________________
૨૭)
Problems અને અમેરિકા
ભારતમાં સ્કૂલે જતાં નાનાં બાળકોને સ્પે.રિક્ષા/વાન કે બસમાં બેસાડીને તેમની મમ્મી નિશ્ચિત થઈ જાય છે. આ બાબતમાં U.S.ની મમ્મીઓ સારી એવી અનલકી છે. ત્યાં ૧૦ થી ૫૦ કિ.મી. સુધીની દૂરની સ્કૂલમાં જાતે જ બાળકને મૂકી આવવું પડે અને સ્કૂલ પૂરી થયે ત્યાંથી લઈ આવવું પડે. પબ્લિક બસમાં મોટા છોકરાઓ જઈ શકે, પણ ભાડૂતી સ્પે. કારની સેવાના અભાવે નાનાં બાળકોને લેવા-મૂકવા જવાની ખરેખરી ઉપાધિ છે. ખાસ કરીને ત્યાં સંયુક્ત પરિવારનો અભાવ છે + મમ્મીપપ્પા બંનેને જૉબ કરવી જ પડતી હોય છે, ત્યારે આ ઉપાધિમાં તેઓ કઈ રીતે સમાધિ રાખતા હશે એ કલ્પનાનો વિષય છે. ભારતમાં કારખાનાં, ઑફિસ કે વેપાર-ધંધાના માલિક તરીકે તમે ઘણી સ્વતંત્રતા ભોગવી શકો છો. તમારી નીચે મૅનેજર વગેરે પર વિશ્વાસ રાખીને કામ લઈ શકો છો. ગમે ત્યારે મોડા આવી શકો, વહેલા જઈ શકો, વચ્ચે કોઈના બેસણામાં જઈ આવી શકો... વગેરે.. વગેરે. અમેરિકામાં આ બાબતમાં પૂરેપૂરી ગુલામી છે. ત્યાં નાની ફૅક્ટરી, ઑફિસ કે દૂકાનના માલિકો નીચેના માણસોના વિશ્વાસે કામ સોંપી શકતા નથી. સોપે તો માલ ચોરાઈ જાય કે ડૉલરની ઉચાપત થઈ જાય. એટલે માલિકે પૂરેપૂરો સમય હાજર રહેવું બેહદ જરૂરી બને. ત્યાં તમારા ઘણા માણસ હોય, તો ય તમે એકલા હો. સાવ એકલા. ભારતમાં પાડોશીઓ સાથે મીઠાં સંબંધ હોય છે. તેઓ આપણાં સુખદુઃખમાં ભાગીદાર બને. “પહેલો સગો પાડોશી” – આ સુખ અમેરિકામાં નથી. વાતચીતમાં તેઓ નમ્ર અને વિવેકી લાગે, પણ નાની વાતમાંય તેઓ ઝઘડો કરી બેસે. બાળકો રમતાં હોય ને ઘોંઘાટ થાય કે બોલ એના કંપાઉન્ડમાં જતો રહે તો પણ વાંધો લે, એવું વલણ ત્યાં જોવામાં આવે છે. વિચિત્ર પાડોશીથી ત્યાં સાવધાન રહેવું પડે છે. પાડોશીની કનડગતથી મકાન વેચી દેવું પડે, એવું પણ ત્યાં બન્યા કરે છે.
- ૩૧
અમેરિકા જતાં પહેલાં