________________
હસ્તપ્રતોનું ઐતિહાસિક તથા સાંસ્કૃતિક મહત્ત્વ ૧૧૧ જૈન સાહિત્યમાં મુનિ જિનવિજ્યજી, પંડિત સુખલાલજી, મુનિ પુણ્યવિજ્યજી તથા મુનિ જંબુવિજ્યજી જેવા વિદ્વાનોએ અનેક ગ્રંથોની સમીક્ષિત આવૃત્તિઓ તૈયાર કરી છે. ઇતિહાસોપયોગી પ્રબન્ધ ગ્રંથોમાં મુનિ જિનવિજયજીએ પ્રબંધચિન્તામણિ, વિવિધતીર્થકલ્પ, પ્રબંધકોશ, પ્રભાવક ચરિત અને પુરાતન પ્રબન્ધ સંગ્રહ જેવા અનેક ગ્રંથ સંપાદિત કર્યા છે. પં. સુખલાલ સંઘવીએ ‘સન્મતિતર્ક પ્રકરણ” અને “તો પપ્લવસિંહ' જેવા તત્ત્વજ્ઞાનાત્મક ગ્રંથ સંપાદિત કરેલ છે. મુનિ શ્રી પુણ્યવિજયજીએ બૃહત્કલ્પસૂત્ર' અને અંગવિજા' જેવા આગમગ્રંથ તેમ જ ‘કીર્તિકૌમુદી’ અને ‘સુકૃતસંકીર્તન’ જેવાં પ્રશસ્તિકાવ્ય તથા બીજા અનેક ગ્રંથ સંપાદિત કર્યા છે. મુનિ શ્રી જંબુવિજયજી આગમગ્રન્થોના સમીક્ષિત સંપાદનમાં વષોંથી પ્રવૃત્ત છે. મુનિ જિનવિજયજી જેવા વિદ્વાનોએ તૈયાર કરેલ ગ્રન્થપ્રશસ્તિસંગ્રહ તેમ જ મુનિ પુણ્યવિજય જેવા વિદ્વાનોએ તૈયાર કરેલ અનેક ગ્રંથભંડારોમાંની હસ્તપ્રતોની સૂચિઓ હસ્તપ્રતોને અધ્યયન તથા સંશોધન માટે મહત્ત્વની સામગ્રી પૂરી પાડે છે.
આ સંદર્ભમાં જૈન આગમ ગ્રંથો તથા બૌદ્ધ ત્રિપિટક ગ્રંથોના મૂળ પાઠ અને તેઓની અસલ ભાષાની સમસ્યા પણ આપણું ધ્યાન ખેંચે છે. મહાવીર સ્વામી અને ગૌતમ બુદ્ધ સમકાલીન હતા ને એ બંનેનાં વિહારક્ષેત્ર પણ લગભગ એક જ હતાં. છતાં એ બે ધર્મપ્રવર્તકોનાં જે પ્રવચન તેઓના શિષ્યો તથા શ્રોતાઓ દ્વારા ગ્રંથરૂપે સંકલિત થયાં છે તે આગમોની અને ત્રિપિટકોની ભાષા હાલ આટલી ભિન્ન કેમ લાગે છે ? આ સમસ્યાના નિવારણ માટે આ બંને પ્રકારના ધર્મગ્રંથોના મૂળ પાઠ શોધી એને આધારે એનાં પ્રાચીનતમ ભાષાસ્વરૂપ શોધી કાઢવાની તાતી જરૂર રહેલી છે. આ માટે હસ્તપ્રતોના વિભિન્ન પાઠ તેમ જ તે સમયમાં પ્રયોજાયેલી પ્રાદેશિક ભાષાઓના પ્રચલિત સ્વરૂપનું સૂક્ષ્મ અધ્યયન તથા સંશોધન કરવું આવશ્યક બની રહે છે. તાજેતરમાં આ દિશામાં કેટલાક પુરુષાર્થ આરંભાયો છે એ આવકારપાત્ર છે. મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજની જન્મશતાબ્દી નિમિત્તે આ બાબતમાં કોઈ સંગીન યોજના ઘડાય ને એને સક્રિય રીતે કાર્યાન્વિત કરવાનાં ચક ગતિમાન થાય એવી આશા રાખીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org