________________
રીતે થઈ શકે ? યુગબાહુનો કાંટો કાઢવો જરૂરી છે. પછી બીજું કામ સરળ થઇ જશે. મદનરેખા ભલે ‘ના’ પાડતી રહે, પણ એ “ના” જ ‘હા’માં બદલાઇ જશે. આમેય સ્ત્રીઓનો સ્વભાવ પહેલા તો ‘ના’ કહેવાનો જ હોય છે. ના... ના... ના... કરતાં આખરે ક્યારે હા... હા... હા... હા... થઇ જાય છે તેની તેને પોતાનેય ખબર નથી પડતી.
મારા પતિનું કાસળ કાઢવા સુધી જેઠ પહોંચી ગયા છે, એ વાતની ખબર તો મને ત્યારે જ પડી જ્યારે હું મારા પતિની સાથે ઉદ્યાનમાં ક્રીડા કરવા ગયેલી. રાત્રે પણ કદલીગૃહમાં જ અમે બંનેએ રહેવાનું નક્કી કર્યું. થોડી રાત વીતતાં જ સમાચાર મળ્યા : મારા જેઠ મારા પતિને મળવા આવી રહ્યા છે. મને કંઈક ફાળ તો પડી... પણ હું હજુ કાંઇ વિચારું એ પહેલાં જ મણિરથ જેઠ આવી જ પહોંચ્યા. મોટા ભાઇને જોતાં જ મારા પતિ એમના ચરણોમાં ઝૂકી પડ્યા અને તે જ વખતે લાગ જોઇને જેઠે મારા પતિની ગરદન પર જોરથી તલવાર વીંઝી દીધી. લોહીનો ફુવારો છૂટ્યો. મેં ચીસાચીસ કરી મૂકી. મારી બૂમો સાંભળીને ચોકીદારો તરત જ આવી પહોંચ્યા. જેઠને મુશ્કેરાટ બાંધવા લાગ્યા, પણ ઘાયલ થયેલા મારા પતિએ તેમ કરવાની ના પાડી. ચોકીદારોએ આથી છોડી મૂકતાં જેઠ તો તરત જ ભાગી છૂટ્યા.
હું આ આઘાતથી હચમચી ઊઠી હતી. મારા જીવનનું સર્વસ્વ મારા અધમ જેઠે લુંટી લીધું હતું. મારી નજર સામે મારા પતિ તરફડી રહ્યા હતા. હું ક્ષણભર હતપ્રભ બની ગઇ... પણ તરત જ મેં મારી જાતને સંભાળી લીધી. અત્યારે હિંમત હારવાથી કાંઇ વળે તેમ નહોતું. ખાસ કરીને મારા પતિને સમાધિ આપવી જરૂરી હતી. બધા વિચારો એક બાજુએ હડસેલી મૂકીને હું મારા પતિને અંતિમ આરાધના કરાવવા લાગી. આ વખતે મારો મોટો પુત્ર ચંદ્રયશા પણ ચિકિત્સા માટે આવી પહોંચ્યો. હું નિર્ધામણા કરાવવામાં લયલીન બની : “હે પતિદેવ ! કોઇની ઉપર પણ વેર ના રાખશો. આપણું ભૂંડું આપણા કર્મથી જ થાય છે. સર્વ જીવોની સાથે ક્ષમાપના કરો, વિશેષ કરીને તમારા મોટા ભાઇ સાથે કરો. અરિહંતાદિ ચારનું શરણું સ્વીકારો. દુષ્કતોની ગહ કરો. સુકૃતોની
આત્મ કથાઓ • ૨૩૦
અનુમોદના કરો. પતિદેવ ! ક્યાંય આસક્તિ રાખતા નહિ, વિદાય વેળા નજીક આવી રહી છે. પૂર્ણ જાગૃતિપૂર્વક સમાધિ રાખજો. ભવોભવ આ જીવ અસમાધિમાં મર્યો છે, અસાવધાનીમાં, બેહોશીમાં મર્યો છે. કદી સમાધિ મળી નથી. આ વખતે આ સુંદર અવસર મળ્યો છે. જરા પણ અસમાધિ કે અસાવધાની નહિ રાખતા.”
હું જોઇ રહી હતી કે પતિદેવનું મુખ અંધારામાં પણ ચમકી રહ્યું છે. સમાધિમગ્ન છે. અંદરની સમાધિ બહાર મુખમુદ્રા પર ઝલક્યા વગર રહે જ નહિ. અત્યંત સમાધિપૂર્વક એમણે છેલ્લો શ્વાસ લીધો. મને એમની કાયમી વિદાયથી દુઃખ જરૂર થયું, પણ અંતિમ સમયે એમને સમાધિ રહી એ વાતનો મને ખૂબ જ આનંદ હતો.
પતિની અલવિદાથી હું અને મારો પુત્ર ચંદ્રયશા - બંને ધ્રુસકેધ્રુસકે રડી પડ્યા.
મેં વિચાર્યું : આમ રડવાથી કામ ચાલવાનું નથી. હજુ મારા પર વિપત્તિના વાદળ ઝળુંબી રહ્યા છે. જો અહીં રહીશ તો જેઠ મને ચૂંથી નાખે એમ છે. મરી જઇશ પણ પર-પુરુષને હાથ નહિ લગાડવા દઉં - આ મારો દઢ સંકલ્પ હતો. આમ તો હું મરી પણ જાઉં ! પણ મારા પેટમાં બાળક હતું. મારા કારણે મારા પેટમાંના બાળકે ગર્ભમાં જ મરી જવું પડે, મળેલું મહામોંઘું માનવ-જીવન હારી જવું પડે, એવું હું કદી ન થવા દઉં ! મારે શીલ-રક્ષા સાથે બાળ-રક્ષા પણ કરવી હતી. આથી ભાગી જવાનું જ મને ઠીક લાગ્યું.
આ બાજુ ચંદ્રયશા રડતો રહ્યો ને હું અંધારામાં જંગલ તરફ ભાગી નીકળી. કાજળકાળી રાત હતી. ભયંકર જંગલની વાટ હતી ને હું ભાગ્યભરોસે ચાલી નીકળી. કદી જમીનમાં પગ પણ નહિ મૂકનારી રાજ્યપરિવારની સ્ત્રી હું, આજે ઉઘાડે પગે જંગલમાં ચાલી રહી હતી. કાંટા અને કાંકરાઓથી અવાર-નવાર મારા પગ વીંધાઈ જતા હતા, પણ અત્યારે એ બધું ગૌણ હતું.
આખી રાત હું ચાલતી રહી ત્યારે સવારે હું ભયંકર અટવીમાંના કોઇ જળાશય પાસે આવી પહોંચી હતી. પાસે કેળનું વન હતું. તેના વડે
પરકાય - પ્રવેશ • ૨૩૧