________________
૧૧૦ હસ્તપ્રતવિદ્યા અને આગમસાહિત્ય : સંશોધન અને સંપાદન
પણ પુણેની એ સંસ્થાએ તૈયાર કરી છે. એનાં ત્રણ પર્વ છે. તેમાંના હરિવંશપર્વની અગાઉ મુદ્રિત આવૃત્તિઓમાં ૫૫-૫૬ અધ્યાય હતા, જ્યારે સમીક્ષિત આવૃત્તિમાં ૪૫ અધ્યાય નીકળ્યા; વિષ્ણુપર્વમાં ૧૨૮-૧૩૮ને બદલે ૬૮ નીકળ્યા ને ભવિષ્યપર્વમાં તો ૧૩૫- ૧૩૬ અધ્યાયોને બદલે માત્ર પાંચ અધ્યાય સ્વીકૃત નીવડ્યા ! આમ સમીક્ષિત આવૃત્તિમાં ત્રણેય પર્વના એકંદરે ૩૧૮-૩૨૬ ને બદલે ૧૧૮ અધ્યાય છે. એમાંય મૂળ હરિવંશ વસ્તુત: અધ્યાય ૯૮ના અંતે સમાપ્ત થતો એવું એમાં સ્પષ્ટ વિધાન છે. છતાં સર્વ વર્તમાન હસ્તપ્રતોમાં એ પછીના ૨૦ અધ્યાય આપેલા હોઈ, ગ્રંથસંપાદનના શાસ્ત્રીય નિયમ અનુસાર સમીક્ષિત આવૃત્તિમાં એને સમાવવા પડ્યા છે.
મહાભારતની વિદ્યમાન આવૃત્તિ કરતાં રામાયણની વિદ્યમાન આવૃત્તિ ભાષાકીય દૃષ્ટિએ ઉત્તરકાલીન છે. આથી એમાં પ્રક્ષિપ્ત અંશોનું પ્રમાણ સરખામણીએ ઓછું છે. રામાયણની સંશોધન આવૃત્તિ વડોદરાના ઑરિએન્ટલ ઇન્સ્ટિટયૂટે ૧૯૬૧-૭૫માં તૈયાર કરી પ્રકાશિત કરી છે. એને માટે વપરાયેલી હસ્તપ્રતોમાં સહુથી જૂની પ્રત વિ.સં. ૧૦૭૬(ઈ.સ. ૧૦૨૦)ની છે. અર્થાત્ મહાભારત માટે પ્રયોજાયેલી સહુથી જૂની હસ્તપ્રત (ઈ.સ. ૧૫૧૧) કરતાં લગભગ પાંચ શતક જેટલી પૂર્વકાલીન છે.
વડોદરાની એ સંસ્થા તરફથી વિષ્ણુપુરાણની સમીક્ષિત આવૃત્તિ તૈયાર થઈ છે, પરંતુ હજી પ્રકાશિત થઈ નથી. અમદાવાદનું ભો. જે. વિદ્યાભવન ભાગવત પુરાણની સમીક્ષિત આવૃત્તિ તૈયાર કરી રહ્યું છે, તેનો ગ્રંથ ૧ (સ્કંધ ૧-૩) અને ગ્રંથ ૪, ખંડ ૧ (સ્કંધ ૧૦) પ્રકાશિત થયા છે, જ્યારે બાકીના ગ્રંથ સંપાદિત થઈ રહ્યા છે. ભાગવતપુરાણની એક દેવનાગરી પ્રત વિ. સં. ૧૧૮૧ (ઈ. સ. ૧૧૨૪-૨૫) જેટલી પ્રાચીન છે. મહાભારત અને રામાયણમાં ઉત્તરી અને દક્ષિણી વાચનાઓ મળી છે, જ્યારે ભાગવતમાં એવો વાચનાભેદ રહેલો નથી. એના દશમ સ્કંધના ત્રણ અધ્યાય (નં ૧૨ થી ૧૪) પ્રક્ષિપ્ત હોવાનું કેટલીક હસ્તપ્રતો તથા વિજયધ્વજની ટીકા પરથી સિદ્ધ થયું છે. શ્રીમદ્ વલ્લભાચાર્યે આ અધ્યાયો પર વૃત્તિ લખી છે, પરંતુ તેઓને વિગીત (પ્રક્ષિપ્ત) ગણ્યા છે. વારાણસીના કાશીરાજ ટ્રસ્ટ તથા વડોદરાના પ્રાચ્યવિદ્યામંદિર દ્વારા બીજાં કેટલાંક પુરાણોની સમીક્ષિત આવૃત્તિઓ તૈયાર કરાય છે, પદ્મપુરાણ અને સ્કન્દપુરાણ જેવાં જ્ઞાનકોશાત્મક પુરાણોના વિભિન્ન ખંડોના સમયાંકન માટે તેઓની હસ્તપ્રતો ઉપયોગી નીવડશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org