________________
15
જેમી ઍન્ડ્ર્યુ
ઝૂકે તે જેમી નહીં !
ક્યારેક ભૂતકાળનો દોર છેક વર્તમાનકાળ સુધી લંબાતો હોય છે. આજની કોઈ ઘટના ગઈકાલના બનેલા પ્રસંગની યાદ મનમાં પુનઃ જગાડે છે.
ભૂતકાળના પડદાને જરા ઊંચકીએ! એ સમયે ફ્રાંસના લશ્કરી સલાહકારનો હોદ્દો ધરાવતા નેપોલિયનના નેતૃત્વ હેઠળ ઑસ્ટ્રિયા, પ્રશિયા વગેરે યુરોપીય સત્તાઓ સાથે ઘર્ષણમાં આવ્યું હતું. ૧૭૯૬માં સાધનસામગ્રીનો અભાવ હોવા છતાં
નેપોલિયને ઑસ્ટ્રિયાના સૈન્યોને પરાજય આપ્યો. એ પછી એ આલ્પ્સ પર્વતની પાસે છાવણી નાખીને પડ્યો હતો. પોતાની વિશાળ સેના સાથે આલ્પ્સ પર્વત પાર કરીને આગળના પ્રદેશો જીતવાની મહત્ત્વાકાંક્ષા સાથે એ આગળ વધતો હતો, પરંતુ આ અત્યંત ઊંચો અને અતિશય ઠંડું
હવામાન ધરાવતો દક્ષિણ-મધ્ય યુરોપમાં કમાન આકાર ધરાવતો એ વિશાળ પર્વત કઈ રીતે પાર કરવો, એનો એને કોઈ અંદાજ આવતો નહોતો.
ચોપાસ ઘૂમતા નેપોલિયનને આ પર્વતની નજીક આવેલા એક ગામડાની નાની સરખી ઝૂંપડી દેખાઈ. નેપોલિયને એ ઝૂંપડીનું બારણું ખખડાવ્યું. એમાંથી એક વૃદ્ધા બહાર આવી.
નેપોલિયને પોતાની ઓળખ આપતાં કહ્યું, “હું ફ્રાંસના લશ્કરનો સલાહકાર નેપોલિયન આલ્પ્સ પર્વત પાર કરીને મારી વિજયકૂચ આગળ ધપાવવા ચાહું છું, પરંતુ આ પર્વતને પાર કરવાના કોઈ આસાન માર્ગની તમને ખબર હોય, તો તમે કહો. હું હજી ગડમથલમાં છું કે કઈ રીતે આ આલ્પ્સ પર્વતને ઓળંગવો ?”
ગરીબ વૃદ્ધાએ નેપોલિયન સામે દયાભરી દૃષ્ટિએ જોઈને કહ્યું, “જુઓ ! અત્યારે જ આલ્પ્સ પાર કરવાનો તમારો વિચાર માંડી વાળો. કેટલાય લોકોએ કોશિશ કરી, પણ પરિણામમાં ઘણાએ પ્રાણ ગુમાવ્યા છે. જો તને તારો અને તારા સૈનિકોનો જીવ વહાલો હોય, તો પાછો ફરી જા, નહીં તો આલ્પ્સની પર્વતમાળા પર તું કમોતે મરીશ.”
વૃદ્ધાના શબ્દો સાંભળીને નેપોલિયન ઉત્સાહથી ઊછળી ઊઠ્યો. એણે કહ્યું, “માજી ! તમારા શબ્દોએ તો મારા ઇરાદાને લોખંડી બનાવી દીધો. આવી મુસીબતો જાણીને આલ્પ્સને ઓળંગવાનો મારો પડકાર વધુ દૃઢ બની ગયો. મુશ્કેલીઓના વર્ણને મારામાં જબરો જુસ્સો જગાડી દીધો. પડકાર મને ગમે છે. અશક્યને શક્ય બનાવવું એ મારો શોખ છે. હવે હું આલ્પ્સને ઓળંગીને જ રહીશ.”
પોતાની વાતનો આવો વિચિત્ર ને અણધાર્યો પ્રતિભાવ સાંભળીને વૃદ્ધા આશ્ચર્યમૂઢ થઈ ગઈ. એણે તો વિચાર્યું હતું કે, “આ નેપોલિયન તો એની સલાહ સાંભળીને સેના સાથે પાછો ફરી જશે, પીછેહઠ કરશે, પણ એને બદલે તો એનાં વચનોએ એની વીરતાને લલકારી દીધી.
નેપોલિયનના શબ્દો સાંભળીને વૃદ્ધાએ આ સાહસિક યુવાનને આશીર્વાદ આપતાં કહ્યું.
ઝૂકે તે જેમી નહીં ! + 121