________________
but the course of his life must be unusual, while seeming to be usual.”
વાર્તાનું પાત્ર સાચી અને જીવંત વ્યક્તિ લાગવી જોઈએ. એ સંકુલ, શંકાશીલ, વિલક્ષણ, સંજોગો સામે લડતી, પ્રલોભનોથી ખેંચાતી, કોઈક વાર પાપ પણ કરી બેસતી અને આખરે કદાચ વિજય મેળવતી એવી કોઈ પણ વ્યક્તિ હોય, પરંતુ વાતની શરૂઆતથી તે અંત સુધી એના જીવનમાં વાચકને રસ પડે એવી સુસંગત રીતે એનું આલેખન થવું જોઈએ.
એક પાત્રને આલેખવા, એની માનસિક પ્રક્રિયા પ્રગટ કરવા અને વર્તનમાં એના વ્યક્તિત્વને ઉતારવા વર્ણન અને નાટ્યાત્મક કાર્યની લેખકને જરૂર પડે છે. પાત્રનું વર્ણન બને તેટલું ઓછું અને જરૂરનું હોવું જોઈએ. એ વર્ણનમાં પાત્રનાં નામ, પહેરવેશ, બાહ્ય દેખાવ ઇત્યાદિ આવી શકે. અને તે લેખક પોતે કે બીજાં પાત્રો દ્વારા કે બીજાં પાત્રોનાં દૃષ્ટિબિંદુથી વર્ણવી શકે. નામ, પહેરવેશ અને વ્યક્તિના બાહ્ય દેખાવ સાથે વર્ણનમાં પાત્રના જીવનમાં આવતા વાંકવળાંકના કાર્યને સમજાવવાના હેતુથી પાત્રનું શિક્ષણ, તેનો સાંસ્કારિક વારસો, પૂર્વ અનુભવ વગેરેનું વર્ણન પણ સૂચન કે સંવાદ દ્વારા આવી શકે. પાત્રના બાહ્ય પહેરવેશ વગેરેનું વર્ણન તળપદું વાતાવરણ ઉપસાવવામાં અને પાત્રના માનસિક વ્યાપારો તથા ખાસિયતો સૂચવવામાં ઉપયોગી નીવડી શકે. વર્ણનમાં ઝીણી ઝીણી વિગતોને અકારણ સ્થાન ન હોવું જોઈએ. ચોક્કસ સંજોગોમાં મુકાયેલા પાત્રની જુદી તરી આવે એવી મુખ્ય તથા જેમાં કંઈક ઉપયોગી અર્થ સમાયો હોય એવી વિગતોનું જ અસરકારક વર્ણન થવું જોઈએ, કારણ કે દરેક સર્જકે ભાવકની કલ્પના પર કેટલુંક છોડી દેવાનું હોય
છે. -
લેખક ક્યારેક પાત્રની માનસિક ક્રિયાનું પૃથક્કરણ પણ કરી શકે છે. માનસિક તેમજ નૈતિક લાક્ષણિકતાઓ સૂચવવા, વિચાર અને લાગણીની છાયાઓ છતી કરવા અને જીવનનો રહસ્યસ્ફોટ દર્શાવવા કરેલા માનસશાસ્ત્રીય પૃથક્કરણ સાથે સંવાદની યોગ્ય અને સંભાળભરી પસંદગી થવી જોઈએ. કોઈ વસ્તુ અસ્પષ્ટ કે પરિણામ વિના રહી જતી હોય ત્યારે આવા પૃથક્કરણની અપેક્ષા રહે છે, પરંતુ પૃથક્કરણનું પ્રમાણ વધારે પડતું ન થઈ જાય તેની તકેદારી વાર્તાકારે રાખવી જોઈએ.
પાત્રોના નામાભિધાન પર પણ વાર્તાકારે પૂરતું લક્ષ આપવું જોઈએ. પાત્રોનાં નામો કંઈક વ્યક્તિત્વવાળાં અને એનાં વય, વાતાવરણ, કાર્ય, ક્ષેત્ર તથા વ્યવસાયને સમગ્રપણે અનુરૂપ એવાં ઔચિત્યયુક્ત અને યથાર્થતાવાળાં હોવાં જોઈએ. વિચિત્ર, તરંગી કે અસંગત નામો મર્મ કે કટાક્ષપ્રધાન વાર્તા સિવાય ન પ્રયોજાવાં જોઈએ.
૩૩૮ ક સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org