________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પટ પોંધા થી માયિ, પોંધો ગઢ પાતાર,
ફિટ ફિટ તોકે પુંઅરા, જનમારે ફિટકાર. લોકવાયકા મુજબ સતીના શ્રાપથી પુંઅરાનું પતન થયું. તેના મહાલયો વડી મેડી તથા નાની મેડી અને કિલ્લો ધરાશાયી થયાં. અગાઉ નોંધ્યું તેમ પુંઅરાનો સમય જાણવા કોઈ પુરાતાત્ત્વિક કે ઐતિહાસિક પુરાવા પ્રાપ્ત થતા નથી, પરંતુ તે રા'લાખાનો ભત્રીજો થતો હોઈ અને રા'લાખો મૂળરાજનો સમકાલીન હોઈ પુંઅરાના સમય માટે અનુમાન બાંધી શકાય. રા'લાખાના જન્મ તથા મૃત્યુ વિશે આધારભૂત માહિતી પ્રાપ્ત થતી નથી, પરંતુ શંભુદાન ગઢવીના મત મુજબ રા'લાખાનો જન્મ ઈ.સ. ૯૧૧માં અને મૃત્યુ ઈ.સ. ૧૦૩૫ માં થયું હતું. એટલે કે રા'લાખાનું આયુષ્ય ૧૨૪ વર્ષનું હતું. અન્ય મત મુજબ રા'લાખાનું મૃત્યુ ઈ.સ. ૯૭૯ માં મૂળરાજ સાથેની લડાઈમાં થયું હતું. આ પ્રમાણે, જો રા'લાખાનો જન્મ ઈ.સ. ૯૧૧ અને મૃત્યુ ઈ.સ. ૯૭૯ ગણવામાં આવે તો રા'લાખાનું આયુષ્ય ૬૮ વર્ષનું ગણાય. પુંઅરો રાલાખાનો ભત્રીજો હતો તેથી અનુમાન થઈ શકે કે પુંઅરાનો સમય સંભવત: ઈ.સ. ૯૫૦ આસપાસનો હોઈ શકે. પુંઅરાનું શાસન છ વર્ષ જેટલા ટૂંકા ગાળાનું હોવાનું એક અનુમાન છે. આટલા ટૂંકા સમયમાં ભવ્ય શિવાલય તથા અન્ય ઇમારતો બાંધવાનું શક્ય નથી.
હવે સ્થાપત્યકીય દૃષ્ટિએ પુંઅરેશ્વર શિવ મંદિરને તપાસીએ. શિવાલયની જગતીની ઉંચાઈ મgવારણ સહિત ૨.૮ મીટરની છે. જગતી લંબચોરસ છે. લંબચોરસ જગતીની લંબાઈ ૧૬.૫ મીટર અને પહોળાઈ ૬.૬ મીટર છે. (આકૃતિ-૧) જગતીમાં નિશ્ચિત અંતરે ટેકા માટે વિશેષ નિકાળા કરેલ છે. જગતીનાં પાંચ અંગ છે જેમાં કર્ણક, અંતરપટ કપોતિકા છે અને સૌથી ઉપર પટટીકા છે. કપોતિકામાં અર્ધચંદ્રનું અલંકરણ કરેલ છે. ગૂઢમંડપમાં બંને બાજુ ચંદ્રાવલોકન કરેલ છે. પ્રદક્ષિણાપથમાં એક બારી મૂકવામાં આવી છે. ગર્ભગૃહ સમચોરસ અને સાદું છે. ગૂઢમંડપના સ્તંભ રુચકા પ્રકારના છે. ઉપર સ્તંભશીર્ષમાં ભારપુત્રક તથા કીચકનાં ભારે શિલ્પો કંડારેલાં છે. (તસવીર ૧, ૨,૩,૪) રુચકા સ્તંભ મૈત્રક સ્થાપત્યની યાદ આપે છે. મંડપની મધ્યમાં સમતલ પ્રકારનો વિતાન છે.
મંડપની દીવાલો સાદી છે. ક્યાંય રૂપકામ કે શિલ્પ નથી. કેરા કે કોટાઇના શિલ્પસભર મંડોવરનો અહીં અભાવ છે. ગૂઢમંડપની આગળ એક સમયે મુખમંડપ હશે. હાલમાં તેના પાયાના પથ્થરો દેખાય છે. તેની આગળ નદીમંડપ હશે. હવે તો તેની પીઠના અવશેષ માત્ર છે.
મંદિરનું શિખર પંચાંડક છે. ચાર ખૂણે ચાર અને મધ્યમાં પિરામિડ આકારનું આ શિખર વિશિષ્ટ છે. કર્ણ પરની શિખરિકાની જાલક ભાત સૌરાષ્ટ્રમાં આવેલા રાણકદેવીના મંદિરના શિખર સાથે સામ્ય ધરાવે છે. સૌરાષ્ટ્રના મૈત્રક અને સેંધવ સમયનાં મંદિરોના સંદર્ભનો અભ્યાસ કરીને એમ. એ. ઢાકી આ શિવ મંદિરને નવમી સદીના અંતમાં મૂકે છે.
એમ. એ. ઢાકીએ ગુજરાત તથા રાજસ્થાનનાં મંદિરોનો તુલનાત્મક તેમજ શાસ્ત્રીય રીતે અભ્યાસ કરીને તેનો સંભવિત સમય નક્કી કર્યો છે. તે મુજબ શિવ મંદિર, કેરાનો સમય ઈ.સ. ૯૫૦ અને પુંઅરેશ્વર અથવા રાણી રાજેના શિવ મંદિરનો સમય ઈ.સ. ૯૦૦નો નિર્ધારિત કરેલ છે. 10
પુંઅરો, રા'લાખાના નાના ભાઈ ઘાઓનો પુત્ર અને રા'લાખાનો ભત્રીજો થતો હતો. તેથી પુંઅરો સ્વાભાવિક રીતે રા'લાખાથી પચ્ચીસથી પચાસ વર્ષ નાનો હોઈ શકે. જો આમ હોય તો મંદિરના સમય સાથે પુંઅરાના સમયનો મેળ બેસતો નથી. આથી સ્પષ્ટ થાય છે કે લોકમુખે કહેવાતું પુંઅરેશ્વર મંદિર પુંઅરાએ બંધાવેલ નથી. તો પછી આવું ભવ્ય શિવાલય કોણે બંધાવ્યું ? રા લાખા અને પુંઅરા પહેલાં જરૂર કોઈ પ્રતાપી રાજવી આ વિસ્તારમાં થઈ ગયો હશે. જેનું પગેરું પુરાતત્ત્વવિદો, ઇતિહાસકારો તથા સંશોધકોએ શોધવું રહ્યું. 122
સામીપ્ય : પુ. ૨૫, અંક ૩-૪, ઓક્ટો. ૨૦૦૮ – માર્ચ, ૨૦૦૯
For Private and Personal Use Only