________________
બગદાદના અનાથાલયમાં જેની કલ્પના પણ ન કરી હોય તેવી બાબતો ઑસ્ટ્રેલિયાના વિક્ટોરિયા રાજ્યમાં સાકાર થવા લાગી. પોતાના વિસ્તારમાં આવેલા સ્નાનાગારમાં અહેમદ તરવાની તાલીમ મેળવવા લાગ્યો. બે કૃત્રિમ પગ ધરાવનાર માનવી પ્રબળ ઇચ્છાશક્તિ હોય, તો જ પાણીમાં તરવાનું સાહસ વિચારી શકે. અહેમદની દૃઢ ઇચ્છાશક્તિને પરિણામે જ એ સતત આગળ વધતો રહ્યો અને પછી એણે વિચાર કર્યો કે હવે તરણ સ્પર્ધામાં પણ ભાગ લેવો જોઈએ.
જેમ દર ચાર વર્ષે રમતવીરો માટેની ઑલિમ્પિક સ્પર્ધા યોજાય છે, એ જ રીતે વિકલાંગ રમતવીરો માટે એક જુદી જ ઑલિમ્પિક સ્પર્ધા યોજાય છે. આ સ્પર્ધામાં જુદી જુદી અનેક રમતોમાં દુનિયાભરના વિકલાંગો પોતાનું હીર કસવા માટે મેદાનમાં ઊતરે છે. અહેમદને આવી ઑલિમ્પિકમાં ભાગ લેવાનાં સ્વપ્નાં આવવા લાગ્યાં. એ આને માટે સખત અને સતત તાલીમ લેવા માંડ્યો. માત્ર એક વર્ષ અગાઉ જેણે ગંભીર રીતે તરવાનો પ્રયાસ કર્યો હતો તેવો અહેમદ ૨૦૦૯માં તો ઓસનિયા પેરાલિમ્પિક ચેમ્પિયનશિપમાં તરણબાજ તરીકે ભાગ લેવા આવ્યો અને ત્યારબાદ એણે વિકલાંગોની ઑસ્ટ્રેલિયન ચેમ્પિયનશિપમાં (૨૦૧૦-૨૦૧૧) ૧૦૦ મીટર બ્રેસ્ટસ્ટ્રોકની સ્પર્ધામાં ભાગ લેવા ગયો અને આ સ્પર્ધામાં અહેમદે નવો વિશ્વકીર્તિમાન રચ્યો..
એની પાલક માતા મોઇરા કેલીના આનંદનો પાર ન રહ્યો. એનો ભાઈ ઇમેન્યુલ તો ગીત ગાઈને પોતાની ખુશી પ્રગટ કરવા લાગ્યો. માતા મોઇરા કેલીની સાથે એની બે દત્તક પાલક પુત્રીઓ તૃષ્ણા ને ક્રિષ્ના પણ અહેમદની સિદ્ધિ પર મીટ માંડીને બેઠી હતી. આ તૃષ્ણા અને ક્રિષ્ના બંનેનાં માથાં જન્મથી જ એકબીજાના અંગ સાથે જોડાયેલાં હતાં. એમની સ્થિતિ પણ અહેમદ અને ઇમેન્યુલ જેવી બની હતી. આ બંને બહેનોને એમના પિતાએ જન્મ આપતાંની સાથે ત્યજી દીધી હતી. પ્રેમની દેવી મોઇરા કેલી એમને લઈ આવી. બંનેનાં માથાં જોડાયેલાં હોવાથી એમની જીવવાની આશા પણ ઘણી ઓછી હતી. ૩૨ કલાક સુધી સર્જરી કરીને ડૉક્ટરોએ બંને બહેનોનાં માથાં જુદાં પાડ્યાં અને આ બંને બહેનો પણ અહેમદની સિદ્ધિ મેળવતી વખતે આનંદિત બની ગઈ.
આજે ૧૭ વર્ષની ઉંમરે પહોંચેલો અહેમદ કહે છે, ‘તમે અડગ હો અને
તમારા લક્ષ્યને સિદ્ધ કરવા માગતા હો, તો તમારી મુશ્કેલીનો કદી વિચાર કરતા નહીં, તમે તમારા લક્ષ્યને સિદ્ધ કરવા માટે સતત મથ્યા રહો અને તેને સિદ્ધ કરવા માટે જે કંઈ કરવું પડે તે કરો. આ જ છે લક્ષ્યસિદ્ધિનું રહસ્ય.'
અહેમદની આ સિદ્ધિ જોઈને એના ભાઈ ઇમેન્યુલના દિલમાં પણ કંઈક કરી છૂટવાનાં અરમાન જાગ્યાં.
ઓસ્ટ્રેલિયામાં આવ્યા પછી ઇમેન્યુલ સારવાર અને સાધનોના સહારે નવજીવનનો પ્રારંભ કર્યો. એણે અભ્યાસ શરૂ કર્યો. એના મનમાં પહેલેથી જ એક તમન્ના હતી કે મારે કામયાબ ગાયક બનવું છે અને આને માટે એ અથાગ પ્રયત્ન કરવા લાગ્યો. મોઇરા કેલી એના આ સંતાનસમાં બાળકને એની ઇચ્છાના ક્ષેત્રમાં આગળ વધવા માટે અવિરત ઉત્સાહ આપવા લાગી.
વ્યવસાયી ગાયક બનવાની પોતાની ઇચ્છાને લક્ષ્ય બનાવીને આંતરિક બળ અને સંકલ્પશક્તિથી ઇમેન્યુલ પોતાનો માર્ગ કરતો ગયો. ગયે વર્ષે ૨૦૧૧ની ૨૯મી સપ્ટેમ્બરે રિયાલિટી શો ‘ધ એક્સ ફેક્ટર'ની ખૂલતી રાત્રીએ ઍલ્બોર્નમાં ઇમેન્યુલે પોતાની રચના પ્રસ્તુત કરી. એની આ રચના સાંભળીને સહુ કોઈની આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી.
એ સમયે ઉત્કૃષ્ટ ગાયકની નિર્ણાયક સમિતિના એક સભ્ય રોનાલ્ડ કૅટિંગ તો ઇમેન્યુલે પ્રસ્તુત કરેલી ઇંગ્લેન્ડના વિખ્યાત ગાયક અને ગીતલેખકે જ્હોન લેનોનની ક્લાસિકલ રચના ‘ઇમેજિનની હૃદયસ્પર્શી રજૂઆતથી એવા તો દ્રવી ગયા કે એમણે નિર્ણય આપતાં પૂર્વે નિખાલસપણે સ્વીકાર કર્યો કે જિંદગીમાં આજ સુધી ક્યારેય કોઈ પ્રસ્તુતિ સાંભળીને હું આટલો બધો દ્રવિત થયો નથી.
એ રાત્રે તાળીઓના ગડગડાટ અને જોશીલા હર્ષધ્વનિ સાથે ઇમેન્યુલને સહુએ વધાવી લીધો અને એની “ધ એક્સ ફેક્ટર ના ઑડિશન દરમિયાનની વીડિયોની વીસ લાખ લોકોએ સમીક્ષા કરી અને માત્ર છ મહિનાના ગાળામાં તો એક કરોડ અને દસ લાખનો વિરાટ જનસમુદાય ઇમેન્યુલના ગાન પર વારી ગયો. પછી તો ઇમેન્યુલ કેલીએ એક જ વર્ષમાં ત્રણ કરોડ લોકોના હૃદયમાં સ્થાન મેળવ્યું અને ફેસબુક પર એના ચાહકોનો ધસારો થવા લાગ્યો.
58 + તન અપંગ, મન અડીખમ
કરુણાની દેવી ... 59