________________
ગુરુ-શિષ્ય
ગુરુ-શિષ્ય
તમે જેને સમર્પણબુદ્ધિ કરો, તેનામાં જે તાકાત હોય એ આપણને પ્રાપ્ત થઈ જાય. સમર્પણ કર્યું એનું બધું આપણને પ્રાપ્ત થાય. જેમ એક ટાંકી જોડે બીજી ટાંકીને જરા પાઈપથી જોઈન્ટ કરીએ ને, તો એક ટાંકીમાં ગમે એટલો માલ ભરેલો હોય, પણ બીજી ટાંકીમાં લેવલ પકડી લે. એ સમર્પણ ભાવ એના જેવું કહેવાય.
જેનો મોક્ષ થયેલો હોય, જે પોતે મોક્ષનું દાન આપવા નીકળ્યા હોય, તે જ મોક્ષ આપી શકે. તે અમે મોક્ષનું દાન આપવા નીકળેલા છીએ. તે અમે મોક્ષ આપી શકીએ. બાકી કોઈ મોક્ષનું દાન આપી શકે નહીં.
પ્રશ્નકર્તા : શું સદ્ગુરુ એ રિલેટિવ નથી ?
દાદાશ્રી : સદ્ગુરુ એ રિલેટિવ છે, પણ સદ્ગુરુ જે જ્ઞાન આપે છે તે રિયલ છે. એ રિયલથી આત્મરંજન થાય. તે છેલ્લામાં છેલ્લો આનંદ ! રિયલ એટલે પરમેનન્ટ વસ્તુ અને રિલેટિવ એટલે ટેમ્પરરી વસ્તુઓ. રિલેટિવથી મનોરંજન થાય.
પ્રશ્નકર્તા: તો પછી સદ્ગુરુ એ મનોરંજનનું સાધન થયું ?
દાદાશ્રી : હાસ્તો ને ! સદ્ગુરુમાં જ્ઞાન હોય તો આત્મરંજનનું સાધન અને જ્ઞાન ના હોય તો મનોરંજનનું સાધન ! આત્મજ્ઞાની ગુરુ હોય તો આત્મરંજનનું સાધન. આત્મજ્ઞાની સદ્ગુરુ હોય ને, તો તે નિરંતર યાદ જ રહે, એ જ રિયલ અને નહીં તો સદ્ગુરુ યાદ જ ના આવે.
પ્રશ્નકર્તા : સાચા ગુરુને પોતાનું સર્વસ્વ સોંપી દેવું, તેનાથી સર્વ કાર્ય સિદ્ધ થાય છે. એ વ્યવહારમાં કેટલે અંશે સત્ય છે ?
દાદાશ્રી : આ તો વ્યવહારમાં તદન સાચું છે. ગુરુને સોંપે તો એક અવતાર એનો સીધો જાય. કારણ કે ગુરુને સોંપ્યું એટલે ગુરુની આજ્ઞા પ્રમાણે ચાલ્યો, તે પોતાને દુ:ખ આવે નહીં.
પરિણામો, ગુરુકૃપા તણા..... પ્રશ્નકર્તા: ગુરુ અને ગુરુકૃપાની વાત કરીએ તો એવો પ્રશ્ન ઊભો થાય કે ગુરુકૃપા એ શું છે ? એમાં કંઈ તથ્ય છે કે કેમ ?!
દાદાશ્રી : જેટલી શક્તિઓ છે ને, એ બધામાં તથ્ય જ હોય છે, અતથ્ય નથી હોતું. એ બધી શક્તિ છે અને શક્તિઓ હંમેશાં અમુક વર્ષ ચાલે ને પછી ઓગળીને ખલાસ થઈ જાય.
પ્રશ્નકર્તા ઃ ગુરુની કૃપા પ્રાપ્ત કરવા માટે શિષ્યએ શું કરવું જોઈએ ?
દાદાશ્રી : શિષ્ય તો, કૃપા પ્રાપ્ત કરવા માટે ગુરુને રાજી રાખવાના, બીજું કંઈ નહીં. જે રસ્તે રાજી રહેતા હોય તે રસ્તે રાજી રાખવાના. રાજી કરે એટલે કૃપા હોય જ એમના પર. પણ કૃપા કેટલી પ્રાપ્ત થાય ? જેટલું ટાંકીમાં હોય, જેટલા ગેલન હોય એ ગેલનના પ્રમાણમાં આપણું થાય. કૃપાદ્રષ્ટિ એટલે શું? પોતાના કહ્યા પ્રમાણે કરતો હોય એટલે એ રાજી રહે, એનું નામ કૃપાદ્રષ્ટિ. અને કહ્યાથી અવળું કરે એટલે ઈતરાજી થાય.
પ્રશ્નકર્તા : તો ગુરુની કૃપા બધા ઉપર હોય, કે એવું કંઈ નહીં ?
દાદાશ્રી : ના, એ તો કૃપા કેટલાંકની ઉપર ના ય હોય, એ આડું કરે તો ના ય હોય.
પ્રશ્નકર્તા: તો પછી એ ગુરુ કેમ કહેવાય ?! ગુરુની દ્રષ્ટિ તો બધાં ઉપર સરખી હોવી જોઈએ.
દાદાશ્રી : હા, સરખી હોવી જોઈએ. પણ એ માણસ ગુરુ જોડે આડું કરતો હોય તો શું કરે ?! એ તો જ્ઞાની હોય તો સરખું હોય. પણ આ ગુરુ હોય, તો જરાક તમે આવું કરો તો તમારી ઉપર આવડી ઊલટી કરી નાખે.
પ્રશ્નકર્તા : એકને કૃપા કરે ને એકને કૃપા ના કરે એવું ના બને. ગુરુ તો બધા પર સમાન કૃપા રાખે ને ?
દાદાશ્રી : ના. છતાં પણ મહીં છે તે પોતાનું ફળ પોતાને મળે છે. પોતે ઊંધું કરે તો ઊંધું જ ફળ મળે. જ્યારે જ્ઞાની પુરુષ તો વીતરાગ કહેવાય. એને તમે ધોલ મારો તો ય તમારી ઉપર એ સમાન દ્રષ્ટિ ના તોડે. પણ જે તમે નાખો, એક ગાળ દો તો સો ગાળ પાછી મળે, એક ફૂલ નાખો તો સો ફૂલ પાછાં મળે.