________________
!
મને ખ્યાલ હતો કે મારા શેઠજી રોજ ભગવાનની પૂજા કરવા જતા હતા. હું જ તેમને ફૂલ આપવાનું કામ કરતો હતો. ઘણીવાર મને વિચાર આવતો : હું પણ ક્યારે ફૂલોથી ભગવાનની પૂજા કરીશ ? આજે મારી પાસે પૈસા આવી ગયા છે તો સદુપયોગ કેમ ન કરી લઉં ? ખાવા-પીવામાં તો ઘણીવાર પૈસા વાપર્યા, પણ ભગવાન માટે કદી વાપર્યા નથી. હું માળી પાસે ગયો. પાંચ કોડીના ફૂલ ખરીદ્યા. મેં ગણ્યા તો ફૂલો હતા બરાબર અઢાર ! ઓહ ! અદ્ભુત ! અઢારનો આંક નવ સાથે સંબંધ ધરાવે છે. ૧ + ૮ = ૯ નવનો આંક કદી ખંડિત થતો નથી... એમ મારો વિકાસ પણ હવે ખંડિત નહિ થવાનો. દિન-દિન મારું પુણ્ય, મારું સુખ, મારો ધર્મ વધતો જ રહેવાનો, વધતો જ રહેવાનો. મારો અંતરાત્મા જાણે જોષી બનીને મારી જ આગાહી કરવા લાગ્યો. મેં એ અઢાર ફૂલોથી ભગવાનની પૂજા કરી. મારું હૃદય પ્રભુ સમક્ષ પોકારી ઊઠ્યું : પ્રભુ ! ફૂલના ખૂણે-ખૂણે સુગંધ છે તેમ મારા જીવનનો ખૂણે-ખૂણો પરોપકારથી સુગંધિત બનાવો ! ફૂલના કણ-કણમાં સૌંદર્ય છે... પ્રભુ ! મને પણ કરુણાનું સૌંદર્ય બક્ષો ! ફૂલોનું અસ્તિત્વ લોકો માટે આનંદકારી બને છે. મારું જીવન પણ લોકો માટે આનંદિત બનો ! ફૂલોને આપના ચરણે રહેવાનું સૌભાગ્ય મળ્યું. પ્રભુ ! મને પણ આપના ચરણની સેવાનું સૌભાગ્ય મળો. ફૂલો ખીલી રહ્યા હોય કે ખીલી ગયેલા હોય, મુરઝાતા હોય કે મુરઝાઇ ગયેલા હોય, પણ સુગંધ રેલાવવાનું પોતાનું કામ છોડતા નથી. પ્રભુ ! હું પણ સુખમાં હોઉં કે દુઃખમાં, શોકમાં હોઉં કે હર્ષમાં, પણ મારું ધર્મ કર્તવ્ય કદી ન છોડું એવી શક્તિ આપો. ફૂલો પોતાની કદી જાહેરાત કરતા નથી. પ્રભુ ! હું પણ જાહેરાત વિના ચૂપચાપ ધર્મસાધના કર્યા કરું - એવા આશીર્વાદ વરસાવો. પ્રભુ ! ફૂલ એ કરુણાનું પ્રતીક છે. મારું જીવન પણ કરુણાથી ભર્યું-ભર્યું બનાવો. ફૂલો ચગદાઇ જઇને પણ સુવાસ આપે છે, હું પણ દુઃખ વેઠીને દુનિયાને અહિંસાની સુવાસ આપું, એવી શક્તિ આપો. દુઃખ અને દર્દથી બેચેન બનેલી દુનિયામાં હું અમારિ પ્રવર્તનનો શંખનાદ ફૂંકી સૌને સુખી જીવનની કળા બતાવી શકું - એવું સામર્થ્ય આપજે હે પ્રભુ !”
આત્મ કથાઓ • ૩૮૦
પુષ્પ-પૂજા કરતાં-કરતાં મને એટલો આનંદ થયો કે ત્યાર પછી રાત-દિવસ સતત એના એ વિચારોમાં હું રમમાણ રહેવા લાગ્યો. એ પૂજાને યાદ કરી-કરીને, પ્રભુ પ્રત્યે કૃતજ્ઞ બની-બનીને હું મારી જાતને ભાગ્યશાળી માનવા લાગ્યો.
એક દિવસ પર્યુષણ દરમ્યાન શેઠના કુટુંબીઓએ ઉપવાસ કરેલા તો મેં પણ ઉપવાસ કર્યો. ઉપવાસ મેં કદી પણ કરેલો નહિ. આથી મને બહુ કઠણ થઇ પડ્યો. શરીર પણ હવે જર્જરિત બની ગયું હતું. તેમાંય ઉપવાસ જેવું નિમિત્ત મળતાં મને લાગ્યું કે હવે જીવનના દીપકમાંથી આયુષ્યનું તેલ ખૂટી રહ્યું છે. હું ધર્મધ્યાનમાં પંચ પરમેષ્ઠીનાં શરણમાં લયલીન બની ગયો. શેઠના કુટુંબીઓએ પણ સારી નિર્યામણા કરાવી. છેલ્લા શ્વાસ ચાલવા લાગ્યા. સમાધિપૂર્વક મારું મૃત્યુ થયું. હવે તો તમે જાણી જ ગયા હશો : હું કોણ ? હું જયતાક ! મરીને હું શું બન્યો ? એ પણ જાણતા જ હશો ? હું બન્યો કુમારપાળ ! લૂંટારામાંથી કુમારપાળ બનાવનાર કોણ ? ગુરુની કૃપા અને ભગવાનની ભક્તિ ! આજે પણ પેલા દુહામાં તમે મને યાદ કરો છો ને ?
“પાંચ કોડીના ફૂલડે, પામ્યા દેશ અઢાર; કુમારપાળ રાજા થયો, વર્તો જય-જયકાર.”
*
હું કુમારપાળ • ૩૮૧