________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ભાવભીનું સ્વાગત કર્યું હતું. તેઓશ્રીએ સંસ્થાનો સંક્ષિપ્ત પરિચય આપી આ પરિસંવાદનો મુખ્ય ઉદ્દેશ વિવિધક્ષેત્રોના વિદ્વાન વક્તાઓને આમંત્રણ આપી, ભાષા-સાહિત્ય, ઇતિહાસ વગેરે વિષય પરના વક્તવ્યો અને પરિચર્ચા દ્વારા નવા વિચારો અને વિષયો જનસમાજ અને ખાસ કરીને સંશોધકો અને વિદ્યાર્થીઓને ઉપયોગી થતાં હોવાનું જણાવ્યું. તે પછી ડૉ. રામજીભાઈ સાવલિયાના ભો. જે. વિદ્યાભવન દ્વારા પ્રકાશિત ‘ઇન્ડોલોજી' વિષયક ગ્રંથ ‘Steps of Indology' નું ડૉ. મકરન્દ મહેતાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
અતિથિ વિશેષ ડૉ. મકરન્દ મહેતાએ પોતાના ઉદ્ઘાટન ઉદ્બોધનમાં ૧૯મી સદીના સાહિત્યના સંદર્ભમાં સાંસ્થાનિકકાલ દરમિયાન રચાયેલા સાહિત્યે પશ્ચિમના સાંસ્કૃતિક પ્રભાવનો મુકાબલો કરવા તેનાં નવીન અર્થધટનો કર્યા હોવાનું જણાવી, પશ્ચિમના અનુભવોને આધારે વિકસેલાં સામાજિક પરિવર્તનોના વિકલ્પરૂપે અસંમતિ, પ્રતિકાર અને સુધારા જેવી સંજ્ઞાઓનો ઉપયોગ કરીને ભારત અને ગુજરાતના સાહિત્યને સમજવાનો પ્રયાસ કર્યો હોવાનું જણાવ્યું.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ડૉ. ભોળાભાઈ પટેલે ૧૯મી સદીના ગુજરાતી સાહિત્યનો ઐતિહાસિક વિકાસક્રમ આલેખતાં તે સમયની ગુજરાતી ભાષાની આરંભિક ગદ્ય કૃતિઓ અને અન્ય વિચારગ્રંથો અને ગ્રંથકારોના પ્રદાનની વાત કરી હતી.
ઉદ્ઘાટન પછીની પ્રથમ બેઠકના વક્તા અને અધ્યક્ષ ડૉ. રવિકાન્ત રાવલે ૧૯મી સદી દરમિયાન ગુજરાતમાં થયેલ સામાજિક સુધારાની પ્રક્રિયાને નવી જ દષ્ટિએ નવા અભિગમથી મૂલવવાનું સૂચન કર્યું હતું. ડૉ. રઘુવીર ચૌધરીએ ૧૯મી સદીના ‘સાસુવહુની લઢાઈ' જેવી નવલકથાઓમાં ગુજરાતની સામાજિક છબી અંગેના વક્તવ્યમાં તે સમયના સમાજના કુરિવાજો અને પરંપરાઓના તાણાંવાણાંનો ખ્યાલ આપ્યો હતો અને સામાજિક છબીને સમજવા માટે લગ્ન સંસ્થાને પાયાના પરિબળ તરીકે ગણાવી હતી. ડૉ. ચંદ્રકાન્ત ટોપીવાળાએ ‘બાપાની પીંપળ’ કાવ્યનો સંદર્ભ આપી દલપતરામની જીવનયાત્રાનું રસપ્રદ વર્ણન કર્યું હતું.
બીજી બેઠકનું અધ્યક્ષ સ્થાન પ્રસિદ્ધ ચિંતક અને પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈએ સંભાળ્યું હતું. આ બેઠકમાં ડૉ. થોમસ પ૨મા૨ે ૧૯મી સદીના ગુજરાતની નવજાગૃતિમાં ઈ.સ. ૧૮૪૮માં સ્થપાયેલી ગુજરાત વર્નાક્યુલર સોસાયટી (હાલની ગુજરાત વિદ્યાસભા)ના વિવિધક્ષેત્રે પ્રદાન અંગેની વિગતો વિસ્તારથી જણાવી હતી. ડૉ. કુમારપાળ દેસાઈએ ૧૯મી સદીના પત્રકારત્વના સંદર્ભમાં ગુજરાતી, વર્તમાન, બુદ્ધિપ્રકાશ, શારદા પ્રસ્થાન વગેરે જેવાં સામયિકો અને પત્રકારત્વક્ષેત્રે થયેલા ફેરફારો અને વિકાસની છણાવટ કરી હતી.
ડૉ. ભોળાભાઈ પટેલે સમાપન વક્તવ્યમાં ઓગણીસમી સદી વિષે થઈ રહેલાં દેશની વિવિધ ભાષાઓમાં અધ્યયનો વિષે વાત કરી હતી.
અંતમાં સમારંભની પૂર્ણાહુતિ પ્રસંગે ડૉ. રામજીભાઈ સાવલિયાએ ઉપસ્થિત સહુ મહેમાનો વિદ્વાનો, અધ્યાપક મિત્રો અને વિદ્યાર્થીઓ તેમજ મુખ્ય વક્તાઓનો હાર્દિક આભાર માન્યો હતો. આ પરિસંવાદનું આયોજન પૂર્ણ સંચાલન પ્રિ. સુભાષ બ્રહ્મભટ્ટે કર્યું હતું. - સંપાદક
સામીપ્ય : પુ. ૨૫, અંક ૩-૪, ઓક્ટો. ૨૦૦૮ -
માર્ચ, ૨૦૦૯
For Private and Personal Use Only
159