Book Title: Guru Shishya
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 56
________________ બેસી જ જાય એવી મૂર્તિ ! શ્રદ્ધેય કહેવાય, જગત આખાને માટે, આખા વર્લ્ડને માટે !! આ કાળ એવો વિચિત્ર છે કે શ્રદ્ધાની મૂર્તિ ના જડે. બધી મૂર્તિઓ જડે, પણ શ્રદ્ધાની મૂર્તિ - કાયમની શ્રદ્ધા બેસે એવી મૂર્તિ ના જડે. કો'ક વખત જગતમાં શ્રદ્ધાની મૂર્તિનો જન્મ હોય છે. શ્રદ્ધાની મૂર્તિ એટલે જોવાથી જ શ્રદ્ધા આવી જાય. કશું પૂછવું ના પડે, એમ ને એમ શ્રદ્ધા આવી જાય. એને શાસ્ત્રકારોએ શ્રદ્ધાની મૂર્તિ કહી છે. કો’ક જ વખત એવો અવતાર હોય, તે કામ કાઢી નાખે ને !! આ અમારો અવતાર જ એવો છે કે અમારી પર એને શ્રદ્ધા જ બેસી જાય. શ્રદ્ધાની પ્રતિમા થવું જોઈએ. નાલાયક માણસને ય એક ફેરો મોંટું જોયું કે તરત શ્રદ્ધા આવી જાય. તે ઘડીએ એના ભાવ, એની પરિણતિ ફરી જાય, જોતાં જ ફરી જાય. એવી પ્રતિમા, શ્રદ્ધાની પ્રતિમા કો'ક વખત પાકે છે. તીર્થંકર સાહેબો હતા એવાં ! એટલે કેવું થઈ જવું જોઈએ ? શ્રદ્ધાની પ્રતિમા થઈ જવું જોઈએ. પણ શ્રદ્ધા ના આવે, એનું કારણ શું હશે ? પોતે જ ! ને આ તો કહેશે, ‘લોકો શ્રદ્ધા જ નથી રાખતા, તો શું કરું ?!” હવે જે ગુરુમાં બરકત ના હોય, એ લોકો એમ કહ્યા કરે કે મારી પર શ્રદ્ધા રાખો.” અલ્યા, પણ લોકોને તારી પર શ્રદ્ધા જ નથી આવતી તેનું શું ?! તું એવો થઈ જા, શ્રદ્ધાની પ્રતિમા, કે લોકોને જોતાં જ તારી પર શ્રદ્ધા બેસે. પછી વૈરાગ શી રીતે આવે ?! પ્રશ્નકર્તા : જે લોકો ઉપદેશ આપે છે એમનું આચરણ એમના ઉપદેશથી જુદું હોય છે, તો શ્રદ્ધા ક્યાંથી ઉપજે ?! એવું ય બને ને ? દાદાશ્રી : એટલે આ શ્રદ્ધા બેસવી એ કંઈ જેવી તેવી વાત નથી. અને રંજન માટે જ આ બધો ઉપદેશ હોય છે. કારણ કે સાચા ઉપદેશ નથી આ. આ તો પોતાનાં મનોરંજન છે બધાં. પ્રશ્નકર્તા : હા, ફક્ત ઉપદેશ રંજન હોય છે અને તેથી જ વૈરાગનો રંગ લાગતો નથી. દાદાશ્રી : હવે, વૈરાગનો રંગ ક્યાં લાગે ? કઈ વાણીમાં લાગે ? જે વાણી સત્ય હોય તેમાં, જે વાણી ઊંધે રસ્તે વપરાતી ના હોય, જે વાણી સમ્યક વાણી હોય, જેને વચનબળ હોય ત્યાં રંગ લાગે. બાકી, આમ વૈરાગ શી રીતે આવે ? એ તો ચોપડીઓ બોલે જ છે ને ! જેમ ચોપડીઓ બોલે છે તો ય એને વૈરાગ નથી આવતો, એમ આ ગુરુઓ બોલે તેનાથી વૈરાગ ના આવે. ચોપડીઓ જેવા ગુરુ થઈ ગયા છે. અને જો આપણને વૈરાગ ના આવે તો જાણવું કે આ ચોપડી જેવા ગુરુ છે. વચનબળ હોવું જોઈએ ને ! એમાં ભૂલ ઉપદેશકતી ! પ્રશ્નકર્તા: ઘણી વખત એવું બને છે કે ઉપદેશ સાંભળવા પચ્ચીસ માણસો બેઠાં હોય, એમાં પાંચને સ્પર્શી જાય ને બાકીનાં વીસ એવાં ને એવાં કોરાં રહે છે. એમાં ઉપદેશકની ભૂલ કે ગ્રહણ કરનારની ભૂલ ? દાદાશ્રી : આમાં સાંભળનારની શું ભૂલ છે બિચારાની ?! ઉપદેશકની ભૂલ છે ! સાંભળનાર તો છે જ એવાં. એ તો ચોખ્ખું જ કહે છે ને કે, “સાહેબ, અમને તો આવડતું નથી, તેથી તો તમારી પાસે આવ્યાં છીએ.’ પણ આ તો ઉપદેશકોએ રસ્તો ખોળી કાઢ્યો છે, પોતાનો સ્વબચાવ ખોળ્યો છે કે ‘તમે આમ કરતાં નથી, તમે આમ......” એવું ના કહેવાય. તમારે ત્યાં હેલ્પ માટે આવ્યો ને તમે આવું કરો છો ?! આ તો ઉપદેશકોની ભૂલ છે. આ સ્કૂલના જેવી વાત નથી. સ્કૂલની વાત જુદી છે. સ્કૂલમાં જેમ છોકરાં કશું કરતાં નથી, એ જુદું છે ને આ જુદું છે. આ તો આત્મહિત માટે આવેલા છે, જેમાં બીજી કોઈ જાતની ખરાબ દાનત નથી. સંસારહિત માટે નથી આવેલા. એટલે આ ઉપદેશકે બધું કરવું જોઈએ. હું તો બધાને કહું છું કે, ‘ભઈ, કંઈ પણ ના થાય તમારાથી, એ મારી ભૂલ છે. તમારી ભૂલ નથી.’ તમે મારી પાસે રિપેર કરાવવા આવ્યા કે ‘મને આ રિપેર કરી આપો.” પછી રિપેર ના થયું તો એ ભૂલ કોની ?! પ્રશ્નકર્તા : પચ્ચીસ જણા બેઠાં હોય, પાંચ પામે ને વીસ ના પામે, તો એમાં ગુરુની જ ભૂલ ?! દાદાશ્રી : ગુરુની જ ભૂલ !

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77