________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉદાહરણો માલવિકાગ્નિમિત્ર અને રત્નાવલીમાંથી મળી રહે છે.
(૪)
કથાગૂંથણીની નાટ્યશાસ્ત્રોક્ત આ રીતિમાં પણ સંસ્કૃત નાટ્યકૃતિઓને રસલક્ષી બનાવવાની જ ગોઠવણ કરી આપવામાં આવી છે - એમ આપણે જોયું. પરંતુ આ વિચારણામાં જ હજુ સુધી અજ્ઞાત/અનુલ્લિખિત રહેલી એક સૂક્ષ્મ વિગત પણ ધ્યાન ઉપર લેવા જેવી છે : નાટ્યશાસ્ત્ર સંસ્કૃત નાટ્યમાં ‘નિયતામિ’ નામની જે અવસ્થા મૂકવાનું સૂચન કર્યું છે તેનો મતલબ એવો છે કે નાટ્યકૃતિઓમાં કેવળ નાના અંતરાયો - હળવા પ્રકારની રુકાવટજ મૂકવાના છે. અર્થાત્ એમાં કોઈ તીવ્ર સંઘર્ષો મૂકવાના નથી. પશ્ચિમનાં નાટકોમાં જે તીવ્ર સંઘર્ષો દ્વારા ઇષ્ટ હાનિ (=નાયક કે નાયિકાનાં મરણ) સુધીની ઘટના મૂકીના ત્રાસદીની રચના કરવામાં આવે છે, તેને સંસ્કૃત નાટ્યસાહિત્યમાં સ્થાન નથી. બલ્કે, સંસ્કૃત રૂપકોને તો સુખાન્ત (જ) બનાવવા એવું પણ નાટ્યશાસ્ત્રનું કહેવું છે. આને કારણે સંસ્કૃત નાટ્યસાહિત્યની કેટલીક પ્રસિદ્ધ કૃતિઓને તપાસીએ તો તરત જ એ માલૂમ પડે છે કે અહીં જે અંતરાયો રજૂ કરવામાં આવે છે તે મોટે ભાગે જયેષ્ઠા નાયિકા (પહેલીવારની પરણેલી રાણી) તરફથી ઊભા થતાં હોય છે. ક્યારેક માલવિકાને કેદખાને પૂરવામાં આવે તો પણ વિદૂષક કૌઈક બનાવટ કરીને રાણીની મુદ્રા કઢાવીને, તેને કેદમાંથી મુક્ત કરાવી લાવે છે. ઉર્વશી કુમારવનમાં વેલી બની ગઈ હોય તોય રાજા પુરૂરવાને, રસ્તામાં જ સંગમનીય-મણિ મળી જતાં, ફરીથી ઉર્વશીની પ્રાપ્તિ થઈ જાય છે. અહીં જોઈ શકાય છે કે ઉર્વશીનું વેલીમાં ફેરવાઈ જવું- તે કવિકલ્પિત એક નાનો અંતરાય જ હતો, કે જેથી ચોથા અંકમાં વિપ્રલંભ શૃંગારને ઉદ્દીપિત થવાનો અવકાશ મળી રહે છે. આવા અંતરાયોથી ઉર્વશીનો કાયમી વિનાશ કરીને અને પ્રેમનું અકાળે કરુણ અવસાન લાવવાનો ક્યારેય આશય હોતો જ નથી.
બીજું, સંસ્કૃત નાટ્યકૃતિઓમાં જોવા મળતા આવા અંતરાયો (=નિયતાપ્તિના પ્રસંગો) દ્વારા કવિઓ રસાન્તરને સિદ્ધ કરવાની સાથો સાથ કથાવસ્તુમાં રહેલા (કે આવેલાં) વિસંવાદી તત્ત્વોને દૂર કરે છે અથવા ઓગાળી કાઢે છે; અને અંતે સંવાદની ભૂમિકા ઊભી કરીને કૃતિને સુખાન્ત તરફ જ લઈ જાય છે. દા.ત. વિક્રમોર્વશીય નાટકમાં એકાદ નહીં, પણ ત્રણ ત્રણ અંતરાયો કવિ દ્વારા વિચારાયા છે. જેમકે, રાજા પુરૂરવા અપ્સરા ઉર્વશી તરફ પ્રેમાકર્ષણ અનુભવે તે પછી સૌથી પહેલાં કાશીરાજપુત્રી ઔશીનરી તરફથી ઊભા થતા અન્તરાયો, એ પછી ઉર્વશીની પોતાની સ્રીસહજ ઈર્ષ્યાવૃત્તિ (કે જેને કારણે તે વેલી બની ગઈ) અને છેલ્લે ઉર્વશી અપ્સરા હોવાને કારણે તે ઇન્દ્રને પરાધીન છે- આનાથી કૃતિનો કેન્દ્રવર્તી શૃંગા૨૨સ વારેવારે આશંકામાં મૂકાય છે અને વિવિધ ઉપાયોથી તેનો માર્ગ મોકળો થતો રહે છે. છેલ્લે એ સર્વ અંતરાયો શમી જતાં નાયક-નાયિકા બન્નેનું પુત્રની સાથે મિલન થતાં કૃતિ સર્વથા સુખાન્તમાં પરિણમે છે.
આમ કથાગૂંથણીમાં વિચારવામાં આવેલી ‘નિયતામિ’ (=સંયત થયેલી ઇષ્ટની પ્રાપ્તિ)ની સંકલ્પના સાવ નજીવી હોવા છતાંય રસપરિપોષકની મહત્ત્વની ભૂમિકા પણ ભજવે છે અને સંસ્કૃત નાટ્યકૃતિને સુખાન્ત તરફ (જ) લઈ જવાની યુક્તિ પણ બની રહે છે !
ઉપસંહાર :
પૌરસ્ત્ય નાટ્યવિભાવનાનો વિચાર કરતાં જે કેટલાક મુદ્દાઓ ઉપસી આવે છે તેમાં- ૧. આ નાટ્યકૃતિઓનું રસલક્ષી હોવું, ૨. ઇષ્ટની હાનિ કરનારા હોય તેવા તીવ્ર સંઘર્ષોનો અભાવ, ૨. એના બદલે હળવા અંતરાયો અને તેના થકી રસાન્તરની સિદ્ધિ કરવી તથા ૪. એ જ અંતરાયો વડે વિસંવાદી તત્ત્વોને પરિવર્તિત કરીને કૃતિને સુખાન્તમાં પરિણત કરવી- એને જ સંસ્કૃત નાટ્યકવિઓએ પરમ ધ્યેય બનાવ્યું છે.
104
સામીપ્ય : પુ. ૨૫, અંક ૩-૪, ઓક્ટો. ૨૦૦૮
For Private and Personal Use Only
-
માર્ચ, ૨૦૦૯