલ થઇ જાય ? હોય નહિ. મેં પૂછ્યું : મને કહીશ? કઈ શિખામણો હતી.
તેણે કહ્યું : સાંભળો - (૧) ઘરની ચારે તરફ દાંતની વાડ કરવી. (૨) કોઇને ધન આપી લેવા જવું નહિ. (૩) માથે જરા પણ ભાર ઉપાડવો નહિ. (૪) દિવસને સફળ કરવો. (૫) સ્ત્રીને થાંભલે બાંધીને મારવી. (૬) સદા મીઠાઇ ખાવી. (૭) સુખે સુઇ જવું. (૮) ગામે ગામ ઘર કરવા. (૯) માઠી દશા આવે તો ગંગા યમુનાની વચ્ચે ખોદવું. (૧૦) પ્રત્યેક ક્ષેત્રે ધન વાપરવું.
અને સાથે-સાથે એ પણ કહેલું : આમાં કાંઇ ન સમજાય તો મારા મિત્ર સોમદત્તને પૂછવું.
હાથીદાંતો લાવીને મેં વાડ કરી, પણ લોકો એ લુંટી ગયા. ઉછીનું ધન આપીને લેવા જ ન ગયો, તો પૈસા બધા ડૂબી ગયા. માથે જરા પણ ભાર ન ઉપાડ્યો, ને મજૂરોને મોં માંગ્યા પૈસા આપ્યા. પત્નીને થાંભલે બાંધીને મારી તો એ પિયર ભાગી ગઇ. રોજ મીઠાઇ ખાતાં પેટ બગડી ગયું. ગામડાઓમાં ઠેર-ઠેર મકાનો બાંધવા માંડ્યા, પણ બધાં અધૂરાં રહ્યા અને એ બધાના માલિક ત્યાંના જ કોઇ લોકો બની ગયા.
આત્મ કથાઓ • ૨૭૮
ગંગા-જમુનાની વચ્ચે કેટલુંય ખોદકામ કર્યું, પણ બરબાદી સિવાય કશું મળ્યું નહિ. ખેતરોમાં જઇને રૂપિયા વાવી આવ્યો, પણ આજ સુધી રૂપિયાનું એકેય ઝાડ ઊગ્યું નથી. શું કરું ? પિતાની શિખામણો માનવા જતાં હું તો હેરાન-હેરાન થઇ ગયો.
ભોળેનાથની વાત સાંભળી હું મનોમન હસી પડ્યો. મેં કહ્યું : આ બધાનો જવાબ હું પછી આપીશ.
મેં તેને બીજી આડી-અવળી વાતોમાં નાખ્યો. આમ ઘણો સમય થતાં તેને કકડીને ભૂખ લાગી ત્યારે ખાવા માટે બાફેલા ચોળા આપ્યા. કકડીને ભૂખ લાગી હોવાથી તેને તે પણ ઘેબર જેવા મીઠા લાગ્યા.
સાંજે મેં તેને રોજમેળ નામું ઠામું આદિનું કામ સોંપ્યું. ત્રણ કલાક સુધી કામ કરતાં-કરતાં એટલો થાકી ગયો કે તે બેઠા બેઠા ઊંઘવા લાગ્યો. મેં કહ્યું : જા... હવે સામેના ખાટલામાં નવકાર ગણીને સૂઈ જા. તે તરત જ ઘસઘસાટ ઊંઘી ગયો.
બીજા દિવસે એને બોલાવીને મેં કહ્યું : સાંભળ. તારા પિતાજી ઘણા જ વ્યવહાર કુશળ ચતુર પુરુષ હતા. મારે એમની સાથે વર્ષોનો સંબંધ હતો. એમના જેવા માણસ પાયમાલી કરનારી શિખામણ બીજાને પણ ન આપે તો સગા પુત્રને શી રીતે આપે ? પણ વત્સ ! તેં પિતાના માત્ર શબ્દો પકડ્યા છે, ભાવાર્થ નથી પકડ્યો. સત્ય શબ્દોમાં નથી હોતું, ભાવાર્થમાં હોય છે, એ વાત તારે બરાબર યાદ રાખવી જોઇએ. વ્યવહારમાં પણ કેટલાક વાક્યોમાં આપણે શબ્દો નથી જોતા, ભાવાર્થ જ પકડીએ છીએ. જેમ કે (૧) “રસ્તો ક્યાં જાય છે ?' ખરેખર તો રસ્તો ક્યારેય ક્યાંય જતો નથી. એમાં ચાલતા વાહનો-માણસો વગેરે જાય છે, રસ્તો તો સ્થિર છે, છતાં આપણે બોલીએ છીએ : “આ રસ્તો
ક્યાં જશે ?' (૨) “ઘડો ઝમે છે.' ખરેખર ઘડો થોડો ઝમે છે ? એમાંનું પાણી ઝમે છે. આવા તો ઘણા ઉદાહરણો આપી શકાય.
આવા સાદા વાક્યોમાં પણ શબ્દાર્થ ન ચાલે તો તારા પિતાજીની શિખામણમાં શી રીતે ચાલે ? તારા પિતા તો ખૂબ જ ડાહ્યા અને ઊંડી કોઠાસૂઝવાળા હતા.
પરકાય - પ્રવેશ • ૨૭૯