________________
૧૪૮ હસ્તપ્રતવિદ્યા અને આગમસાહિત્ય : સંશોધન અને સંપાદન
શું કામ છે તે કહી - જણાવી પિયર જાય તો પિયુડો નારીને વશ આવે.) કેટલીક પ્રતો ‘કાજ કહી’ ને સ્થાને ‘કાજ કરી' પાઠ આપે છે. (સઘળું કામકાજ કરીને-પતાવીને જો પિયર જાય......) આ પાઠ પણ એટલો જ સ્વીકાર્ય બને એમ છે.
૭. સ્થૂલિભદ્રના વિરહમાં ઝૂરતી કોશાનું ચિત્ર : ‘ભૂષણ મયલ ધરઈ અપરીઠાં, આખે કંકણ વલી દીઠાં’
અહીં બધી પ્રતો એકસરખો ‘આખે’ પાઠ આપે છે. એની દ્વિધા છે. પંક્તિનો પૂર્વાર્ધ સ્પષ્ટ છે (બદલાવ્યા વિનાનાં આભૂષણો મેલ ધારણ કરે છે). પણ પંક્તિના ઉત્તરાર્ધનો અર્થ શો કરવો ? જો ‘આખે' પાઠમાં અનુસ્વાર રહી ગયેલો માનીએ ને એ પાઠ ‘આંખે' કરીએ તો અર્થ બહુ સ્પષ્ટ છે કે (આંખે કુંડાળાં વળી ગયેલાં દીઠાં) અહીં અધિકરણાર્થે ‘આંખે’ રૂપ સ્વીકાર્ય બને. પણ મુશ્કેલી એ છે કે બધી જ પ્રતો ‘આખે’ પાઠ આપે છે ને એકપણ પ્રત સાનુસ્વરિત ‘આંખે’ આપતી નથી.
૮. કોશાના વિરહનું બીજું ચિત્ર :
ક પ્રત : ‘પહિર્યા પણિ ન ગમઈ સિંગારા, લાગઈ અંગિ જિસ્યા અંગારા’ (પહેર્યા છે પણ તે શૃંગાર ગમતા નથી. જાણે શરીરે તે અંગારા જેવા લાગે છે) કેટલીક પ્રતોનો પાઠ ‘લાગઈ આગિ તણા અંગારા’.
(તે શૃંગાર-આભૂષણો અગ્નિના અંગારા જેવા લાગે છે).
અર્થ તો અહીં પણ બેસે છે પણ ‘અગ્નિના અંગારા'માં પુનરાવર્તન આવે છે. એટલે મુખ્ય પ્રતનો પાઠ જ વધુ સ્વીકાર્ય લાગે છે.
૯. શરીરની નશ્વરતાની વાત કરતાં કવિ કહે છે :
ક પ્રત : ‘ તે યૌવન ગાલઈ જરા, ખાર કનક પરિ જોઈ’ (જેમ ક્ષાર સોનાને તેમ વૃદ્ધત્વ યૌવનને ગાળી નાખે છે.)
કેટલીક પ્રતો ‘તે યૌવન લાગઈ રા' પાઠ આપે છે. લહિયાને ‘ગાલઈ’ નો અર્થ નહીં સમજાયો હોય ? શરતચૂક થઈ હશે ? જે હોય તે, પણ ‘લાગઈ’ પાઠથી આખું ચિત્ર જ મરી જાય છે. ‘વૃદ્ધત્વ યૌવનને ગાળી નાખે છે' એમાં જ, ‘ગાલઈ’ પાઠથી જ ચિત્રનિર્માણ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org