________________
(૫૭) હું રાવણ
અમે ત્રણ ભાઇઓ હતા. સૌથી મોટો છું. મારું નામ રાવણ અને મારા ભાઇઓના નામ કુંભકર્ણ અને વિભીષણ.
‘રાવણ’ શબ્દ સાંભળતાં જ તમને દશ માથાવાળો રાક્ષસ યાદ આવી ગયો હશે. ખરુંને ? પણ ખરેખર તો હોતા મને દશ માથા કે હોતો હું રાક્ષસ ! રાક્ષસદ્વીપમાં રહેતો હોવાથી હું ‘રાક્ષસ' તરીકે ઓળખાયો છું. જેમ કચ્છમાં રહેનારને કચ્છી, ગુજરાતમાં રહેનારને ગુજરાતી, અમેરિકામાં રહેનારને અમેરિકન તરીકે તમે સંબોધો છો ને ? તેમ મને પણ “રાક્ષસ' તરીકે સંબોધવામાં આવતો. ખરેખર હું રાક્ષસ ન હોતો.
અને દેશ માથાવાળી વાત પણ સાંભળવા જેવી છે. હું નાનો હતો ત્યારે ઘરના ઓરડામાં નવ માણેકનો હાર જોયો. એકેક માણેક સૂરજ જેવો ઝળહળતો હતો. મેં પૂછ્યું : “જગતમાં બાર સૂર્ય સંભળાય છે.. પણ અહીં નવ જ કેમ છે ?” પછી મને વડીલો તરફથી કહેવામાં આવ્યું : તારા બાપદાદાઓને વરદાનમાં મળેલો આ હાર છે. તારા વડવાઓ આ હારની પરાપૂર્વથી પૂજા કરતા આવ્યા છે. એવી માન્યતા છે કે આ હાર જે પહેરે તે ત્રણ ખંડ ભારતનો સ્વામી બને.
હારની પૂજા થોડી કરવાની હોય ? એને તો પહેરવાનો હોય. જે પહેરે તે ત્રણ ખંડનો માલિક થવાનો હોય તો હું જ શા માટે ન પહેરું ? મારા બાળ મગજમાં પણ અપાર મહત્ત્વાકાંક્ષાઓ ભરેલી હતી. મેં તો હાર તરત જ પહેરી જ લીધો. મારા વડીલો તો મારું પરાક્રમ જોઇ જ રહ્યા.
હાર પહેરતાં જ જાણે ચમત્કાર સર્જાયો. હારના નવેય માણેકમાં મારું માથું પ્રતિબિંબિત થઇ ગયું. એક મારું પોતાનું માથું અને નવ પ્રતિબિંબના માથા - હું આ રીતે દશ માથાવાળો કહેવાયો. મને દશાનન, દેશમુખ કે દશાસ્ય તરીકે પણ સંબોધવામાં આવતો. તો દશ માથાની
આત્મ કથાઓ • ૪૭૮
સાચી વાત તમને હવે સમજાઇને ? તમે વિચારો તો ખરા : દશ માથાવાળો કોઇ માણસ પેદા થતો હશે ? મારા મા-બાપની સાત પેઢીમાં કોઇને એકથી વધુ માથા ન્હોતા તો મને દશ માથા ક્યાંથી હોય ?
પછી તો મેં પ્રજ્ઞપ્તિ વગેરે ઘણી વિદ્યાઓ સાધી. આમેય બળવાન તો હતો જ. પણ વિદ્યાઓના કારણે તો હું ખૂબ જ બળવાન બની ગયો. જોત-જોતામાં ત્રણેય ખંડ જીતી લીધા. જ્યાં જાઉં ત્યાં મારા નામનો જયજયકાર થવા લાગ્યો. મારો અહંકાર પુષ્ટ થવા લાગ્યો.
તમે સાંભળ્યું હશે : રાવણના પુત્રે ઇન્દ્રને જીતી લીધો હતો. સોમ, યમ, વરુણ, કુબેર વગેરે દિકપાલોને પણ દાસ બનાવ્યા હતા. પણ હકીકત જુદી હતી. ઇન્દ્ર એટલે પેલો સ્વર્ગનો ઇન્દ્ર નહિ સમજવાનો... પણ ધરતીનો ઇન્દ્ર નામનો રાજા સમજવાનો. વૈતાઢય પર્વતમાં ઇન્દ્ર નામનો વિદ્યાધર રાજા હતો. તે પૂર્વભવમાં ઇન્દ્ર હતો. આ ભવમાં પણ વિદ્યા વગેરેના ઐશ્વર્યથી પોતાની જાતને તે ઇન્દ્ર માનતો અને મનાવતો ! તેણે પોતાની પટ્ટરાણીનું નામ પાડ્યું : શચી ! શસ્ત્રનું નામ પાડ્યું : વજ ! હાથીનું નામ પાડયું : ઐરાવણ ! ઘોડાનું નામ પાડ્યું : ઉચ્ચઃશ્રવા ! સારથીનું નામ પાડયું : માતલિ ! ચાર પરાક્રમી સુભટોના નામ પાડ્યા : સોમ, યમ, વરુણ અને કુબેર ! આ રીતે તે જાતે જ ઇન્દ્ર બની બેઠો અને પોતાના મિથ્યાગર્વને સંતોષવા લાગ્યો. મને તે જરાય ગણકારતો ન્હોતો ! હું સૈન્ય સહિત તેની સાથે લડવા ચાલ્યો. તે પણ મારી સામે સૈન્ય સહિત લડવા આવ્યો. હું તેની સામે જવા લાગ્યો ત્યારે મારા પુત્ર મેઘનાદે કહ્યું : પિતાજી ! મને લડવાનો ચાન્સ આપો. મચ્છર જેવાને મારવા માટે આપની જરૂર ન હોય... હું પુત્રની હિંમતથી ખુશ થયો. હું મારા પુત્રોને પણ બળવાન અને સાહસિક બનાવવા માંગતો હતો. એમને કોઇ ચાન્સ આપવા માંગતો હતો. ચાન્સ મળ્યા વિના એમનું પરાક્રમ ખીલે કઈ રીતે ?
એ તો ઉપડ્યો. બંને વચ્ચે ભયંકર યુદ્ધ થયું. સૈન્યો લડતાં થંભી ગયાં અને બંને બળિયાને લડતા જોવા લાગ્યા. બંને બળવાન હતા. એકબીજાને ક્ષણે-ક્ષણે હંફાવતા હતા. અચાનક જ ઇન્દ્ર રાજા “આ મચ્છર
આત્મ કથાઓ • ૪૭૯