________________
જિંદગી માણવાનો તરીકો
મેળવનાર દેખતાઓની દુનિયામાં પણ એકસો જેટલા આરોહકો નથી. ઍરિક જિંદગીના પ્રયોજન વિશે કહે છે કે આ જિંદગી બધાને માટે સુંદર કે નિષ્પક્ષ નથી. તમે આફ્રિકામાં જન્મેલા બાળક હો, તો એક મહિનામાં તમને ઊધઈ ખાઈ જાય. અથવા તો તમે જન્માંધ હો કે બીજી કમનસીબી સાથે જન્મ્યા હો, તે બાબત તેમને અન્યાયકર્તા બની રહે છે. તમને જીવવા માટે ઠીક ઠીક પ્રમાણમાં સમયની તક મળી હોય તો, તમે મારી જેમ ચોક્કસ પડકારો, અવરોધો અને મુસીબતોનો સામનો કરીને જીવી શકો છો. તમને મળેલા સમયમાં તમે શ્રેષ્ઠ કર્તવ્ય કરીને અથવા તો તમે વિચારો છો તેનાથી પણ વધુ ઉમદા કાર્ય કરી શકો છો અને તમને મળેલી તકને સામર્થ્ય સાથે ઝડપીને બીજા કરતાં કાંઈક જુદા થઈને દુનિયાને તમારો પ્રભાવ દર્શાવી શકો છો.
વિશ્વના આ સૌથી મહાન રમતવીર અને સાહસવીરને કઈ વ્યક્તિને મળવાની ઇચ્છા હશે ?
એ કહે છે કે, “એને અબ્રાહમ લિંકનને મળવાની ઇચ્છા છે. જે સામાન્ય માનવીએ દુનિયાને બદલવાની શક્તિ બતાવી. એણે દરેક પડકારને ઝીલીને પોતાનું કૌવત બતાવ્યું અને અંતે એનું વળતર પણ ચૂકવવું પડ્યું. મહાત્મા ગાંધી અને માર્ટિન લ્યુથર કિંગમાં પણ આવી હિંમત હતી. યુદ્ધમાં જનારા લોકો પણ આવી હિંમત ધરાવતા હોય છે. મને આવી હિંમત ધરાવતા લોકોને મળવું ગમે
છે.'
આજે પણ સાહસ ઍરિકને સાદ પાડે છે અને ઍરિક એ સાહસને સાકાર કરવા માટે દોડી જાય છે.
જગતમાં કેટલીક વ્યક્તિ શક્તિ અને સમૃદ્ધિના વરદાન સાથે જન્મતી હોય છે અને કોઈ દુર્ભાગી અભિશાપ સાથે! કોઈને જન્મજાત કારમી ગરીબી મળે છે, તો કોઈને જન્મથી જ અઢળક અમીરીમાં આળોટવાનું બને છે. પણ કેટલાક માનવી એવા હોય છે કે જે એમની લાચારીને સાહસમાં, વિકલાંગતાને વીરતામાં અને મુશ્કેલીઓને મોજમાં બદલી નાખે છે.
કુદરતના પ્રચંડ અભિશાપ સામે ઝઝૂમનારી લિન્ડાની જિંદગી સાચે જ આશ્ચર્યજનક લાગે. એના જન્મ પૂર્વે એનાં માતાપિતાને ગર્ભમાં રહેલા બાળકની સ્થિતિ વિશે કોઈ અંદાજ નહોતો. લિન્ડા હૉલ્ટહોરમ નામની વ્યાધિ સાથે જન્મી. આ એક એવી વ્યાધિ હતી કે જે વ્યક્તિનું જીવન અતિ બદતર બનાવી નાખે છે. આમાં એનાં
લિન્ડા હૉલ્ટ-હોરમ
76 • તન અપંગ, મન અડીખમ