Book Title: Swadhyay 1998 Vol 35 Ank 01 02
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsur Gyanmandir
ગુજરાતમાં જૈનધર્મનો પ્રસાર : એક વિહંગાવલોકન
૭૧
હસ્તપ્રતો અને તાડપત્રોનો સંગ્રહ જોવા મળે છે. આ ગ્રંથોમાં વિપુલ ઐતિહાસિક તથા સાંસ્કૃતિક માહિતી સંગ્રહાયેલી છે. આ કાળ દરમ્યાન જૂની ગુજરાતી ભાષાનું વિપુલ રાસાદિ સાહિત્ય, મુખ્યત્વે જૈનાચાર્યોએ રચેલું * મળે છે.
આ કાળ દરમ્યાન જૈનોની જીવદયાવૃત્તિ અને ઉદારતાનાં પણ કેટલાંક ઉદાહરણો નોંધાયા છે. મહમૂદ બેગડાના શાસનકાળ દરમ્યાન ઈ.સ. ૧૪૮૩માં ભારે દુકાળ પડેલો ત્યારે જૈન શેઠ ખમા દેદરાણી (હડાલિયા) એ ગુજરાતને પુષ્કળ અનાજ પૂરું પાડી “એક વાણિયો શાહ અને બીજો પાદશાહ” એ કહેવતને જન્મ આપ્યો હતો. એ જ રીતે ઈ.સ. ૧૫૨૬માં ફરી દુષ્કાળ પડ્યો ત્યારે જૈન ઓસવાળ મંત્રી નગરાજે સદાવ્રત ચાલુ રાખીને ત્રણ કરોડ ફિરોજી સિક્કાનું ખર્ચ કર્યું હતું. | મુઘલકાલ (ઈ.સ. ૧૫૭૩ થી ૧૭૫૭) દરમ્યાન ગુજરાતમાં જૈનધર્મ, સમાજ અને આચાર વિશેની સંક્ષિપ્ત માહિતી “મિરાતે અહમદી'માં આપેલી છે. અકબર બાદશાહે અષાઢ મહિનાની અમુક તિથિઓએ અમારિનું તથા ખંભાતના સમુદમાં મીનરક્ષણનું ફરમાન કાઢયું હતું. ગુજરાતના જૈન આચાર્યો સાથેનો અકબરનો પરિચય એના જીવનના અંતકાળ સુધી ચાલુ રહ્યો હતો. અકબરે ઈ.સ. ૧૫૯૫માં સૌરાષ્ટ્રમાં ઊના પાસે શાહબાગમાં હીરવિજયસૂરિની નિર્વાણભૂમિ ઉપર પાદુકામંદિર માટે અને જહાંગીરે ઈ.સ. ૧૬૧૬માં વિજયસેનસૂરિનાં સમાધિમંદિર અને આસપાસના બગીચા માટે ૧૦ વીઘાં જમીન ખંભાતનાં પરા અકબરપુરામાં ભેટ આપી હતી. આ બંને ઘટના નોંધપાત્ર છે.
અકબરે જૈન આચાર્યોને બક્ષેલા ઈ.સ. ૧૬૦૧નું અને ઈ.સ. ૧૬૦૪નું, એમ બે ફરમાનો વિશેષતઃ નોંધનીય છે. આ કાળ દરમ્યાન અનેકાનેક જૈન કવિઓ, લેખકો અને સાહિત્યકારો થઈ ગયા. વળી અનેક જૈન મંદિરો નવા બંધાયા તો કેટલાકનો જીર્ણોદ્ધાર થયો. જેમાં કચ્છમાં ભદ્રેશ્વર, પાટપ નજીક શંખેશ્વર, ખેરાળુ નજીક તારંગાનું અજિતનાથ મંદિર, આબુ ઉપરનાં મંદિરો, કુંભારિયા, કાવી, અમદાવાદ વગેરે.
મરાઠાકાલ (ઈ.સ. ૧૭૫૮ થી ૧૮૧૮) દરમ્યાન ગુજરાતમાં જૈનોની મંદિરનિર્માણ અને સંઘયાત્રાની પ્રવૃત્તિ ચાલુ રહી હતી. આ કાલખંડના છેવટના ૧૮ વર્ષોમાં શત્રુંજય ઉપર કેટલાંક જૈન મંદિરો બંધાયાં હતાં. અમદાવાદના નગરશેઠ વખતચંદે ઈ.સ. ૧૮૦૮માં શત્રુંજયનો સંઘ કાઢયો હતો અને ડુંગર ઉપર કેટલીક મૂર્તિઓની પ્રતિષ્ઠા કરાવી હતી. ગાયકવાડ સરકાર સાથે એમનો સંબંધ સારો હોઈ આવી સંઘયાત્રાઓ તેઓ સલામતીપૂર્વક યોજી શકતા હતા. આ કાલમાં પણ જૈન સાધુઓ અને શ્રાવકો દ્વારા સાહિત્ય પ્રવાહ અવિચ્છિન્નધારાએ ચાલુ રહ્યો.
બ્રિટિશકાળ (ઈ.સ. ૧૮૧૮ થી ૧૯૪૭) તથા અર્વાચીન સમયગાળા દરમ્યાન પણ જૈન વિરકત સાધુઓ તેમ જ કોઈ કોઈ ગૃહસ્થોનો ધાર્મિક રચના રચવાનો પ્રવાહ વેગપૂર્વક ચાલુ રહ્યો છે. આ કાળના સાહિત્યની વિશેષતા એ છે કે એ હવે પોથીઓમાં હસ્તલિખિત સ્વરૂપમાં ન લખાતાં સીધે સીધાં મુદ્રિત સ્વરૂપમાં પ્રગટ થાય છે. આમાં શ્રીમદ્ રાજચંદ્રના અધ્યાત્મવિદ્યાને લગતા પુસ્તકો વિરળ પ્રદાન છે. પ્રાચીન ગ્રંથોના સંપાદન અને પ્રકાશનને પણ ભારે વેગ મળ્યો. બીજી બાજુ જ્ઞાનચર્ચા સમારોહો, પરિસંવાદો તેમ જ વ્યાખ્યાનો દ્વારા જૈનદર્શન, ધર્મ, કલા, સાહિત્ય તેમ જ જૈન સંસ્કાર વારસાને પ્રજા સમક્ષ વાસ્તવિક સ્વરૂપમાં મૂકવાનો સ્તુત્ય પ્રયત્ન થઈ રહ્યો છે, જે અભિનંદનીય છે. - વીસમી સદીમાં જુદાં જુદાં શહેરોમાં જૈન અધ્યયન કેન્દ્રોની સ્થાપના થતાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે જૈનધર્મના અભ્યાસો ઘડાયા અને અધ્યાપન, અધ્યયન અને સંશોધન થવા લાગ્યા. પરદેશોમાં પણ જિન ભવનોનું નિર્માણ થયું. ત્યાં પણ જૈનધર્મ અને સંસ્કારની સુવાસ ફેલાવા લાગી.
For Private and Personal Use Only