________________
એક નાનકડી રચના મળે છે જેનું નામ છે “ભરતેશ્વર-બાહુબલિ ઘોર.' એના કર્તા વજસેનસૂરિ છે. ચાર ખંડમાં વહેંચાયેલી, ચોપાઈ, દોહરા, રોળા અને સોરઠા એ માત્રામેળ છંદોમાં લખાયેલી આ કૃતિમાં ભરત ચક્રવર્તી અને બાહુબલિનું કથાનક સંક્ષેપમાં વર્ણવવામાં આવ્યું છે. હેમચંદ્રાચાર્યના સમયમાં અપભ્રંશ ભાષાનો કાળ લગભગ પૂરો થવા આવ્યો હતો, એટલે એ સમયની જે કૃતિમાં ગુજરાતી ભાષાનાં સ્વતંત્ર લક્ષણો દેખાવા લાગ્યાં હોય તે કૃતિને ગુજરાતી ભાષાની કૃતિ તરીકે ઓળખાવી શકાય. તે પ્રમાણે ગુજરાતી ભાષામાં લખાયેલી સૌથી પહેલી કૃતિ તે આ ભરતેશ્વર-બાહુબલિ ઘોર’ છે એમ ગુજરાતી સાહિત્યના ઇતિહાસકારો અને સંશોધકો સ્વીકારે છે.
ભરતેશ્વર-બાહુબલિ ઘોર પછીની તરતની કૃતિ તે ઈ. સ. ૧૧૮૫માં લખાયેલી રાસકૃતિ “ભરતેશ્વર-બાહુબલિ રાસ છે. જ્યાં સુધી “ઘોરની શોધ નહોતી થઈ ત્યાં સુધી આ રાસ તે ગુજરાતી ભાષાની પ્રથમ કૃતિ છે એમ મનાતું હતું. અલબત્ત, ગુજરાતીમાં લખાયેલા રાસાઓમાં આ પહેલો રાસ છે. વીરરરપ્રધાન આ કૃતિ ભાષા તથા રાસના સ્વરૂપના અભ્યાસની દૃષ્ટિએ મહત્ત્વની પણ છે. એની રચના શાલિભદ્રસૂરિએ કરેલી છે. આ રાસમાં દુહા, સોરઠા, રોળા, ચોપાઈ જેવા માત્રામેળ છંદ તથા ગેય દેશીઓ તથા “વાણિ', “ધાત' અને “વસ્તુની પંક્તિઓને પંદર ખંડમાં વિભક્ત કરવામાં આવી છે અને તે પ્રત્યેક ખંડને ‘ઠવણિ (સ્થાપનિકા) એવું નામ આપવામાં આવ્યું છે.
આ રાસમાં ભારત અને બાહુબલિની સુપ્રસિદ્ધ જૈનકથા વર્ણવવામાં આવી છે. જૈનોના પ્રથમ તીર્થંકર ભગવાન ઋષભદેવ અયોધ્યાનગરીમાં રાજ્ય કરતા હતા. એમને સુનંદા અને સુમંગલા નામની બે રાણી હતી. સુમંગલાના પુત્ર તે ભારત અને સુનંદાના પુત્ર તે બાહુબલિ. પોતાના પિતા ઋષભદેવને કેવળજ્ઞાન ઉત્પન્ન થયાના સમાચાર ભરતે જ્યારે જાણ્યા ત્યારે પોતે સૌથી મોટા હોવાથી પિતાનું રાજ્ય મેળવી ચક્રવર્તી રાજા થવાની અભિલાષા એમનામાં જાગી. બીજા રાજાઓએ ભરતની આણ સ્વીકારી, પરંતુ એમના ભાઈ બાહુબલિએ આણ સ્વીકારવાની ના પાડી. આથી રોષે ભરાયેલા ભરત પોતાના ભાઈના પ્રાણ લેવા તત્પર બન્યા. ભરતે પોતાના દૂતને બાહુબલિ પાસે આણ મનાવવા માટે મોકલ્યો ત્યારે બાહુબલિએ જવાબમાં કહ્યું:
જઇ કિરિ સીહ સીયાલિંઇ ખાજઇ તુ બાહુબલિ ભૂય-બલિ ભાજઇ; જુ ગાઈ વાઘિણિ વાઈજઈ અરે, દૂત! તુ ભરત જિ જિપઈ.
૭ર આ સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org