________________
વસ્તુની યોગ્ય અને અસરકારક ગોઠવણી માટે વાર્તાકારને વાતના જુદા જુદા આકારનો – વસ્તુ રજૂ કરવાની જુદી જુદી પદ્ધતિ કે શૈલીનો – આશ્રય લેવો પડે છે. ઘણીખરી વાર્તાઓમાં વાર્તાકાર પોતે વાર્તામાં પ્રવેશ કર્યા વિના આખીયે વાત એક ત્રીજી વ્યક્તિ તરીકે રજૂ કરે છે. વાર્તાની આ પ્રકારની પરલક્ષી નિરૂપણશૈલી સરળ, સલામત અને વધારે ફાવટવાળી છે. નિરૂપણશૈલીનો બીજો પ્રકાર તે આત્મલક્ષી શૈલીનો છે, જેમાં વાર્તાકાર પોતે વાર્તાકાર તરીકે અથવા તો વાર્તાના એક પાત્ર તરીકે વાર્તામાં પ્રવેશે છે. કેટલીક વાર વાર્તાના બીજા કોઈ પાત્રના મુખે લેખક આખી વાત કહેવરાવે છે. એ પાત્ર વાર્તાનું મુખ્ય પાત્ર હોય કે ન પણ હોય. આ પ્રકારની શૈલી ખાસ કરીને હાસ્ય અને કટાક્ષ માટે કે પાત્રપૃથક્કરણ માટે ઉપયોગી થઈ પડે છે. પરંતુ એ શૈલીમાં ભયસ્થાનો, સંવિધાનની મુશ્કેલીઓ અને મર્યાદાઓ પણ રહેલ છે. ખાસ કરીને ભય અને સાહસની કથાઓમાં આ આત્મલક્ષી શૈલીથી પરાકાષ્ઠા અને વેધકતા જોઈએ તેવાં લાવી શકાતાં નથી, કારણ કે વાર્તા કહેનાર વ્યક્તિ ગમે તેટલાં સાહસો કરે કે ગમે તેવા સંકટોમાં કે ભયમાં આવી પડે તોપણ વાતના અંત સુધી એનું અવસાન થવાનું નથી એવી વાચકને પહેલેથી ખાતરી થઈ જાય છે. પત્રોરૂપે અને ડાયરીરૂપે લખાતી વાર્તાઓ એ નિરૂપણશૈલીના બીજા પ્રકારો છે, પરંતુ અસાધારણ કુશળતા વિના એમાં સફળતા મળવી સહેલી નથી. પાત્ર, વસ્તુ કે વાતાવરણને વાર્તામાં અપાયેલા પ્રાધાન્ય પ્રમાણે સ્ટિવન્સન ટૂંકી વાતના ત્રણ પ્રકાર પાડે છે: જે વાર્તાઓમાં પાત્રને જ મહત્ત્વનું સ્થાન આપવામાં આવ્યું હોય એ પાત્રપ્રધાન વાર્તા, જેમાં વસ્તુને પ્રધાન સ્વરૂપ આપ્યું હોય તે વસ્તુપ્રધાન વાર્તા અને જેમાં ફક્ત વાતાવરણ વાર્તામાં મહત્ત્વનો ભાગ ભજવતું હોય છે તે વાતાવરણપ્રધાન વાત. આ ઉપરાંત વસ્તુ કે વિષયની દૃષ્ટિએ પણ સામાજિક, ઐતિહાસિક, જાસૂસી એવા પણ કેટલાયે પ્રકારો વાર્તાના પડી શકે છે.
આ બધું હોવા છતાં દરેક કલાકારને પોતાની અંગત શૈલી અને સંવિધાનકલા હોય છે. અને તે દ્વારા જ એની કલાકૃતિનું નિર્માણ થાય છે. વળી, સંવિધાનકલાના આવા નિયમો સર્વશ્રેષ્ઠ કૃતિઓ પરથી તારવેલા નિયમો હોય છે. આથી જ્યાં સુધી વસ્તુસંવિધાનનો હેતુ વાતને અને વસ્તુની રજૂઆતને વધારે ને વધારે રસિક બનાવવાનો છે ત્યાં સુધી, કોઈ પણ પ્રકારે વાત વધારે રસિક અને વધારે સચોટ બનાવી શકાતી હોય તો, સંકલન કે આયોજનની કોઈ પણ પદ્ધતિનો ત્યાગ કરવાને વાર્તાકાર સંપૂર્ણ સ્વતંત્ર છે. વાર્તામાં દોષ કે ક્ષતિ રહી ગયાં હોય છતાં વાર્તા જો કુશળ હોય તો એને ખૂબીથી ઢાંકી દે છે. એટલે વાર્તાનો રસ એ ક્ષતિને ક્ષમ્ય કરનાર મોટામાં મોટું બળ છે, કારણ કે રસના આવેગમાં વાચક પોતાના માર્ગમાં
૩૩૬ ૯ સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org