________________
સંગ્રહ નહીં, સદુપયોગ તાકાતવાન !
પોતાના જ પૈસા વેપારી પોતાની પાસે રાખી મૂકવા કરતા બૅન્કમાં મૂકવાનું વધુ પસંદ કરે છે. પોતાની પાસે રહેલ બિયારણ પોતાની જ પાસે રાખી મૂકવાને બદલે કાળી માટીમાં વાવવાનું ખેડૂત વધુ પસંદ કરે છે. કારણ ? એક જ. મૂડીના સંગ્રહ કરતાં મૂડીનું રોકાણ વધુ ફાયદાકારક હોય છે એનો એ બંનેને બરાબર ખ્યાલ હોય છે. જવાબ આપો. શક્તિ-સામગ્રી અને સંપતિની બાબતમાં આપણી આ શ્રદ્ધા ખરી ? એ તમામનો સંગ્રહ જેટલો તાકાતપ્રદ છે એના કરતાં અનેકગણો તાકાતપ્રદ તો એનો સદુપયોગ છે. એ તમામનો ભોગ જેટલો આનંદપ્રદ છે એના કરતાં અનેકગણો આનંદપ્રદ તો એ તમામનો સન્માર્ગે થતો ત્યાગ છે. એ તમામની આસક્તિ મનને જેટલી બહેલાવી શકે છે એના કરતાં મનની અનેકગણી પ્રસન્નતા તો એનાથી થતી કોકની ભક્તિ આપી શકે છે. આ શ્રદ્ધા આપણને ખરી?