________________
આવા સમયે સાધ્વી ? હું આશ્ચર્યચકિત થઇ ગયો. કેમ આવ્યા હશે ? શું કામ હશે ? હું વિચારમાં પડી ગયો.
તરત જ સિંહાસનથી નીચે ઊતરી વંદના કરી. સાધ્વીજીએ અમને ધર્મોપદેશ આપ્યો : નાની-નજીવી ચીજ ખાતર શા માટે યુદ્ધ કરવાનું? યુદ્ધથી કોઇને ક્યારેય કશોય ફાયદો થયો જ નથી. યુદ્ધ એ ક્ષણિક ગાંડપણ છે. ફાયદો તો કોઈને નથી જ. પણ નુકશાની બંને પક્ષે છે. હારવામાં તો નુકશાની છે જ, પણ જીતવામાંય નુકશાની છે. જીતવાથી યુદ્ધ કરવાનો નશો ચડે છે ને છાસવારે ને છાસવારે યુદ્ધ કરવાનું મન થયા જ કરે છે. માટે મારી તમને વણમાગી સલાહ છે : યુદ્ધ તરત જ બંધ કરો !'
સાધ્વીજીનો ઉપદેશ મને ગમ્યો. એમનો ચહેરો જોઇને જ હૃદય નાચવા લાગ્યું, કોઇ અજ્ઞાત સ્નેહથી મારી અસ્મિતા ઉભરાવા લાગી, પણ હું યુદ્ધ બંધ કરવા તૈયાર ના થયો.
ત્યારે સાધ્વીજીએ મને કહ્યું : તમે જાણો છો, કોની સાથે લડી રહ્યા છો ? જેની સાથે લડી રહ્યા છો, એ તમારો સગો ભાઇ છે. તમે મોટાભાઇની સાથે લડશો ?
હં... શું વાત કરો છો ? ચંદ્રયશા મારો મોટો ભાઇ ? તમને શી રીતે ખબર ? મારા પિતા તો છે મિથિલાના રાજા પધરથ અને મા છે પુષ્પમાળા... જ્યારે ચંદ્રયશાના માતા-પિતા તો અલગ જ છે. હું તેનો શી રીતે ભાઇ હોઇ શકું ?”
હું તમને એ જ કહેવા માંગું છું. હવેથી હું તને તુંકારામાં બોલાવીશ. કારણ કે હું તારી સગી સંસારી મા છું. ચંદ્રયશા અને તું તમે બંને મારા પુત્રો છો. ચંદ્રયશા મોટો અને તું નાનો પુત્ર !”
હું સ્તબ્ધ થઇ ગયો. આ હું શું સાંભળી રહ્યો છું? જૈન સાધ્વીજી કદી ખોટું તો બોલે જ નહિ. એટલે અવિશ્વાસને કોઇ કારણ જ નથી. મારે બધું વિગતથી પૂછવું જોઇશે. મેં નમ્રતાથી મારું વૃત્તાન્ત જણાવવા કહ્યું ત્યારે સાધ્વીજી બોલી ઊઠ્યા : નમિ ! સાંભળ. મારું અત્યારે નામ છે : સુવ્રતાશ્રી. પણ સાંસારિક
આત્મ કથાઓ • ૨૩૮
નામ હતું - મદનરેખા. તારા પિતા હતા : યુગબાહુ અને મોટા બાપા હતા - મણિરથ. મણિરથ સુદર્શનનગરના રાજા. એક વખતે અમે બંને ઉદ્યાનમાં કેલિગ્રહમાં હતા ત્યારે કામાન્ય બનેલા મણિરથ મલિન ઇરાદાથી પોતાના જ નાના ભાઇ, એટલે કે તારા પિતાની ગરદન પર તલવાર વીંઝી. મેં ચીસો પાડી. મારી બૂમો સાંભળીને સુભટો આવી પહોંચ્યા. “મારાથી અભાન અવસ્થામાં તલવાર પડી ગઇ ને ભાઇની ગરદન પર લાગી.” એવી સફાઇ મણિરથે કરી. તેના મનના ઇરાદાની તો સુભટોને ખબર પડી ગઇ. પણ રાજા હોવાથી છોડી મૂક્યો. આ બાજુ હું બેબાકળી થઇ ગઇ. પણ ક્ષણભરમાં બાજી સંભાળી લીધી. તારા પિતા જલ્દીથી મૃત્યુ તરફ પ્રયાણ કરી રહ્યા હતા. મેં તેમને નવકાર આદિ સંભળાવી સમાધિ આપી. થોડીવારમાં તેમનું પ્રાણપંખેરૂ ઉડી ગયું. હવે હું તદ્દન અનાથ બની હતી, વળી શીલની પણ ચિંતા હતી. જો કે આમ તો હું મરી પણ જાત, પણ ત્યારે મારા પેટમાં બાળક હતું. આ બાળક તે બીજું કોઇ નહિ, પણ હે નમિ ! તું જ હતો. શીલને તેમજ તેને બચાવવા મેં રાત્રે અંધારામાં ચાલતી પકડી. એક ભયંકર જંગલમાં જલાશય પાસે કદલીગૃહમાં મેં નિવાસ કર્યો. પીવા માટે જળ, ખાવા માટે ફળ, ઓઢવા માટે આકાશ, સૂવા માટે પૃથ્વી અને રહેવા માટે કદલીગૃહ હતું ! જંગલમાં સાત દિવસ પછી તારો જન્મ થયો. તારી આંગળીમાં તારા પિતાના નામવાળી મુદ્રિકા પહેરાવી તને કંબલમાં લપેટી હું સરોવર કિનારે શુદ્ધિ કરવા ગઇ, પણ ત્યાં જળહાથીએ મને સૂંઢથી પકડી આકાશમાં ઊછાળી. મારું પુણ્ય જોર કરતું'તું એટલે હું નીચે તળાવમાં પડું એ પહેલાં જ એક વિદ્યાધરે મને પકડીને પોતાના વિમાનમાં બેસાડી. હું બચી તો ગઇ પણ ફરી મારું શીલ જોખમાયું. એ વિદ્યાધર મણિપ્રભ જ મારા પર મોહાયો. મેં તેને કહ્યું : અત્યારે તમે નંદીશ્વર જઇ રહ્યા છો ને ? ત્યાં ચાલો તો ખરા ! તમારા પિતા મુનિને મળો તો ખરા, પછી બધી વાત ! નંદીશ્વર દ્વીપમાં પિતા મુનિની દેશનાથી મણિપ્રભની વાસના શાંત થઇ. મુનિના મુખે મેં તારું સ્વરૂપ પણ જાણી લીધું કે તને મિથિલાના રાજા પઘરથા લઇ ગયા છે ને ત્યાં પોતાની રાણીએ આ પુત્રને જન્મ આપ્યો છે, એવી
પરકાય - પ્રવેશ • ૨૩૯