________________
ગહન વિચાર કરીને પોતાની મર્યાદાઓને ઍરિક અવરોધરૂપ બનવા દેતો નહોતો. પ્રતિકૂળતાને અળગી રાખીને અનુકૂળતા સર્જવાની એની પાસે આગવી કુનેહ હતી. સાથોસાથ પોતાના દિલમાં બળતી સાહસની મશાલને સતત પ્રજ્વલિત રાખતો હતો, પરંતુ વિધિએ કંઈક જુદું જ નિર્માણ કર્યું હતું!
ધીરે ધીરે એ દૃષ્ટિ ગુમાવતો હતો, પરંતુ એનાથીય વધુ પ્રચંડ આઘાત તો ઍરિકને એ લાગ્યો કે મોટર અકસ્માતમાં એની માતાનું કરુણ મૃત્યુ થયું. ઘીમા છતાં મક્કમ પગલે આવી રહેલા અંધત્વ કરતાં વહાલસોયી માતાના અવસાનનો આઘાત એને અનેકગણો લાગ્યો. ઝાંખી પડતી દૃષ્ટિ સામે જીવન જીવવાના એના પ્રયાસમાં કૂવાથંભ ઢળી પડ્યો. ધીરે ધીરે અંધત્વ એને ઘેરી વળ્યું.
પહેલાં તો એને લાગ્યું કે અંધત્વ એ અંધારિયા કારાવાસની આજીવન કેદ છે. એ ઘરની બહાર નીકળતો અને બરફ આચ્છાદિત રસ્તા પર ચાલતાં વારંવાર ગબડી પડતો. એને નાની નાની વસ્તુઓ શોધવામાં ભારે મુશ્કેલી પડવા લાગી. આવી હાલતમાં મિત્રો પાસેથી ઊંચા ઊંચા પર્વતોનાં રમ્ય વર્ણનો સાંભળીને એની હતાશામાં વધારો થયો. એને એ પર્વતો જોવાની પ્રબળ ઇચ્છા જાગી હતી. મિત્રો અને આ પર્વત પરનાં દશ્યોનું મનોરમ વર્ણન કરતા હતા, પણ એને નિહાળવાની ઇચ્છા એના અંધત્વની સાથે આથમી ગઈ !
એની સામે મુશ્કેલીઓનો પહાડ ઊભો થઈ ગયો. એણે જોયું કે લોકો દૃષ્ટિવાન અને પ્રજ્ઞાચક્ષુ વચ્ચે આભ-જમીનનું અંતર જોતા હતા. એનું સાહસ એને પોકારી પોકારીને કહેતું હતું કે બંને વચ્ચે આવો કોઈ ભેદ છે જ નહીં. પર્વતોના આરોહણના એના સાહસને જોઈને ઘણા એમ કહેતા કે ‘તમે તમારી વિકલાંગ સ્થિતિ અંગે પહેલાં પૂરેપૂરો અભ્યાસ કરો' ત્યારે હસતાં હસતાં ઍરિક કહેતો કે ‘હું ઇચ્છું છું કે તમે ખરેખર તમારી જાત વિશે કશું સમજી શક્યા છો ખરા ? એનો અભ્યાસ કરો.’
પર્વતોના આરોહણની એની ઇચ્છા હવે સાહસની પરાકાષ્ઠા સર્જવા પર પહોંચી હતી. એણે મનમાં વિચાર કર્યો કે હવે આંબવો તો દુનિયાનો સૌથી ઊંચો ઍવરેસ્ટ આંબવો, પરંતુ એની સામે પહેલો સવાલ એ હતો કે આને માટે પર્વતારોહણની તાલીમ મેળવવી કઈ રીતે ? એ અમેરિકાના એરિઝોના
68 • તને અપંગ, મન અડીખમ
માઉન્ટ મૅકિન્શેના શિખર ડેનાલી પર આરોહણ કરતો પ્રજ્ઞાચક્ષુ ઍરિક વેહેનમેયેર
વિસ્તારમાં રહેતો હતો અને ત્યાં પર્વતારોહણના તાલીમની કોઈ વિશેષ સગવડ નહોતી. આમ છતાં ઍરિકને એવું આકર્ષણ હતું કે સમય મળે એ દૂર દૂર નીકળી જતો અને ઊંચા ઊંચા ખડકોની ટોચ પર ચડવાનો પ્રયાસ કરતો.
એ સમયે એરિઝોનાની સ્કૂલમાં અંધ ઍરિક ગણિત અને અંગ્રેજી વિષયના શિક્ષક હતા. ધાર્યું હોત તો શિક્ષક તરીકે નિરાંતે જિંદગી પસાર કરી શક્યા હોત, પરંતુ એમના ભીતરમાં રહેલી સાહસની વૃત્તિ એમને જંપવા દેતી નહોતી. એના પિતા અને એના ભાઈ રમતવીરો હતા અને તેથી એણે ઊંચા ખડકો પર ચડવાના કામનો પ્રારંભ કર્યો.
એ માનતો હતો કે માનવીની તાકાત અને મહેચ્છા પ્રબળ સંઘર્ષ અને નિષ્ફળતાની ક્ષણોમાં જ ખરી પ્રજ્વલિત થઈ ઊઠે છે. જ્યાં સુધી વ્યક્તિ પોતે સ્વયં સંઘર્ષની આગમાં પોતાની જાતને ઝીંકે નહીં અને જ્યાં સુધી એને લગાતાર નિષ્ફળતાનો અનુભવ થાય નહીં, ત્યાં સુધી એને પોતાની તાકાતનો અંદાજ આવતો નથી. આવા અનુભવો દ્વારા જ વ્યક્તિની તાકાત, ક્ષમતા અને દૃષ્ટિ ઘડાય છે. એણે પોતાના જીવનને અત્યંત કઠિન અનુભવો વચ્ચેથી પસાર કરવાનો નિર્ધાર કર્યો. બોસ્ટન કૉલેજના અંગ્રેજી મુખ્ય વિષય સાથે સ્નાતક
સાહસ પાડે સાદ • 69