Book Title: Aatmkathao
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shantijin Aradhak Mandal Manfara

View full book text
Previous | Next

Page 267
________________ ચાલે છે. કંઇક તો વિચાર કર. પિતાજીને ક્યારેક તો યાદ કર, ક્યારેક તો મને ઋષભના દર્શન કરાવ. કેવળજ્ઞાની આદિનાથજીની પાસે જતાં પહેલાં મેં દાદી મરુદેવાને પણ સાથે લીધાં, હાથીની અંબાડીએ બેસાડ્યા. દૂરથી મેં ભગવાનનું સમવસરણ જોયું : અરે ! શું અદ્ભુત એ દેશ્ય હતું. ચાંદી-સોના અને રત્નોના ગઢ ! રત્નમય સિંહાસન પર બિરાજમાન પ્રભુ ! ઉપર ત્રણ છત્ર ! મસ્તકની પાછળ ચમકતું ભામંડળ ! બંને બાજુ વીંઝાતા ચામર ! વચ્ચોવચ્ચ ઊંચું અશોક વૃક્ષ ! ફૂલની વૃષ્ટિ ! કર્ણપ્રિય દિવ્યધ્વનિ અને દેવદુંદુભિનો અવાજ ! મેં કહ્યું? દાદીમા ! આ જુઓ તમારા ઋષભનો ઠાઠ! આ વાજીંત્રોનો અવાજ આવે છે એ બાજુ ઋષભદેવ બિરાજમાન છે. દાદીમાના રોમાંચ વિકસ્વર થયા. હર્ષાવેશમાં આંખો ખુલી ગઇ. અંધાપો ટળી ગયો. તેઓ ધરાઇ-ધરાઇને ઋષભને જોવા લાગ્યા. થોડી જ સેંકડોમાં દાદીમાના ચહેરા પર એટલી શાંતિ છવાઇ ગઇ કે જેનું શબ્દો વર્ણન ન કરી શકે. મેં આટલી શાંતિ ક્યારેય એમના ચહેરા પર જોઇ ન્હોતી. પણ આ શું ? એમનું શરીર નિશ્રેષ્ટ બનીને ઢળી પડ્યું. હું તરત જ તેમની પાસે ગયો. શરીર ઠંડું થઇ ગયું હતું. હૃદયના ધબકારા અને નાડીનું સ્પંદન અટકી ગયું હતું. મને સમજતાં વાર ન લાગી કે પૂર્વ કોડ વર્ષની ઉંમરવાળા દાદીમાનું પ્રાણ પંખેરું ઉડી ગયું છે. હું સ્તબ્ધ થઇ ગયો : આ રંગમાં ભંગ ક્યાં પડ્યો? હજુ તીર્થની સ્થાપના થઇ નથી ને ત્યાં આ મરણ ? એ પણ ભગવાનની માતાજીનું જ ? આવા મંગળ પ્રસંગે આ અમંગળ ઘટના ન કહેવાય ? તે જ વખતે મારી વિચાર-ધારાને તોડતાં જણાવવામાં આવ્યું : રાજન ! આ અમંગળ નહિ, પરમ મંગળ છે. મરુદેવી માતાનું મૃત્યુ નથી થયું, મોક્ષ થયો છે. તેઓ કાયાની કેદમાંથી મુકત થઇ હંમેશ માટે મુક્તિ મહેલમાં બિરાજમાન થઇ ગયા છે. જન્મ-મરણના ચક્ર હંમેશ માટે અટકી ગયા છે. આ અવસર્પિણી યુગમાં સૌ પ્રથમ મોક્ષે જવાનું તેમણે સૌભાગ્ય આત્મ કથાઓ • ૫૩૨ મેળવ્યું છે. આને અમંગળ કહીશું તો મંગળ કોને કહીશું ? ફરી વિચારમાં ગરકાવ થઇ ગયો : ઓહ! દાદીમાં મોક્ષે ગયાં? ન એમણે કોઇ તપ-જપ કર્યા, ન કોઇ બીજી સાધના કરી અને સીધો જ મોક્ષ? મને સાંભળવા મળ્યું : નિગોદમાંથી કેળના ભવમાં ને કેળના ભવથી મનુષ્યના ભવમાં મરુદેવા આવેલાં. આખા ભવચક્રમાં પહેલી વાર માનવ-ભવ મળ્યો ને એક જ ઝાટકે પ્રગતિના શિખરો સર કરી લીધાં. આખા ભવચક્રમાં ક્યારેય નથી દેવલોકમાં ગયાં કે નથી નરકમાં ગયાં, નથી બે ઇન્દ્રિય, તે ઇન્દ્રિય કે ચઉરિન્દ્રિય બન્યાં કે નથી તિર્યંચ પંચેન્દ્રિય બન્યાં. આવું દૃષ્ટાંત બીજું કોઇ તમે સાંભળ્યું છે ? મને તો નથી સાંભળવા મળ્યું. સામાન્ય રીતે કેટલાય જન્મોની સાધના એકઠી થાય ત્યારે કેવળજ્ઞાન મેળવવા જેટલી પૂર્વભૂમિકા તૈયાર થાય. જ્યારે અહીં બધું જ સહજ રીતે બની ગયું. યોગ બે પ્રકારે કહ્યાં છે : કરણ અને ભવન ! પુરુષાર્થથી કરવામાં આવે તે કરણયોગ. સહજતાપૂર્વક થઇ જાય તે ભવનયોગ ! ભવનયોગનાં સ્વામી બની ગયા મરુદેવા ! શું કારણ હશે : આટલા જલ્દી મોક્ષનું ? એક હજાર વર્ષ સુધી ઋષભ... ઋષભ... ઋષભ... જાપ કર્યો તે કારણ હશે ? ભલે પુત્રના મોહથી કર્યો, પણ હતું તો પ્રભુનું નામ ને ! માનસ-ચેતના તો પ્રભુ સાથે જ જોડાઇને ! અથવા શું હર્ષાવેશથી ખુલી ગયેલી આંખોથી પ્રભુના દર્શન કરતાં પરમ આનંદ પામ્યા એટલે કેવળજ્ઞાન મળ્યું હશે ? અથવા જે ઋષભ પર આટલો રાગ હતો તે પુત્ર ઋષભને વીતરાગી જોઇને આમ વિચાર્યું હશે : અરેરે...! હું હજાર વર્ષથી એના વિયોગમાં ઝૂરી ઝૂરીને મરી ગઇ ! રડી-રડીને આંધળી થઇ ગઇ ! પણ આ દીકરો તો મારી સામુંય નથી જોતો ! મજેથી સિંહાસન પર બેઠો છે ! એને ક્યાં પડી છે માની ? અહો ! સંસારની સ્વાર્થમયતા ! અહીં કોણ કોનું છે ? અહીં કોઇ કોઇની માતા નથી. કોઇ કોઇના પુત્ર નથી.” આત્મ કથાઓ • ૫૩૩

Loading...

Page Navigation
1 ... 265 266 267 268 269 270 271 272 273