Book Title: Sambodhi 2014 Vol 37
Author(s): J B Shah
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 187
________________ Vol. XXXVI, 2014 સંસ્કૃત સાહિત્યનો ગુજરાતી સાહિત્ય પર પ્રભાવ 179 તત્ત્વવિચારની અસર સ્પષ્ટ છે. વલ્લભમતની અસરથી દયારામની સમગ્ર કવિતા રચાઈ છે. સ્વામિનારાયણ સંતસાહિત્ય રામાનુજમતથી પ્રેરિત છે. આ જ રીતે ભગવદ્ગીતાની ફિલસૂફીનો ઘણો વ્યાપક અને ઊંડો પ્રભાવ ગુજરાતી સાહિત્ય પર જોઈ શકાશે. કોઈ ઇચ્છે તો ગીતા-વિષયક અને ગીતાપ્રભાવિત ગુજરાતી સાહિત્યનો એક અલગ વર્ગ બતાવી શકે. વૈદિક સાહિત્ય - ઔપનિષદિક સાહિત્યની જે પરંપરા ગુજરાતીમાં વિકસી તેમાં વેદોપનિષદોનો સીધો પ્રભાવ છે. એ ઉપનિષદ-શૈલીએ નૂતન ઉપનિષદો રચવાનાયે પ્રયત્નો થયા છે. સંસ્કૃત ભાષાએ સીધી રીતે નહીં તેટલો આડકતરી રીતે આધ્યાત્મિક-ધાર્મિક કાવ્યાદિક સાહિત્ય દ્વારા પોતાનો પ્રભાવ પ્રાદેશિક ભાષા-સાહિત્યો પર પાડ્યો છે. સંસ્કાર અને સંસ્કૃતિ સાથે સંલગ્ન તત્ત્વદર્શન કે ચિંતનવિચારના સાહિત્ય દ્વારા પ્રાદેશિક સાહિત્યપરંપરાઓના ઘડતર-વિકાસમાં સંસ્કૃત મહત્ત્વનું પ્રદાન કર્યું છે. ગુજરાતનું મધ્યકાલીન ધર્મરંગી સાહિત્ય જૈન તેમ જ જૈનેતર વિચારધારાઓને જોડે લઈને વિકસ્યું છે. આમાં જૈનેતર સાહિત્ય તો પ્રગાઢપણે વેદ, ઉપનિષદ, રામાયણ, મહાભારત-ગીતા, ભાગવતાદિ પુરાણો વગેરે સાથે તો જૈન સાહિત્ય આગમ આદિ સાહિત્ય સાથે સંલગ્ન છે. મૌલિક જણાતું કેટલું બધું સાહિત્ય સંસ્કૃત ધર્મસાહિત્ય-અધ્યાત્મસાહિત્ય-કાવ્યસાહિત્ય સાથે સંપૂક્ત છે ! રામ અને કૃષ્ણભક્તિ, શિવ અને શક્તિભક્તિનું સાહિત્ય, રામાયણ, ભાગવત, શિવપુરાણ, દેવીભાગવત વગેરેમાંથી કથાવસ્તુ લઈને ચાલ્યું છે. મધ્યકાલીન કવિઓને માટે મૌલિક્તાનો પ્રશ્ન પ્રાણપ્રશ્ન નહોતો, એમને તો યેનકેન પ્રકારેણ જ્ઞાન, ભક્તિ ને કર્મવિષયક ધાર્મિક પરંપરાઓની વાત કરી ઐહિક અને આમુખિક કલ્યાણ રળવું હતું. કેટલાકને માટે તો કાવ્ય માત્ર કથા-શ્રવણના ભક્તિકીર્તનના સાધનરૂપ હતું. આ પરિસ્થિતિમાં મધ્યકાલીન સાહિત્યમાં એકના એક વિષય પર અનેક રચનાઓ કરી. ભાગવતના દશમસ્કંધને કેન્દ્રમાં રાખી ભાલણ, ભીમ, કેશવદાસ કાયસ્થ, પ્રેમાનંદ, રત્નેશ્વર વગેરેએ કાવ્યકૃતિઓ આપી. ભાગવતાદિ સંસ્કૃત ગ્રંથોમાં નિરૂપિત કૃષ્ણલીલાને અનુસરી અનેક ભ્રમરપચીસીઓ, ચાતુરીઓ, રાસગરબીઓ, પદો, કીર્તનો વગેરે રચાયાં. અર્વાચીન કાવ્યસાહિત્યમાં પણ કૃષ્ણ છેક સાંપ્રત કવિની કવિતાનોય પ્રિય વિષય રહ્યો છે! અર્વાચીનકાળમાં નર્મદદલપતથી તે હરીન્દ્ર દવે અને સુરેશ દલાલ તથા માધવ રામાનુજ અને રમેશ પારેખ અને તે પછી પણ કૃષ્ણકવિતા ખેડાતી રહી છે. આ કાવ્યપરંપરા પર ભાગવતાદિ પુરાણોમાંની કૃષ્ણકથાની તેમ જ જયદેવ જેવા કવિ દ્વારા રચિત “ગીતગોવિંદ' વગેરેની પ્રત્યક્ષ યા પરોક્ષ અસર થયેલી જોવાનું મુશ્કેલ નથી. વળી કેટલાક સમયથી તો પુરાણોના આધારે નવલકથાઓ-નાટકો લખવાનો, વાર્તાઓ અને વાર્તિકો રચવાનો પ્રવાહ પણ ચાલે છે. કનૈયાલાલ મુનશી, પન્નાલાલ પટેલ, હરીન્દ્ર દવે, રઘુવીર ચૌધરી જેવા અનેક નવલકથાકારોએ સંસ્કૃત કાવ્ય-પુરાણકથાઓનો - કૃષ્ણકથાઓનો પોતપોતાની રીતે વિનિયોગ કર્યો છે. વળી પુરાણગત કર્ણ, અશ્વત્થામા, બાહુક, શિખંડી, સીતા, પાંચાલી, અહલ્યા, એકલવ્ય જેવાં પાત્રો લઈને કાવ્યો રચવાના પ્રયત્નો થયા છે. આપણાં અનેક ખંડકાવ્યોમાં પૌરાણિક કથાવસ્તુઓનો સરસ વિનિયોગ થયો છે. કાન્ત, કલાપી, નરસિંહરાવ, બોટાદકરથી માંડીને સુન્દરમ્, ઉમાશંકર,

Loading...

Page Navigation
1 ... 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230