Book Title: Aatmkathao
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shantijin Aradhak Mandal Manfara

View full book text
Previous | Next

Page 258
________________ ‘ગઇ કાલે મધ્યરાત્રિના સમયે વીજળીના પ્રકાશમાં મેં જોયું કે ધોધમાર વરસાદમાં તમે નદીમાં પડી-પડીને લાકડાં તાણી રહ્યા હતા. આવા વરસાદમાં અર્ધી રાતે તમને આવું કરવું પડે છે. તો તમે કેટલા દુઃખી હશો ? તમારો પરિચય આપશો ?' - હવે મને ટાઢક વળી. હાશ ! મહારાજા મને લૂંટવા નથી માંગતા, પણ મદદ કરવા માંગે છે. મારા રોમ-રોમમાં આનંદ-આનંદ છવાઇ ગયો. હું બોલ્યો : મને લોકો “મમ્મણ' તરીકે ઓળખે છે. આપ સમજો છો, એવું નથી. મારે એક ખાસ કામ છે. એ પૂરું કરવા હું તનતોડ મહેનત કરી રહ્યો છું. મારે માત્ર બળદનાં શિંગડાં બાકી છે. એ માટે મારો આ બધો પ્રયત્ન છે.' ‘એમાં કઈ મોટી વાત છે? શિગડાં તો ગમે તે રીતે મેળવી શકાશે. આ માટે આટલી કાળી મજૂરી શા માટે ?” મહારાજા ! આપ એ જોવા પધારો પછી આપને ખ્યાલ આવશે.' મારી વિનંતી માન્ય રાખીને મહારાજા મારા ઘેર આવ્યા. હું તેમને ભોંયરામાં લઇ ગયો. અજવાળાથી ઝળહળતો ખંડ જોઇ મહારાજા ચક્કાચૌંધ થઇ ગયા. રત્નોના બનેલા બળદોમાંથી આ પ્રકાશ રેલાઈ રહ્યો હતો. રત્નો પણ કેવાં ? શુદ્ધ ઇન્દ્રનીલ, નીલમણિ, વૈડૂર્ય વગેરે ! એકેક રનની કિંમત કરોડોની ! બળદમાં જે સ્થાને જેવા રંગનાં રત્નો જોઇએ તેવાં જ રત્નો જડાયેલાં હતાં. શરીર પર સફેદ ! ખરી અને પૂંછડીના વાળમાં કાળાં ! હોઠમાં લાલ ! વગેરે.. બળદ એટલા સુંદર લાગે કે કલાકો સુધી નજર ન ખસે ! મહારાજની નજર બળદ પર જડાઇ ગઇ, એ હું જોઇ રહ્યો હતો. મેં કહ્યું : “મહારાજા ! આ બળદનાં માત્ર શિંગડાં બાકી છે.' મમ્મણ ! મારી આખી તિજોરી ખાલી થઇ જાય તોય બે શિંગડાં થઇ શકે તેમ નથી. એટલાં મોંઘાં જોઇએ રત્નો ! પણ, મને વિચાર એ આત્મ કથાઓ • ૫૧૪ આવે છે કે આટલી અઢળક સંપત્તિ હોવા છતાં તે કંગાળ કેમ દેખાય છે ? તારાં કપડાં આવાં કેમ ? તારું શરીર નબળું કેમ ? તારે નોકરચાકર કેમ નહિ ?' ‘મહારાજા ! હું સાદગીમાં માનું છું. ભપકો, આડંબર વગેરે મને મૂળથી જ પસંદ નથી. સાદું ખાવું, સાદું જીવવું, સાદું પહેરવું આ મારો જીવનમંત્ર છે. વૈભવના પ્રદર્શનથી બીજાને આંજી નાંખવા મને મુદ્દલ પસંદ નથી. વળી, એમાં ખતરો પણ છે. હું જો વૈભવનું પ્રદર્શન કરું તો યાચકોની લાઇન લાગે, સામાજિક કાર્યો માટે ફંડફાળાવાળા લોકો પણ આવે. એકને આપીએ એટલે બીજાને પણ આપવું જ પડે. આમ આપણી તિજોરી ખાલી થઇ જાય. લોકો માત્ર તાળી પાડી રવાના થઇ જાય. પૈસા ખાલી થઇ જાય પછી કોઇ ભાવ ન પૂછે. હું તો દાતાઓને મૂર્ખ ગણું છું. થોડીક તાળી માટે, થોડીક પ્રશંસા માટે બિચારા પોતાનું સર્વસ્વ લૂંટાવી દે છે. કાગડાની પ્રશંસા કરીને શિયાળ જેમ તેની પૂરી પડાવી લીધી, તેમ લોકો શ્રીમંતની પ્રશંસા કરીને તેની ‘પૂરી(પૈસા) પડાવી લે છે. માટે જ મને દાનમાં વિશ્વાસ જ નથી. તમે માનશો ? મેં આજ સુધી ક્યાંય કાણી કોડી ખરચી નથી. એ તો ઠીક. હું મારી જાત માટે પણ બહુ જ કરકસરથી પૈસા વાપરું છું. તમે જુઓ, આ મારાં કપડાં ત્રણ વર્ષથી ચાલે છે. એ પણ એક જ જોડી ! બીજી જોડીની ક્યારેય જરૂર નથી પડી. કપડાં ધોવાં હોય ત્યારે પોતડી પહેરીને હું પોતે જ ધોઇ લઉં ! કોઇ નોકર-બોકર રાખ્યા નથી. નોકર રાખીએ તો વળી એનેય પગાર ચૂકવવો પડે ને? તિજોરી પર ઘસારો લાગેને ! એવો ઠાઠ મને ન પરવડે ! એના કરતાં જાતે બધું કામ કરી લેવું શું ખોટું ? શરીર પણ સારું રહે ને કોઇની ગરજ પણ ન રહે ! ધોઇને ભીનાં જ કપડાં પહેરી લઉં. ઘડી બે ઘડીમાં કપડાં સુકાઇ જાય. આપણા શરીરની ગરમીથી જલદી સુકાઈ જાય. દોરી વગેરેનો કોઇ ખોટો ખર્ચ નહિ. સુકાવીએ તો દોરી જોઇએને ? કપડાં ક્યારેક ફાટે તો જાતે જ સીવી લેવાનાં. આ બધાં થીગડાં મેં જ મારેલાં છે. આજ સુધી કદી દરજી પાસે નથી ગયો. જમવામાં પણ હું બહુ જ ચોક્કસ ! આત્મ કથાઓ • ૫૧૫

Loading...

Page Navigation
1 ... 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273