________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વ્યવહારનયના પક્ષનું સૂક્ષ્મ સ્વરૂપ
સંપૂર્ણ વીતરાગતા અને કેવળજ્ઞાન થઈ જશે. કેવળજ્ઞાન થયા પછી સંપૂર્ણ નય-પક્ષનો જ્ઞાતા છે ત્યાં કાંઈ મુખ્ય-ગૌણપણું રહેતું નથી. વિકલ્પ નથી.
આ તો નવ તત્ત્વની શ્રદ્ધા ને અગિયાર અંગનું જ્ઞાન હોવા છતાં જીવને સમ્યગ્દર્શન કેમ અટકે છે તે બતાવે છે. ત્રિકાળી અને વર્તમાન એ બંનેને જ્ઞાનના ક્ષયોપશમથી જાણ્યાં ખરાં, પરંતુ વર્તમાનની પકડવાળો ત્રિકાળી સ્વભાવમાં ઢળી શકતો નથી અને ત્રિકાળી સ્વભાવ તરફના વજનવાળો પહેલાં બંનેનો ખ્યાલ કરીને સ્વભાવમાં ઢળે છે. સ્વભાવની જેણે દઢતા કરી તેણે વ્યવહારને મોળો પાડી દીધો. હજી વ્યવહારનો સર્વથા અભાવ થયો નથી, પણ જેમ જેમ સ્વભાવમાં ઢળતો જાય તેમ તેમ વ્યવહારનો અભાવ થતો જાય છે.
માત્ર જ્ઞાનના ખ્યાલમાં વસ્તુને લેવાથી સમ્યગ્દર્શન થતું નથી, પરંતુ જ્ઞાન સાથે વીર્યના તે તરફના વજનનું કામ છે. જ્ઞાન અને વીર્ય બંનેના વજનને સ્વભાવમાં વાળવાની વાત છે; શુભરાગથી મારો સ્વભાવ જુદો છે. એવું જે જ્ઞાન છે તે તરફ વીર્યને ઢાળ્યું એટલે તરત જ સમ્યગ્દર્શન થયું. જો સ્વભાવની રુચિ કરે તો વીર્ય સ્વભાવ તરફ ઢળે, પણ જેને રાગનું પોષણ અને રુચિકરપણું છે. તેને વ્યવહારનું વલણ ખસતું નથી. જ્યાં સુધી માન્યતામાં અને રુચિના વીર્યમાં નિરપેક્ષ સ્વભાવ ન રુચે ત્યાં સુધી એકાંત મિથ્યાત્વ છે.
જીવ અશુભભાવ ટાળીને શુભ ભાવ તો કરે છે પરંતુ શુભ ભાવમાં તે ધર્મ માને છે તે સ્થળ મિથ્યાત્વ છે. અશુભ ટાળીને જીવ શુભભાવ કરે અને શુભરાગથી ધર્મ નથી એમ પણ શાસ્ત્ર વગેરેના જ્ઞાનથી ખ્યાલમાં લે છે છતાં, એકલા ચૈતન્ય સ્વભાવ તરફના વીર્યના અભાવે તેને મિથ્યાત્વ રહી જાય છે. એકલો ચૈતન્ય સ્વભાવ છે તે તરફના જોરે વર્તમાન તરફથી ખસવું જોઈએ. આ જ દર્શન વિશુદ્ધિ છે. જ્ઞાનમાં ઉઘાડ ઉપર, કષાયની મંદતા ઉપર કે ત્યાગ ઉપર જોર નથી પરંતુ દર્શન વિશુદ્ધિ ઉપર જ આખું જોર છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com