________________
૩૬
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભગવાનશ્રી કુંદકુંદ- કહાનજૈનશાસ્ત્રમાળા
કોઈ એમ કહે કે બાહ્ય સંયોગો સ્વરૂપ સાધવામાં નડે છે. તો તે પણ મિથ્યાદષ્ટિ છે. સ્વરૂપનું સાધન પોતાને કરવું નથી તેથી બિહરદષ્ટિ વડે બહારના દોષ કાઢે છે. પરંતુ કોઈ બાહ્ય સંયોગો સ્વરૂપ સાધવામાં રોકતા નથી. ભરત ચક્રવર્તી વગેરેને તો ઘણો બાહ્ય સંયોગ હતો છતાં તેઓને સ્વભાવસાધન નિત્ય વર્તતું હતું. અત્યારે તો તેટલો સંયોગ કોઈને છે નહિ. જેની રુચિ-વૃત્તિ બહારમાં જ ધોળાયા કરે છે તે જ જીવ સ્વરૂપ કઠણ માને છે, પણ જો આત્માની રુચિ કરીને પોતે સ્વરૂપ સમજવા માગે તો સ્વરૂપ અવશ્ય સમજાય તેવું છે. સમજવું તે તો આત્માનો સ્વભાવ છે; જડને કંઈ જ ન સમજાય; પરંતુ ચૈતન્યને તો બધું જ સમજાય, એવો તેનો સ્વભાવ છે. પોતાનું સ્વરૂપ સમજવું તે પોતાનો સ્વભાવ જ છે અને તેથી તે જરૂર થઈ શકે છે.
વળી, કોઈ બહિરદષ્ટિ એમ કહે છે કે, પ્રતિકૂળ સંયોગો સ્વરૂપ સમજવામાં નડે છે. તેની વાત પણ જુઠ્ઠી છે. કોઈ સંયોગો આત્માને પ્રતિકૂળ છે જ નહિ. અરે ભાઈ! સ્વરૂપની ઊંધી સમજણ કરીને ઊંધા ભાવ કરી રહ્યો છો તે ભાવમાં તને પ્રતિકૂળ સંયોગો નથી નડતા અને સ્વરૂપની સમજણના સવળા ભાવ કરવામાં તને પ્રતિકૂળ સંયોગો નડે છે? વાહ! પોતાને જે કરવું નથી તેમાં સંયોગોનો વાંક કાઢે છે; અને પોતાને જે રુચે છે તે કરે છે, તેમાં તો સંયોગોની પ્રતિકૂળતાને સંભારતો નથી. આત્માની રુચિ કરવામાં સંયોગ નડે અને સંસારની રુચે કરવામાં સયોગ ન નડે-એ વાત ક્યાંની? સાતમી નરકમાં અનંત પ્રતિકૂળતાના ગંજ બાહ્યમાં હોવા છતાં ત્યાંના જીવ પણ સ્વરૂપની રુચિ કરીને ધર્મ પામી શકે છે. અહીં તો તેના અનંતમા ભાગે પ્રતિકૂળતા પણ નથી. પરંતુ પોતાને આત્માની દરકાર નથી તેથી સંયોગનો દોષ કાઢે છે. જો પોતે સમજવા માગે તો ગમે ત્યારે સમજી શકાય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com