________________
કહ્યું ઃ મહારાજ ! હવે અવદ્યુના સમયે શું વાપરશો ? વાપરશો તો પાણી ક્યારે વાપરશો ? આમેય આજે મોટું પ્રતિક્રમણ છે. હમણાં પ્રતિક્રમણ બેસશે. સમય ક્યાંય નીકળી જશે તેની ખબર પણ નહિ પડે. તો ઉપવાસ જ કેમ ન કરવો ? થોડા સમય માટે શું વાપરવું ? ...અને હવે બીજું કરવાનું પણ શું છે ? રાતે સૂઇ જશો એટલે સીધી પડશે સવાર !
સરળ મહાત્મા શ્રીયકે મારી એ વાત પણ માની ને ઉપવાસના પચ્ચકખાણ કરી લીધા. જિંદગીમાં પ્રથમ વખત જ ઉપવાસ કર્યો. મને પણ આનંદ થયો : ચાલો... આજે આપણે એક સુકૃતનું મોટું કાર્ય કર્યું. ભાઇ મહારાજને નવકારશીમાંથી ઠેઠ ઉપવાસ પર ચડાવી દીધા ! હું કેટલી ભાગ્યશાળી ? પણ પછી શું થવાનું છે ? એની મને ત્યારે ક્યાં ખબર હતી ?
થયું એવું કે તે જ રાત્રે આયુષ્યનો ક્ષય થવાથી મહાત્મા શ્રીયક સ્વર્ગવાસી બન્યા. આ સમાચાર મળતાં જ હું તો હચમચી ઊઠી : હાય ! હાય ! મેં એક મહાત્માની હત્યા કરી. મેં ભાઇ મહારાજનું ખૂન કર્યું. મારા જેવી હત્યારી પાપમાંથી શી રીતે છૂટશે ? એક સામાન્ય જીવની હત્યા પણ નરકના દરવાજા દેખાડી શકે તો આ તો જીવમાં પણ માણસ અને માણસોમાં પણ મુનિ ! મુનિની હત્યા કરનાર મારા જેવાનું શું થશે ? અરેરે... ભગવાન ! આ શું થયું ? મેં શ્રીયક ભાઇ મહારાજને તપ કરાવવાની ઘેલછા ન કરી હોત તો ? હું સમજી કે મેં ધર્મ કર્યો... પણ આ તો કરવા ગઇ કંસાર ને થઈ ગઈ થુલી ! હું સાચે સાચ ભાન ભૂલી ! હવે મારો છુટકારો શી રીતે થશે ?”
મારું કાળું કલ્પાંત જોઇ સૌના હૈયાં વલોવાઇ ગયા. શ્રીસંઘે મને કહ્યું: ‘તમે મુનિના હત્યારા ન કહેવાઓ. તમે શુદ્ધ છો. તમારો ભાવ કાંઇ મારી નાખવાનો હોતો. ફળ હંમેશાં આશય પ્રમાણે મળતો હોય છે.”
છતાં મને સંતોષ ન થયો. શ્રીસંઘ મારું કલ્પાંત જોઇ મને શુદ્ધ કરી દે ને હું પણ મારી જાતને શુદ્ધ માની લઉં, આમાં ક્યાંય આત્મ વંચના તો નહિ હોય ને ! મન બહુ ચાલાક છે... એ પોતાને અનુકૂળ વાત તરત જ સ્વીકારી લે છે. કોઇના કહેવા માત્રથી શુદ્ધ બની જવાતું હોય તો મન શા માટે ન સ્વીકારે ? હું વિચારમાં પડી : મારું મન મને
આત્મ કથાઓ • ૨૪૮
ધોખો તો નથી દેતું ને ? અચાનક જ મને વિચાર સ્ફર્યો : વર્તમાનમાં મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા ભગવાન શ્રી સીમંધરસ્વામી મને જો નિર્દોષ કહે તો જ હું માનું !
હું સીમંધરસ્વામીના દર્શનાર્થે લાલાયિત થઇ ઊઠી. એ માટે શાસનદેવીની આરાધના કરી. શાસનદેવીએ કહ્યું : હું તમને મહાવિદેહ ક્ષેત્રમાં શ્રી સીમંધરસ્વામી પાસે લઇ તો જાઉં ! પણ એ માટે ચતુર્વિધ સંઘના કાઉસ્સગનું બળ જોઇએ. એ સૂક્ષ્મબળથી જ હું ત્યાં પહોંચી શકું ને તમને ફરી અહીં લાવી શકું ! કાયોત્સર્ગની ઊર્જાના કવચ સહિત જો હું જાઉં તો કોઇ દુષ્ટ દેવ-દેવી મને વિશ્ન પહોંચાડી શકે નહિ.
મેં શ્રીસંઘને વાત કરી. શ્રીસંઘ કાયોત્સર્ગ ધ્યાનમાં રહેવા તૈયાર થયો. મને શાસનદેવી મહાવિદેહ ક્ષેત્રમાં લઇ ગઇ ! ત્યાંના વિરાટકાય માનવો જોઇ હું સ્તબ્ધ થઇ ગઇ ! બાપ રે ! ૫૦૦ ધનુષ્યની લંબાઇ ! હું તો એમની આગળ કીડી હતી. પુષ્કલાવતી વિજયમાં વિચરતા, સમવસરણમાં મધુર દેશના આપતા સીમંધરસ્વામીને જોઇને હું ચકિત થઇ ગઇ ! આહ ! વાણીમાં શું મીઠાશ ! જાણે સાંભળતા જ રહીએ. કદી ધરાઇએ જ નહિ !
ભગવાને જ્યારે મને કહ્યું : તમે નિર્દોષ છો. તમારા કારણે નહિ, પણ આયુષ્યનો ક્ષય થવાથી જ શ્રીય મુનિ કાળધર્મ પામ્યા છે.
ત્યારે મને પરમ સંતોષ થયો.
ભગવાન પાસે મેં ભરતક્ષેત્રના માનવો માટેની હિતશિક્ષા માંગી. ભગવાને મને ચાર ચૂલિકાઓ આપી. ભગવાને કહ્યું તે મને સાંભળતાં જ કંઠસ્થ થઇ ગયું.
મેં ભરતક્ષેત્રમાં આવીને પૂજ્ય આચાર્ય ભગવંતને એ ચૂલિકાઓ આપી. એમાંથી બે દશવૈકાલિકના અંતે તથા બે આચારાંગ સૂત્રના અંતે મૂકવામાં આવી.
હવે મને ઓળખી ? હું યક્ષા ! મારી છ બહેનોના નામ પણ તમારા ખ્યાલમાં હશે જ : યક્ષદરા, ભૂતા, ભૂતદત્તા, સણા, વેણા અને રેણા.
પરકાય - પ્રવેશ • ૨૪૯