________________
પ્રશમસુખ સ્વાધીન છે. ભોગસુખમાં શરીરશ્રમ અને ધનવ્યય કરવો પડે છે. જ્યારે પ્રશમસુખમાં નથી તો શરીરશ્રમની જરૂર અને નથી તો ધનવ્યયની જરૂર. જરૂર છે માત્ર મનને કેળવવાની.'
પ્રશમસુખનો અનુભવ કરવા મનને કેળવીને અત્યાર સુધી ગૂંથેલી રાગ-દ્વેષની જટિલ જાળને છેદી નાખવી જોઇએ. પ્રસ્તુત ગ્રંથમાં રાગદ્વેષની આ જાળને કોણ છેદી શકે એના ઉત્તરમાં જિનાજ્ઞાપૂર્વક અપ્રમત્તપણે ચારિત્રનું પાલન કરનાર સાધુ મહાત્મા રાગ-દ્વેષની જાળને છેદી શકે છે એમ જણાવ્યું છે. ત્યાર બાદ જિનાજ્ઞાપૂર્વક અપ્રમત્તપણે ચારિત્રપાલન કરનાર સાધુ કેવો હોય, એના હૃદયની ભાવના કેવી હોય, એનું વર્તન કેવું હોય, આદર્શ સાધુ બનવા માટે કયા કયા ગુણો જોઇએ, નમ્રતા કેવી જોઇએ વગેરે વિષયોનું હૃદયંગમ વર્ણન છે. આથી દરેક સાધુ ભગવંતે અને સાધ્વીજી મહારાજે આ ગ્રંથને કંઠસ્થ કરીને વારંવાર તેનું અધ્યયન અને અધ્યાપન કરવું જોઇએ.
સાધુના આચારોનું પાલન સાધુતાનું ભૂષણ છે. જેમ જેમ સાધુના આચારોનું પાલન મજબૂત બને છે તેમ તેમ સાધુતા અધિક ખીલે છે. સાધુના આચારોનું પાલન વૈરાગ્ય આદિના આધારે થાય છે. સાધુમાં જેમ જેમ વૈરાગ્ય પ્રબળ બને તેમ તેમ આચારોના પાલનનો ઉત્સાહ પણ પ્રબળ બને છે. વૈરાગ્ય પ્રબળ બનાવતા આવા ગ્રંથોનું અધ્યયન ઘણું જ જરૂરી છે. જો પૂ. સાધુ ભગવંતો અને સાધ્વીજી મહારાજો વૈરાગ્ય અને આચારના ઉપદેશથી છલકાતા આવા ગ્રંથોને કંઠસ્થ કરીને તેના અર્થને આત્મસાત્, કરે તો સાધુના આચારોમાં શિથિલતા ન આવે અને આવેલી શિથિલતા ભાગવા માંડે. | આ ગ્રંથ મુખ્યતયા સાધુને ઉદેશીને લખાયો હોવા છતાં ગૃહસ્થોને પણ ઉપયોગી છે. આમાં પ્રારંભમાં કરેલું વિષયોની ભયંકરતાનું વર્ણન ગૃહસ્થોના વિષયરાગના વિષને નિચોવી નાખનાર પરમ મંત્રરૂપ છે. જો ગૃહસ્થો આ ગ્રંથને ચિંતન-મનન પૂર્વક વાંચીને આત્મસાતુ બનાવે તો તેમની વૈરાગ્યભાવના વધે અને દીક્ષાની ભાવના પ્રબળ બને. ૧. ૨૩૭મી ગાથા જુઓ. ૨. ૫૮મી (વગેરે) ગાથા જુઓ.