________________
પૃથ્વી પર આંખો ખોલતાં શિશુઓના જીવનને તબાહ કરી નાખ્યું.
ક્યારેક જિંદગી એવો રંગ બતાવે છે કે જેને કોઈ વિજ્ઞાની પણ સમજી શકતો નથી. ક્યારેક માણસ સાથે તકદીર એવો ખેલ-પ્રપંચ ખેલે છે, કે જેને માનવી બેબસ બનીને સ્વીકારે છે. માનવી પર આવેલી આપત્તિઓનો શાસ્ત્રગ્રંથો ઉત્તર આપી શકતા નથી. વિચારકો અને અનુભવીઓ પણ એને જોઈને ખામોશ બની જાય છે.
જિંદગીના રંગ અને તકદીરના ખેલનાં વાવાઝોડાંનો ઇરાકમાં ૧૯૯૧માં જન્મેલ અહેમદ અને ઇમેન્યુલ નામના બે ભાઈઓને તત્કાળ અનુભવ થયો. વિધાતાએ આ નાના ભૂલકાંઓની શી દશા કરી તેની તો વાત શી કરું ! પરમાણુ શસ્ત્રોની પ્રતિકૂળ અસરને પરિણામે આ બંને બાળકો હાથ-પગ વગરના જન્મ્યા ! માતાપિતા વિચારવા લાગ્યાં કે હાથ-પગ વગરનાં આ બાળકોને ઘરમાં કઈ રીતે રાખી શકાય ? એમનો ઉછેર આપણે કરી શકીશું ખરાં ?
આવાં બાળકોને જન્મતાંની સાથે જ એનાં માતાપિતા એમને ઇરાકના બગદાદ શહેરમાં આવેલા એક અનાથાશ્રમમાં છોડી ગયાં. મોટા અહેમદને અનાથાશ્રમના દરવાજે ત્યજી દીધો અને નાના ઇમેન્યુલને બાજુમાં આવેલા એક ઉદ્યાનમાં એક નાનકડી પેટીમાં મૂકી દીધો. માનવીની શસ્ત્રઘેલછાએ નિર્દોષ શિશુઓ પર બેરહમ સિતમ વરસાવ્યો.
અનાથાશ્રમના સંચાલકોને બે ત્યજાયેલાં શિશુઓ મળ્યાં. એમને માટે પણ આ મોટો પડકાર હતો. હાથ અને પગ વિનાનાં બાળકોની સંભાળ લેવી કઈ રીતે ?
પરંતુ જેનું કોઈ નથી એનો ઈશ્વર હોય છે અને એ રીતે આ બાળકોને ૧૯૯૮માં મોઇરા કેલી નામની એક દયાની દેવી મળી. મોઇરા કેલીએ દુનિયાભરનાં બાળકોને મદદ કરવાનો ભેખ લીધો છે. એની સંસ્થાનું નામ જ ‘ચિલ્ડ્રન ફર્સ્ટ ફાઉન્ડેશન'. એ બગદાદના અનાથાશ્રમમાં આવી. એણે અહેમદ અને ઇમેન્યુલને અતિ દુર્દશા વચ્ચે નરકની જિંદગી જીવતાં જોયા. સાત વર્ષનાં આ બાળકો અનાથાશ્રમમાં અરેરાટીભરી જિંદગી જીવતાં હતાં. મોઇરા કેલીએ આજથી બાર વર્ષ પહેલાં ઈ. 2000માં આ બે બાળકો
54 + તન અપંગ, મન અડીખમ
અહેમદ અને ઇમેન્યુલ સાથે આપવાની અનાથાશ્રમને વિનંતી કરી. બાળકો અત્યંત બદતર સ્થિતિમાં અનાથાશ્રમમાં જીવતાં હતાં, પરંતુ આવાં બાળકોને પણ બીજાને દત્તક આપવાની અનાથાશ્રમની કોઈ તૈયારી નહોતી. મોઇરા કેલીના પ્રયત્નો પર પાણી ફરી વળ્યું. એની વિનંતીઓ અનાથાશ્રમના સંચાલકોના બહેરા કાન પર અથડાઈ.
ગમે તે થશે, પણ અમે હરગિજ આ બાળકોને આપીશું નહીં, એવો ઉત્તર મળ્યો. મોઇરા કેલીના મનમાં તો એટલી જ ઇચ્છા હતી કે આ બાળકોને સાચવીને ઑસ્ટ્રેલિયા લઈ જાઉં. ઓસ્ટ્રેલિયાના વાતાવરણથી આ બાળકોને જીવવાની આશા મળશે. ઑસ્ટ્રેલિયાની અતિઆધુનિક ચિકિત્સા-પદ્ધતિનો લાભ મેળવી શકશે અને તકદીરની બલિહારી હશે તો એમને જિંદગી જીવવાનું આશાકિરણ સાંપડશે.
સંસ્થાની ઉપેક્ષા અને જનસમૂહનો ઉપહાસ મોઇરા કેલી સહન કરતી હતી, પણ મનમાં તો એમ હતું કે ગમે તે થાય, પણ આ બે બાળકોને માટે કશુંક કરી છૂટવું છે. એમને હાથ અને પગ નથી પણ એવું હૈયું આપું કે જેથી એ પોતાના પગ પર જીવી શકે. આખરે મોઇરા કેલીએ અદાલતનાં બારણાં ખખડાવ્યાં અને અનાથાશ્રમે આ યુવતીને હાથ-પગ વિનાના બે શિશુઓ આપ્યા. એમને લઈને મોઇરા કેલી ઓસ્ટ્રેલિયા આવી. મોઇરાને માટે આ કામ
કરુણાની દેવી • 55