________________
૧૩૬ હસ્તપ્રતવિદ્યા અને આગમ સાહિત્ય: સંશોધન અને સંપાદન
ગુજરાતના હસ્તપ્રત ભંડારોમાં પ્રાચીન સમયથી પાટણ વિદ્વાનો અને સંશોધકો માટે એક તીર્થસ્થાનરૂપ બન્યું છે. અહીં ભંડારોની સંખ્યા ૨૦ જેટલી હતી, પરંતુ આ ભંડારો કાયમ માટે જળવાઈ રહે એ હેતુથી ૧૯૩૯માં “શ્રી હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિર' બનાવાયું. જ્યાં આશરે ૨૦ હજાર જેટલી હસ્તપ્રતો સંગ્રહાયેલી છે.
આ સંગ્રહમાં તાડપત્ર પર ગુજરાતી ભાષામાં લખાયેલ શ્વેતાંબર જૈન સંપ્રદાયના ગ્રંથ 'નિશીથચૂણિ' ની ઈ.સ. ૧૨મી સદીની સચિત્ર હસ્તપ્રત છે. એમાં એક પત્ર ઉપર વર્તુળાકારમાં હાથી સવારનું દશ્ય તથા માલધારી સ્ત્રીઓના ચિત્રો છે જે અપ્સરાઓ જણાય છે. અહીં કલ્પસૂત્ર' ની સુવર્ણ અક્ષરોમાં લખાયેલ સચિત્ર પ્રત છે. જેના દરેક પત્ર પર અલગ અલગ ચિત્રો છે. એક પત્રમાં કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય કુમારપાળને ઉપદેશ આપી રહેલા નજરે પડે છે. એમાં લક્ષ્મીદેવીનું ચિત્ર પણ છે. પ્રથમ તીર્થકર આદીશ્વર ભગવાનનું સુંદર ચિત્રણ છે. આ પ્રતમાં જૈન સાધ્વીઓ અને શ્રાવિકાઓનાં ચિત્રો આલેખાયેલાં છે. આ પ્રત વિ.સ. ૧૫૦૪ (ઈ. સ. ૧૪૪૭-૪૮)માં લખાયેલી છે. આ જ સમયની બીજી કલ્પસૂત્રની હસ્તપ્રતમાં જૈન પરંપરામાં વત્તે ઓછે અંશે પૂજાતા બ્રહ્મશાંતિ યક્ષ અને લક્ષ્મીદેવીનાં આકર્ષક ચિત્રો છે. - “ઋષભદેવચરિત' ૧૩મી સદીની હસ્તપ્રતમાં ઋષભદેવ અને જૈન યક્ષિણી ચકેશ્વરીનાં ચિત્રો અનેરું આકર્ષણ ઊભું કરે છે. 'ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત'ની પ્રતના છેલ્લા ત્રણ પત્રો ઉપર હેમચંદ્રસૂરિ, રાજા કુમારપાળ અને શ્રાવિકા શ્રીદેવીનાં મનોરમ ચિત્રો આલેખાયાં છે. 'કથારત્નસાગર' ની હસ્તપ્રત ૧૩મી સદીની છે. જેમાં પાર્શ્વનાથ અને શ્રાવક-શ્રાવિકાઓનાં સુંદર ચિત્રો દોરેલાં છે.
કેન્વાસ પર ચીતરેલ "મહેન્દ્રસૂરિ સ્વાગત પટ્ટ’ માં પ્રથમ ત્રિશલા માતાને આવેલાં ચૌદ સ્વપ્નોનું આલેખન છે. ત્યારપછી ગામનું દશ્ય, રાજાનો દરબાર, બજાર, તોપખાનું, હાથીખાનું વગેરેનું આબેહૂબ ચિત્રાણ કરેલું છે.
અહીં જળવાયેલ એક હસ્તપ્રતમાંના ચાર ચિત્રોમાં હેમચંદ્રાચાર્યને વ્યાકરણનો ગ્રંથ લખવા માટે વિનંતી કરતો રાજા સિદ્ધરાજ, વ્યાકરણગ્રંથને અંબાડી પર મૂકીને ફરતી યાત્રા, પાર્શ્વનાથનું મંદિર અને વ્યાકરણ ગ્રંથની નકલ મેળવવા આનંદપ્રભ ઉપાધ્યાયને વિનંતી કરતાં કર્મણ મૈત્રી વગેરે પ્રસંગોનાં આબેહૂબ ચિત્રો દોરેલાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org