________________
૧૫. જૈનધર્મનો અમૂલ્ય વારસો : સચિત્ર હસ્તપ્રતો
ડૉ. રા. ઠા. સાવલિયા
ગુજરાતનો કલા અને સંસ્કૃતિનો વારસો ભવ્ય છે. એની વિદ્યા-પ્રવૃત્તિના ઘડતરમાં પ્રાચીન હસ્તલિખિત સચિત્ર હસ્તપ્રતોનું પ્રદાન બહુમૂલ્ય છે. તાડપત્ર, કાપડ અને કાગળ પર લખાયેલા વિવિધ વિષયોને લગતા હસ્તલિખિત અને સચિત્ર ગ્રંથોને ગ્રંથ ભંડારોમાં જાળવવામાં આવે છે. સૌરાષ્ટ્રનું વલભી ઈ.સ. પમી સદીમાં વિદ્યાધામ તરીકે સમગ્ર ભારતમાં પ્રખ્યાત હતું. આચાર્ય દેવર્ધિગણિ ક્ષમાશ્રમણની દેખરેખ હેઠળ તમામ જૈન આગમ ગ્રંથો પુસ્તકરૂપે વલભીમાં લખવામાં આવ્યા. આ બાબત ભારતીય વિદ્યા-પ્રવૃત્તિના ઇતિહાસમાં નોંધપાત્ર છે. ચૌલુક્ય વંશના બે ગુર્જર રાજાઓ સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળના સમયમાં ગુજરાતની સાહિત્ય પ્રવૃત્તિનો મધ્યાહ્નકાળ શરૂ થયો. સિદ્ધરાજે અનેક ગ્રંથાલયો સ્થાપી ‘સિદ્ધહેમવ્યાકરણ’ની સેંકડો પ્રતો લખાવી. કુમારપાળે પણ એકવીસ જેટલા જ્ઞાન ભંડારો સ્થાપ્યા હતા. મંત્રી વસ્તુપાલે પાટણ, ભરૂચ અને ખંભાત એમ ત્રણ ગ્રંથ ભંડારો સ્થાપ્યાની વિગતો મળે છે. ઉપરોક્ત જ્ઞાન ભંડારોમાંની એક માત્ર તાડપત્ર પર લખાયેલ ઉદયપ્રભસૂરિએ રચેલી ‘ધર્માભ્યુદય’ કાવ્યની હસ્તપ્રત હાલ ઉપલબ્ધ છે.
આવા હસ્તલિખિત ગ્રંથ ભંડારો રાખવાની પ્રથા જૈન સમાજમાં વિશેષ જોવા મળે છે. આ ગ્રંથ ભંડારોમાં જૈનધર્મને લગતા ગ્રંથો ઉપરાંત કાવ્ય, કોશ, છંદ, અલંકાર, જ્યોતિષ, નાટક, શિલ્પ, દર્શનશાસ્ત્ર વગેરે વિષયક સમગ્ર સાહિત્યના ગ્રંથોનો સમાવેશ થતો.
ગુજરાતના હસ્તલિખિત ગ્રંથ ભંડારોમાં પાટણ, ખંભાત અને અમદાવાદના ભંડારો વધુ ખ્યાતિ પામેલા છે. ઉપરાંત વડોદરા, છાણી, પાલનપુર, ખેડા, પાદરા, ભરૂચ, સુરત, ભાવનગર, ઘોઘા, પાલિતાણા, લીંબડી, જામનગર, વઢવાણ કેમ્પ, માંગરોળ વગેરે સ્થળોએ અનેક નાના મોટા ગ્રંથ ભંડારો આવેલા છે.
Jain Education International
૧૩૫
For Private & Personal Use Only
www.jainelibrary.org