Book Title: Aatmkathao
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shantijin Aradhak Mandal Manfara
View full book text
________________
જ મને જોવા મળતી. આવા ઉત્તમ આલંબનોમાં મને હીન વિચારો પેદા થવાનો અવકાશ જ ના રહ્યો. સામાન્યતયા જેવા નિમિત્તો મળતા હોય છે, તેવી વિચારણા જીવને થતી હોય છે.
મેં મારી કાયા જ્ઞાન-ધ્યાન અને તપમાં ગાળી નાખી. કેટલાય વર્ષોના વહાણા વહી ગયા. જોતજોતામાં હું જિંદગીના છેડે પહોંચી ગયો. પણ મને જિંદગીથી સંતોષ હતો. માનવ-જીવનને મેં સફળ બનાવ્યું છે. એવી તૃપ્તિ હતી. હવે વૃદ્ધાવસ્થા ડોકિયું કરવા લાગી હતી. ઇન્દ્રિયોએ શક્તિ ગુમાવવા લાગી હતી. હાથ-પગના સાંધા ઢીલા થઇ રહ્યો હતો. મને લાગ્યું : હું વધુ નહિ જીવી શકું. મેં અનશન કરવાનું નક્કી કર્યું. અનશન એટલે મૃત્યુનો સત્કાર ! આપઘાત અને અનશનમાં બહુ ફરક છે. આપઘાતમાં મજબૂરી છે. અનશનમાં સ્વેચ્છાએ મૃત્યુનો સ્વીકાર છે. આપઘાતમાં ક્લેશ છે. અનશનમાં આનંદ છે.
મેં આનંદપૂર્વક અનશન સ્વીકારી લીધું. મારી સેવા કરવા સાધુઓ તત્પર રહેવા લાગ્યા. હું પણ ખૂબ જ ઉલ્લાસમાં હતો. પણ મારા કર્મ હજુ વાંકા હતા. છેલ્લી ઘડીએ મને વિચાર આવ્યો : અરેરે... ગૃહસ્થપણામાં મેં કેટલી કદર્થના સહી ? માત્ર ઠીંગણાપણાના કારણે જ ને ? હું ઠીંગુજી બન્યો એજ મારો ગુનો હતો ! મારા દબાયેલા વિચારો બહાર ધસી આવ્યા : હવે મારે આગામી ભવમાં મોટા શરીરવાળા બનવું છે. મેં મનોમન સંકલ્પ કર્યો : મારી સાધનાનું કોઇ પણ ફળ હોય તો હું મોટા શરીરવાળો બનું ! મને ત્યારે ખબર હોતી કે હું શું માંગી રહ્યો છું. કર્મસત્તાએ મારી માંગણી સ્વીકારી લીધી. તે જ વખતે મારું હાથીનું આયુષ્ય બંધાઇ ગયું. પેલા છોકરાઓ તો મારી ઠેકડી ઉડાવતા... પરંતુ કર્મસત્તાએ પણ મારી ઠેકડી ઉડાવી : બેટમજી ! તારે મોટા શરીરવાળા બનવું છે ને ? લે... ત્યારે બની જા હાથી ! મરીને હું હાથી થયો ! કરવા ગયો કંસાર... પણ થઇ ગઈ થૂલી ! તમને પેલો કુંભકર્ણ યાદ આવી ગયો હશે : બિચારો માંગવા ગયો ઇન્દ્રાસન, પણ મળી ગયું નિદ્રાસન ! જંગલમાં હાથી બનીને હું વિચરવા લાગ્યો ! ઝરણાનાં પાણી
આત્મ કથાઓ • ૫૦૬
પીવાનાં ! સરોવરમાં ન્હાવાનું ! ઝાડ-પાન ખાવાનાં ને હાથણીઓ સાથે મસ્તીથી ટહેલવાનું ! આ મારું હાથી તરીકેનું જીવન ! પણ મારું પુણ્ય હજુ સાવ પરવારી હોતું ગયું ! એક વખતે મેં કાયોત્સર્ગમાં રહેલા ભગવાનશ્રી પાર્શ્વનાથ જોયા. મને ખબર નહોતી કે આ ભગવાન છે. હું તો એમની સમક્ષ જોઇ જ રહ્યો. એમના અદ્ભુત રૂપથી મારી આંખો અંજાઇ ગઇ ! એમના મુખ પર રેલાતી સમતાએ મને પ્રભાવિત કર્યો. હું સ્થિર બનીને એકીટસે પ્રભુ સમક્ષ જોવા લાગ્યો. મને વિચાર આવ્યો : આવી આકૃતિ મેં ક્યાંક જોઇ છે ! ક્યાંક જોઇ છે ! હું વિચારોમાં ખોવાઇ ગયો. મેં અજાગૃત મનમાં પ્રવેશ કર્યો... જ્યાં ભૂતકાળની સ્મૃતિઓ ભંડારાયેલી હતી. પૂર્વભવની સ્મૃતિ મને થઇ આવી.
હું ઠીંગુજી ! મારી કદર્થના ! આપઘાત માટેનો પ્રયત્ન ! મુનિ દ્વારા નિવારણ ! સર્વવિરતિનો સ્વીકાર ! અંત સમયે અનશન ! છેલ્લે દુર્થાનમાં મોટા શરીરની માંગણી !
મારી બધી જ જીવન-ઘટનાઓ મને આંખ સામે ફિલ્મની જેમ દેખાવા લાગી. હું મારી ભૂલો માટે પસ્તાવા લાગ્યો. મનોમન પ્રભુને પ્રાર્થવા લાગ્યો : પ્રભુ ! મને બચાવો. પ્રભુ ! મારા પાપોનો નાશ કરો. પ્રભુ પ્રત્યેના અપાર બહુમાનથી હું દરરોજ તેમની પૂજા કરવા લાગ્યો. બાજુમાં કલિ નામનો કુંડ હતો. તેમાં કમળના ફૂલો ઊગતા હતા. મને આ જ જોઇતું હતું : હું દરરોજ એ કુંડમાંથી કમળો તોડી લાવી પ્રભુના ચરણને ધરવા લાગ્યો. પૂજા કરતાં મને ખૂબ જ આનંદ આવવા લાગ્યો. પ્રભુની અનરાધાર કૃપા મારા પર વરસી રહી છે - એવી મને અનુભૂતિ થવા લાગી. પ્રભુ ! હવે મારે દુર્ગતિમાં નથી જવું. પ્રભુ ! મને અનશન આપો. પ્રભુ પાસે મેં અનશન સ્વીકાર્યું. સમાધિ-મૃત્યુ પામીને હું દેવ થયો.
આત્મ કથાઓ • ૫૦૭

Page Navigation
1 ... 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273