Book Title: Aatmkathao
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shantijin Aradhak Mandal Manfara

View full book text
Previous | Next

Page 242
________________ તેમાં કૃષ્ણલેશ્યાવાળાની વિચારણા યાદ છે ને ? બસ... એના જેવો જ હું બહાવરો બન્યો હતો. મુનિને જ નહિ, આખા તીર્થને પણ નષ્ટ કરવા તૈયાર થયો હતો. હું ધરતી ખોદીને પર્વતની નીચે પહોંચ્યો. આખા પર્વતને ઉપાડવો શી રીતે ? પણ મારી પાસે વિદ્યાઓનું બળ હતું. હું એના પર મુસ્તાક હતો. એક હજાર વિદ્યાઓનું મેં સ્મરણ કર્યું અને મારી પૂરી તાકાતથી આખા પર્વતને અદ્ધર ઊંચક્યો. ભયંકર ખળભળાટ મચી ગયો. આઠ યોજનનો પર્વત અદ્ધર ઊંચકાય એટલે શું થાય એની તમે કલ્પના કરી શકો છો. મોટી-મોટી શિલાઓ પર્વત પરથી ગબડવા લાગી. પંખીઓ માળા છોડી ચીં... ચીં... કરતા ઊડવા લાગ્યા. હાથી, સિંહ જેવા મોટામોટા પ્રાણીઓ ભયંકર ગર્જનાઓ કરવા લાગ્યા. ચારેબાજુ હાહાકાર મચી ગયો. ઓહ ! કેટલું બધું દુષ્ટ કાર્ય ? હકીકતમાં મુનિએ મારું વિમાન અટકાવ્યું હતું... પણ એમના તપના તેજથી મારું વિમાન સ્વયં અટકી ગયું હતું, પણ હું ઊંધું સમજ્યો હતો. મારા જેવા ઉતાવળા અને આંધળુકિયું કરવાવાળા ઊંધું જ સમજેને ? આ બાજુ વાલિ મુનિ વિચારમાં પડી ગયા. અરે... અચાનક જ વાતાવરણ અશાંત કેમ બની ગયું? શાંત સરોવરમાં પથ્થર કોણે નાખ્યો? આ પર્વતને કોણ હલાવી રહ્યું છે? મુનિએ જ્ઞાનથી મારું ‘પરાક્રમ' જાણ્યું. મુનિ વિચારમાં પડ્યા : જો આ રાવણે મારા પર જ હુમલો કર્યો હોત તો મારે કોઇ જ પ્રતિકાર કરવાની જરૂર નહોતી. કારણ કે ક્ષમા એ મારો ધર્મ છે. જે કાંઇ પણ કષ્ટ પડે તે માટે સહવા જોઇએ, પણ આ મૂરખાએ તો આખા તીર્થને પણ ડૂબાડવા માંડ્યું છે. અત્યારે મારાથી ઉપેક્ષા કેમ થાય ? હજારોને તારનારા તીર્થના નાશની સામે મારાથી આંખ મીંચીને કેમ બેસાય ? અત્યારે તો ક્ષમા નહિ, પણ પ્રતિકાર એ મારો ધર્મ છે. એ જો ભૂલું તો હું કર્તવ્યભ્રષ્ટ થયો ગણાઉં... વળી મારી પાસે તેવી શક્તિ પણ છે જ. આવી જ કોઇ વિચારણાથી વાલિ મુનિએ પગનો અંગૂઠો સહેજ દબાવ્યો અને તરત જ મારા પર ભયંકર દબાણ આવ્યું. આઠ યોજન ડુંગરનો માર મારા પર ખડકાયો. હું તો રાડારાડ અને ચીસાચીસ કરવા માંડ્યો. લોહીની ઉલટીઓ કરતો કરતો માંડ હું પર્વત આત્મ કથાઓ • ૪૮૨ નીચેથી બહાર નીકળી શક્યો. આ પ્રસંગે હું ખૂબ જ રડ્યો હોવાથી મારું નામ પડ્યું: ‘રાવણ.' રડે અને રડાવે તે રાવણ. બરાબરને ? જે થયું હોય તે તો કહેવું જ પડે ને ? આપવીતી કહેવા બેઠો જ છું તો હું આમાં ક્યાંય જૂઠું નહિ કહું. મારી ખરાબ વાતો પણ કહીશ અને સારી વાતો પણ કહીશ. પછી તો મને ભયંકર પશ્ચાત્તાપ થયો. અરેરે.. મેં આખા તીર્થને ડૂબાડવાની ચેષ્ટા કરી ? અનેકોને તારનારા તીર્થને હું ડૂબાડવા ચાલ્યો? બીજા બધા તીર્થમાં તરવા આવે... પણ હું તો તીર્થને જ ડૂબાડવા ચાલ્યો. અરેરે..મારા જેવો પામર કોણ ? અન્યસ્થાનમાં કરાયેલું કર્મ તીર્થસ્થાનમાં છૂટે, પણ તીર્થસ્થાનમાં કરાયેલું મારું આ ઘોર પાપકર્મ ક્યાં છૂટશે ? હું પશ્ચાત્તાપની ગંગામાં સ્નાન કરી રહ્યો. હું વાલિ મુનિ પાસે ગયો. તેમની પાસે ભાવપૂર્વક ક્ષમાયાચના કરી પણ તેઓ તો ક્ષમાશ્રમણ હતા. મને તો તેમણે ક્યારનીયે ક્ષમા આપી જ દીધી હતી. પશ્ચાત્તાપની આગમાં બળતો હું પછી અષ્ટાપદના મંદિરમાં ગયો. ભરત મહારાજાએ બનાવેલા સોનાના મંદિરો અને રત્નોની મનોહર મૂર્તિઓ જોઇ મારો મનનો મોરલો નાચી ઊઠ્યો. અરેરે... આવા સુંદર તીર્થને તું નષ્ટ કરવા તૈયાર થયો ? તારે મરીને જવું છે ક્યાં ? હું મનોમન મારી જાતને ઠપકો આપી રહ્યો. મારી પત્ની મંદોદરી સાથે હતી. અમે બંને ભગવાનની ભક્તિમાં એકાકાર બની ગયા. મારી પત્ની નૃત્યમાં બહુ જ કુશળ હતી. હું સંગીતમાં નિષ્ણાત હતો. મંદોદરી પ્રભુ સમક્ષ ભાવપૂર્વક નૃત્ય કરવા લાગી અને હું વીણા વગાડવા લાગ્યો. મારા પાપોને ધોવા હું ભક્તિની ગંગામાં સ્નાન કરવા લાગ્યો. હું અનન્ય અને અવર્ણનીય આનંદ અનુભવવા લાગ્યો. પણ ઓહ ! આ શું ? અચાનક જ મારી વીણાનો એક તાર તૂટી ગયો. હવે ? રંગમાં ભંગ ? ના... ના... રંગમાં ભંગ તો નથી જ પડવા દેવો. મેં મારી પાસે રહેલી લાઘવી કળા અજમાવી. એની મદદથી મારી જાંઘની એક નસ ખેંચી કાઢી. વીણામાં જોડી દીધી. નૃત્ય-સંગીતભક્તિ અખંડ રહી. ઓહ ! શું અજબ એ ક્ષણ હતી ! મારા દેહમાં ભક્તિનો આનંદ સમાતો ન્હોતો. મારા રોમ આત્મ કથાઓ • ૪૮૩

Loading...

Page Navigation
1 ... 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273