________________
ગુરુ-શિષ્ય
જ નહીં ?
૨૫
દાદાશ્રી : એ બે આની હેલ્પ કરે. એકાગ્રતાનું ફળ મળે અને તે ય ભૌતિક ફળ મળે. એનાં કરતાં અત્યારે ‘ચાર આની ઓછા’ વાળા હોય તે સારા.
પ્રશ્નકર્તા : જે ગુરુએ સમાધિ લીધી હોય, તે ગુરુ આપણને પછી મદદ કરે ?
દાદાશ્રી : જે ગુરુએ સમાધિ લીધી હોય, તે ગુરુનાં જીવતાં જ એમની જોડે આપણો સંબંધ થયેલો હોય, એમનો પ્રેમ જીતેલો હોય, એમની કૃપા મેળવેલી હોય, તો એ ગુરુ કાળ કરી જાય પછી એમની સમાધિ હોય તો ય કામ થાય ને ! એક ફેરો ઓળખાણ થવી જોઈએ. જેણે જોયા ના હોય તેને કામ ના થાય, પછી એની પાછળ સમાધિ પર માથાં ફોડો તો ય એમાં કશું વળે નહીં.
આ તો મહાવીરના ફોટા ય કશું કામ કરે નહીં ને કૃષ્ણ ભગવાનના ફોટા ય કશું કામ કરે નહીં. પ્રત્યક્ષ હોય તો જ કામ કરે. કેટલાંય અવતારથી કૃષ્ણ ભગવાનને ભજે છે, લોક મહાવીરને ભજે છે. લોકોએ કંઈ ઓછું કર્યું છે ?! ભજી ભજીને થાકી ગયાં. રોજ દેરાસર ગયા તો ય પણ જો ધર્મધ્યાન બંધાતું નથી ! પાછું આમાં ય મુદત હોય છે. આ દવાઓની ય મુદત નાખેલી હોય છે, તે તમે જાણો છો ને ?! એક્સપાયરી ડેટ ! એવું આમાં પણ હોય છે. પણ લોકો તો જે ગયા એમનાં જ નામ સમજ્યા વગર ગા ગા જ કર્યા કરે.
પ્રશ્નકર્તા : જીવંત ગુરુની આટલી બધી અપેક્ષા કેમ રહેતી હશે ?
દાદાશ્રી : જીવંત ગુરુ ના હોય તો કશું થાય નહીં, કંઈ વળે નહીં. ફક્ત એનાથી ભૌતિક લાભ થાય. કારણ કે એટલો ટાઈમ સારા કામમાં રહ્યો. એ બદલ લાભ થાય. ગુરુ અહીં જાતે હોય તો જ એ તમારા દોષ કાઢી આપે, તમારા દોષ દેખાડે. પોતાની બધી ભૂલો પોતાને દેખાય, ત્યાર પછી એને ગુરુ ના જોઈએ. અમારી ભૂલો અમને દેખાતી હોય એટલે અમારે એકલાને જ ગુરુની જરૂર ના પડે, આખી દુનિયામાં. બાકી બધાને ગુરુ
ગુરુ-શિષ્ય
જોઈએ. અને જે ગયા તેની પાછળ તમે ગાયા જ કરો ને, કશું વળે નહીં. પ્રશ્નકર્તા : એટલે ગુરુ તરીકે મૂર્તિ કે ફોટો હોય તો ય ના ચાલે !
દાદાશ્રી : કશું ય ચાલે નહીં. એ ચિત્રપટ સહી કરે નહીં. આજે આ ઇન્દિરા ગાંધીનો ફોટો લઈને આપણે બેસીએ તો સહી થાય ખરી ? એટલે આજે જે જીવતા છે એ જ જોઈએ. એટલે આજ ઇન્દિરા કશું હેલ્પ નહીં કરે કે જવાહર કશું હેલ્પ નહીં કરે. અત્યારે તો હાજર જે છે, તે હેલ્પ કરશે. બીજા કોઈ હેલ્પ નહીં કરે. હાજર હશે એની સહી ચાલશે. આખી સહી નહીં હોય અને ખાલી ઇનિશ્યલ્સ હશે તો ય ચાલશે. અને ઇન્દિરાની આખી સહી હશે તો ય નહીં ચાલે.
૨૬
મૂર્તિ, એ ય પરોક્ષ ભક્તિ !
પ્રશ્નકર્તા : એક સંત કહે છે કે આ જે જડ વસ્તુઓ છે, મૂર્તિ-ફોટા, એનું અવલંબન લેવાનું ના હોય. તમારી નજર સામે જીવતા દેખાય, તેનું અવલંબન લો.
દાદાશ્રી : એ તો ખરું કહે છે આ કે જો જીવતો ગુરુ સારો મળે તો આપણને સંતોષ થાય. પણ ગુરુનું ઠેકાણું ના પડે ત્યાં સુધી મૂર્તિનાં દર્શન કરવાં. મૂર્તિ એ પગથિયું છે, છોડશો નહીં. જ્યાં સુધી અમૂર્ત પ્રાપ્ત ના થાય ત્યાં સુધી મૂર્તિ છોડશો નહીં. મૂર્તિ હંમેશાં મૂર્તને આપશે. મૂર્તિ અમૂર્તને આપે નહીં. પોતાનો જે ગુણધર્મ હોય તે જ બજાવે ને ! કારણ કે મૂર્તિ એ પરોક્ષ ભક્તિ છે. આ ગુરુ એ ય પરોક્ષ ભક્તિ છે. પણ ગુરુમાં જલ્દી પ્રત્યક્ષ ભક્તિ થવાનું સાધન છે. જીવંત મૂર્તિ છે એ. એટલે પ્રત્યક્ષ હોય ત્યાં આગળ જજે. ભગવાનની મૂર્તિનાં ય દર્શન કરજો, દર્શન કરવામાં વાંધો નહીં. એમાં આપણી ભાવના છે અને પુણ્ય બંધાય છે. એટલે મૂર્તિનાં દર્શન કરીએ તો ચાલે આપણું. પણ મૂર્તિ બોલે નહીં આપણી જોડે કશું. કહેનાર તો જોઈએ ને, કંઈ ?! કોઈ કહેનાર ના જોઈએ ? એવા કોઈ ખોળી કાઢ્યા નથી ?
પ્રશ્નકર્તા : ના.
દાદાશ્રી : તો ક્યારે ખોળી કાઢશો હવે ?!