________________
પરમાત્મદશામાં છે તેમનું જ્ઞાન-દર્શન પામવાથી અંતરાત્મદશા પમાય. પછી અંતરાત્મા પરમાત્માને જુએ ને તે રૂપ થતો જાય ! “પોતે પરમાત્મા છે’ એ પ્રતીતિમાંથી હવે જ્ઞાનભાવે અભેદ થાય છે. વસ્તુત્વની ભજનાથી પૂર્ણત્વ સહેજે સધાય છે. અને જ્યારે સંસારનો સંપૂર્ણ નિકાલ થઈ જાય ત્યારે થઈ જાય ફૂલ ગવર્નમેન્ટ, ત્યારે થયા સંપૂર્ણ પરમાત્મા !!!
જીવ ને અકર્તા-અભોક્તા એ આત્મા ! જ્યાં સુધી ‘તમે ભગવાન” ને “ તમારો ભક્ત' ત્યાં સુધી જુદાઈ ! ‘હું પોતે જ પરમાત્મા છું' એ ભાન થાય ત્યારે ભેદ ના રહે, ને થઈ ગયો વીતરાગ ! નિર્ભય !! ને મહામુક્ત !!!
ઈશ્વર અને પરમેશ્વર - એમાં ઈશ્વર રાગ-દ્વેષવાળો, કર્તાપણાના અહંકાર સહિત, વિનાશી વસ્તુઓમાં મૂછવાળો ને પરમેશ્વર એટલે વીતરાગ-અકર્તા, પોતાના અવિનાશી પદને જ ભજે તે ! છતાં ઈશ્વરપદ એ તો વિભૂતિસ્વરૂપ છે ! આર્તધ્યાન ને રૌદ્રધ્યાનથી નિવૃત્તિ, એ વીતરાગત્વની પ્રથમ કડી.
‘હું ચંદુલાલ છું’ બોલવામાં વાંધો નથી, પણ તેવી બીલિફ વર્તવી ના જોઈએ !
પરમાત્મા દશા પામવાના પંથમાં આવતા “માઈલસ્ટોન'ની પહેચાન પથિકને પંથની પૂરેપૂરી ‘સિક્યૉરિટી’ કરાવતી જાય છે.
ભૌતિક સુખોની વાંછના છે, વૃત્તિઓ ભૌતિક સુખ શોધવામાં જ ભટકે છે ત્યાં સુધી બહિર્મુખી આત્મા-મૂઢાત્મા છે. મૂઢાત્મદશામાં જીવાત્માને માત્ર અસ્તિત્વનું જ ભાન હોય છે, પુદ્ગલ વળગણાને માત્ર પોતાનું જ સ્વરૂપ મનાય છે, એ પ્રથમ એંધાણ ! દ્વિતીય એંધાણમાં મૂઢાત્મામાંથી અંતરાત્મદશામાં આવે ત્યારે વૃત્તિઓ જે બહાર ભટકતી હતી તે નિજઘેર પાછી વાળવા માંડે છે. મૂઢાત્માને ‘જ્ઞાની પુરુષ' નિમિત્તભાવે પ્રતીતિ કરાવડાવે કે પુદ્ગલ વળગણા પોતાની નથી, પોતે તો પરમાત્મા જ છે, ત્યારે ‘હું'પણું પરમાત્મામાં પ્રથમ પ્રતીતિભાવે અભેદ થાય છે. હવે અસ્તિત્વનું જ નહીં, પણ તેને વસ્તુત્વનું, એટલે કે “હું કોણ છું'નું ભાન થાય છે. આ અંતરાત્મદશા એટલે “ઈન્ટ્રીમ ગવર્નમેન્ટની સ્થાપના. ઈન્ટ્રીમ ગવર્નમેન્ટ'ને બે કાર્ય કરવાનાં. વ્યવહારના ઉદયમાં તેમાં ઉપયોગ રાખી વ્યવહારનો સમભાવે નિકાલ કરવાનો ને નવરાશના સમયમાં આત્મ-ઉપયોગમાં રહેવાનું. આ અંતરાત્મદશામાં આવતાં પોતે અમુક અંશે સ્વતંત્ર બને છે અને અમુક અંશે પરતંત્ર બને છે. છતાં પરમાત્મદશા તરફ પ્રગતિ સધાતી રહે છે, સધાતી જ રહે છે. “જ્ઞાની પુરુષ' કે જે
કેવળી દશામાં આત્મા પરમાત્મા જ છે. શબ્દરૂપના અવલંબનમાં હોય ત્યાં સુધી અંતરાત્મા ને ભ્રાંતદશામાં મૂઢાત્મા ! હું, બાવો, મંગળદાસ !! એનો એ જ “હું” ત્રણેવમાં ! જે સંપુર્ણ વીતરાગ થઈ ગયા તે પરમાત્મા ! વીતરાગ થવાની દ્રષ્ટિ જેણે વેદી છે તે અંતરાત્મા, ને ભૌતિક સુખોમાં રત રહી રાગ-દ્વેષ કર્યા કરે તે મૂઢાત્મા !!
આ જગતથી આત્યંતિક મુક્તિ પામેલા, સિદ્ધલોકમાં બિરાજેલા પ્રત્યેક સિદ્ધાત્મા, નિજ નિજનાં સ્વતંત્ર સ્વાભાવિક સુખમાં, નિજસ્થિતિમાં જ હોય છે ! ત્યાં નથી કોઈ ઉપરી કે નથી કોઈ ‘અંડરહેન્ડ' ! સિદ્ધાત્માઓ સ્વભાવે એક જ, જ્ઞાન-દર્શન રૂપ છે. ત્યાં ચારિત્ર નથી. ત્યાં નથી કોઈ મિકેનિકલ ક્રિયા કે નથી ત્યાં દુલ પરમાણુ. બ્રહ્માંડની ધાર પર તેનું સ્થાન છે. ત્યાં કોઈ કોઈને કોઈ કોઈની અસર નથી તેમજ બીજા ક્ષેત્રોને ય તેમની અસર નથી જતી. સિદ્ધો આપણને કોઈ હેલ્પ ના કરે, માત્ર ત્યાં પહોંચવાનો આપણો ધ્યેય છે માટે ‘નમો સિદ્ધાણં' આપણે ભજીએ છીએ !
આ લાઈટ જો ચેતન હોતને તો રૂમની દરેક વસ્તુને જોયા જ કરત ! તેમ સિદ્ધ બ્રહ્માંડના પ્રત્યેક શેયને પ્રકાશે છે !
મોક્ષ એટલે સ્વ-ગુણધર્મમાં પરિણમવું, સ્વ-સ્વભાવમાં પરિણમવું, નિરંતર પોતાના સ્વાભાવિક સુખમાં જ રહેવું તે !
મોક્ષ કોનો? જે બંધાયેલો છે તેનો ! બંધાયો છે કોણ? જે ભોગવે છે તે. ભોગવે છે કોણ ? અહંકાર !!! મોક્ષ પામવાનો ભાવે ય જે બંધાયો છે તેનો છે, આત્માનો નથી, આત્મા તો વાસ્તવિકતામાં મુક્ત જ છે, એ કર્તા નથી, ભોક્તા ય નથી. આ તો અહંકાર જ મોક્ષ ખોળે છે. સંસારમાં કશો સ્વાદ ના રહ્યો ત્યારે મોક્ષ ખોળવા નીકળ્યો છે !