________________
નહીં જાણે ક્યાંથી મળી આવે છે, આવાં ને આવાં તોફાનો જ ચલાવ્યા છે લોકોએ અને હેય..... ગાદીપતિ થઈને બેસે છે !
કોને અધિકાર છે ગાદીપતિ થવાનો ? જેને ક્રોધ-માન-માયા-લોભ ના હોય તેને !! તમને એ ન્યાય નથી લાગતો ? ન્યાયથી શું હોવું જોઈએ ? પ્રશ્નકર્તા : બરાબર છે.
દાદાશ્રી : એટલે કેટલાંક અમને પૂછે છે કે આ તમે ‘અક્રમ’ કેમ કાઢ્યું ? મેં કહ્યું, મેં નથી કાઢ્યું આ. હું તો નિમિત્ત બની ગયો છું. હું શું કરવા કાઢું ?! મારે કંઈ અહીં આગળ ગાદીઓ સ્થાપવી છે ? આપણે કંઈ ગાદી સ્થાપવા માટે આવ્યા છીએ ? કોઈનું ઉત્થાન કરીએ છીએ આપણે ? ના. અહીં કોઈનું મંડન કરતા નથી, કોઈનું ખંડન કરતા નથી. અહીં તો એવું કશું છે જ નહીં અને અહીં ગાદી ય નથી ને ! ગાદીવાળાને ભાંજગડો બધી. જ્યાં ગાદીઓ છે ત્યાં મોક્ષ હોય જ નહીં.
પૂજવાતી કામતા જ કામતી !
અને ધર્મોવાળા તો એમના મતાર્થ ધરાવવા માટે, એમની પૂજાવાની દુકાનો ચલાવવા માટે આ બધાં રસ્તા કાઢ્યા છે. એટલે લોકોને બહાર નીકળવા જ ના દીધા. એમણે પોતાને પૂજાવવા માટે આ બધાં લોકોને ઊંધે ચકરડે ચઢાવ્યા. એ ભાંગફોડીયા લોકો બીજું પેસવા ય ના દે ! ભાંગફોડીયા એટલે પૂજાવાની કામનાવાળા. પૂજાવાની કામના એ દલાલી જ ને !
ધર્મનું પુસ્તક હાથમાં આવ્યું અને કોઈકે એને બેસાડ્યો કે ‘હવે વાંચવાનું રાખો.' ત્યારથી એને મહીં કામના ઉત્પન્ન થઈ જાય કે હવે મને લોકો પૂજશે. ત્યારે જો તમને પૂજાવાની કામના ઉત્પન્ન થઈ, માટે તમને ડિસમિસ કરી દેવા જોઈએ. કારણ કે જ્ઞાની પુરુષના પુસ્તકને અડ્યા પછી કામના કેમ ઉત્પન્ન થઈ ? ઊલટું, કામના હોય તે ય નાશ થવી જોઈએ ! આ તો કામનાઓ ઉત્પન્ન થાય છે. તમને એવી સમજણ પડે છે કે લોકોને મહીં પૂજાવાની ને બધી કામનાઓ ઊભી થઈ છે એવું ?
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : પાછું મહીં હરિફાઈઓ ચાલે ! લોકો બીજાને વધારે પૂજતા હોય તો આને ગમે નહીં પાછું. એટલે જાણે પૂજાવાનું એ જ મોક્ષ (!) હોય એવું માની લીધું છે આ લોકોએ !! આ તો મોટી જોખમદારી છે. બાકી, જેને આ જગતમાં કોઈ જોડે વઢવાડ ના થાય તો એને પૂજેલો કામનો !
આ ગુરુઓને તો પૂજાવાની કામનાઓ ઊભી થાય, ગુરુ થવાની કામના રહેલી હોય. ત્યારે કૃપાળુદેવને કામના કેવી હતી એ તો ઓળખ, કે પરમ સત્ જાણવાનો કામી છું !' બીજી કોઈ ચીજની જેમને કામના નથી !! મને તો પૂજાવાની કામના આખી જિન્દગીમાં ક્યારેય ઊભી નહીં થયેલી. કારણ કે એ તો બોધરેશન કહેવાય. પૂજવાની કામના જોઈએ, આપણાથી કોઈ મોટા હોય એને ! એક કાનો કાઢી નાખવાનો છે ને ?! બસ !!
પ્રશ્નકર્તા : માન પૂજાદિ, ગર્વરસ એ બધાં પોતાપણાની મહેફિલો ને ?
દાદાશ્રી : એ બધી વસ્તુઓ પોતાપણાને મજબૂત કરનારી ! અને પોતાપણાને મજબૂત કરેલું પછી કો'ક દહાડો ઝળકે ને, કો’કની જોડે ?! ત્યારે લોક કહેશે, ‘જો પોત પ્રકાશ્યુંને !' પોતાપણું એનું પ્રકાશ્યું એટલે ભલીવાર ના આવે કોઈ દહાડો ય ! એટલે એ પૂજાવાની કામના છૂટતી નથી, અનાદિકાળથી આ ભીખ છૂટી નથી.
રહ્યાં તામ ત કોઈના !
પાછી નામની ય ભીખ હોય છે, તે પુસ્તકોમાં ય એમનાં નામ છપાવે છે. ત્યારે એના કરતાં પૈણવું હતું ને, તો છોકરાં નામ રાખત. અહીં શું કરવા નામ રાખવાં છે, ગુરુ થયા પછી ?! પુસ્તકોમાં ય નામ ! ‘મારા દાદા ગુરુ ને મારા બાપા ગુરુ, ને ફલાણા ગુરુ !' નર્યા છપાવ છપાવ કરે છે. અને આ મંદિરોમાં ય નામ ઘાલવા માંડ્યા છે પાછાં કે ‘આ ગુરુએ આ બનાવ્યું.' અરે, નામ તો રહેતાં હશે કોઈ દહાડો ? સંસારીઓનાં નથી રહેતાં, તો સાધુઓનાં નામ તો રહેતાં હશે ?! નામ રાખવાની તો ઈચ્છા ય ના હોવી જોઈએ. કંઈ પણ ઈચ્છા એ ભીખ છે.