Book Title: Prabuddha Jivan 1997 Year 08 Ank 01 to 12 Author(s): Ramanlal C Shah Publisher: Mumbai Jain Yuvak Sangh View full book textPage 7
________________ તા. ૧૬-૧-૯૭ પ્રબુદ્ધ જીવન આવી જાતનું અતડાપણું અને કૃત્રિમતા રાખવાનો અર્થ એ થાય કે પોતે પણ એકલવાયાપણું અનુભવવું અને બીજાઓને પણ તેવી લાગણીનો અનુભવ કરાવવો, પરિણામે યંત્રની જેમ જવું-આવવું, મુસાફરી કરવી, પડોશમાં રહેવું, નોકરી કરવી, મંદિરે જવું, સભામાં બેસવું એવું શહેરી જીવન બની ગયું છે. જો આપણે કોઇની સાથે મીઠાશથી અમસ્તી વાત કરીએ એટલે તે વ્યક્તિને એમ જ લાગે કે આપણને તેનામાં કંઇક સ્વાર્થ છે. અન્ય જોનારાઓ પણ એમાં આપણાં સ્વાર્થનો જ અર્થ ઘટાવે. આધ્યાત્મિક કે ધાર્મિક જીવન જીવવા માટે એવો આદેશ છે કે માણસે કોઇ વખત અજાણ્યા માણસ સાથે પણ નિઃસ્વાર્થભાવે વાત કરવી અર્થાત્ ભાવપૂર્વક વાત કરવી. આજના યુગમાં આવી તક મેળવવાની બાબત મોટા પુરુષાર્થની બની ગઇ છે. અમેરિકામાં કેટલાક લોકો સાથે રીવોલ્વર લઈને ફરે છે. આવી સ્થિતિ ઋષિમુનિઓનાં ભારતમાં પણ હવે ડોકિયું કરી રહી હોય એમ લાગે છે. સ્વાર્થનો વિસ્તાર ઘણો મોટો છે. કોઇની પાસેથી તદ્દન સામાન્ય માહિતી મેળવવાથી માંડીને અદાલતમાં કેસ દાખલ થઇ શકે તેટલી હદ સુધીનો સ્વાર્થનો વિસ્તાર જાણે સામાન્ય બાબત ગણાવા લાગી છે ! આપણે કોઇને આપણી કંઇ વાત જણાવીએ તો આપણને એ માણસ ચોંટે. એ માત્ર ‘હાઉ' નથી રહ્યો, પણ માણસ સ્પષ્ટપણે તેમ માનીને અતડાપણાનો કૃત્રિમ મહોરો પહેરીને રહે જ છે. પરિણામે બે સહકાર્યકરો, પડોશીઓ, સંબંધીઓ વગેરે વચ્ચે જાણે અભેદ્ય દિવાલ રચાઇ હોય તેવી પરિસ્થિતિ છે; પોતાનાં જ કુટુંબીજનોમાં આ અંગે કેવી પરિસ્થિતિ છે તે તો વ્યક્તિએ પોતે જ નક્કી કરવું પડે. આજે શહેરના શિક્ષિત લોકોનું ચિત્ર કંઇક આવું છે. કેટલાંક મોટાં શહેરોમાં સુશિક્ષિત લોકો, શિક્ષકો, પ્રાધ્યાપકો, પ્રિન્સિપાલો, વાઇસ-ચાન્સેલર, વિદ્વાનો, લેખકો, મોટા અમલદારો, વકીલો, ન્યાયાધીશો, ઇજનેરો વગેરે સારી સંખ્યામાં હોવા છતાં તેવા કેટલાક વર્ગોમાં જ્ઞાનગોષ્ઠિ, વિચારોની આપલે જેવા કાર્યક્રમો ખાસ જોવા ન મળે એ એક અનેરું આશ્ચર્ય નથી ? આ શિક્ષિત વર્ગના સૌ કોઇ કેમ વધારે પૈસા મળે એ સિવાય જાણે તેમને સરસ્વતીની ઉપાસનામાં રસ નથી એવી પરિસ્થિતિ છે. કેટલાયે શિક્ષકો, પ્રાધ્યાપકો, પ્રિન્સિપાલો, અમલદારો વગેરે તેમનાં યુનિયનોમાં જીવંત રસ લે છે; પગારવધારો, સગવડો, યોગ્ય સ્થાન વગેરેના પ્રશ્નોમાંથી તેઓ ઊંચા આવતા નથી. યુનિવર્સિટી સરસ્વતીની ઉપાસનાનું કેન્દ્ર હોવા છતાં સિન્ડીકેટમાં સ્થાન મેળવવું, પોતાનું ધાર્યું થાય તે માટેની જૂથબંધી રચવી, ઉચ્ચ સ્થાનો મેળવવાં અને વધારે આર્થિક લાભ થાય તે માટેના કજિયાઓનું કેન્દ્ર બને એ માટે શું કહેવું? આવિદ્વાનોને નિઃસ્વાર્થભાવે અલ્પ સેવાનું વલણ રહેતું હશે કે કેમ એ પ્રશ્ન છે. પરિણામે વેપારીઓ અને શિક્ષિત વર્ગ વચ્ચે ખાસ ફ૨ક ૨હેવા પામ્યો નથી. જે વર્ગ સમાજની આંખ ગણાય તેમાં જ અંધાપો આવી ગયો છે. આ પરિસ્થિતિમાં તેમની કદર ન થાય કે તેમને માન ન મળે એટલે તેઓ રોષે ભરાય અને સમાજને જ્ઞાન નથી જોઇતું, પણ દ્રવ્ય જોઇએ છે એમ કહીને પોતાની વાત વ્યાજબી છે એવું સાબિત કરવાનો સંતોષ અનુભવે. એક બાજુથી શહેરોમાં અતડાપણું અને રખે કોઇ ચોટે કે ત્રાસ આપે એવી શંકાથી કૃત્રિમતાનો મહોરો પહેરીને રહેવાનું જીવન અને બીજી બાજુથી જે શિક્ષિત લોકો પાસે કંઇ સારી બાબતની અપેક્ષા રહે તે શિક્ષિત લોકો વેપારીઓ અને અમલદારોનું અનુકરણ કરી તેમના જેવી સ્વાર્થવૃત્તિ ધરાવતા બન્યા છે. આજે પણ શહેરોમાં નવા આગંતુક માટે તો ઊંચે આભ અને નીચે ધરતી જેવી પરિસ્થિતિ છે. વસતિ કે ભીડ ગમે તેટલી હોય પણ જ્યાં હૃદય નથી, જ્યાં ભાવશૂન્યતા છે, ઘડિયાળનો કાંટો સર્વસ્વ છે અને જ્યાં પૈસો મારો પરમેશ્વર છે તે શહેરોના ભરચક રસ્તાઓ સૂના છે, ગીચ શેરીઓ વેરાન છે અને આવાં શહેરોમાં ફરતાં જાણે ઉજ્જડ સ્થળમાં ફરી રહ્યા છીએ એવો દુઃખદ જ્યાં અનુભવ થાય છે. ગીચ શહેરોમાં માણસને એકંદરે આવી લાગણી થાય છે, ‘હું આટલા બધા માણસોની વચમાં છું તેથી વસતિની દૃષ્ટિએ લગભગ નિર્જન અને માનવસ્વભાવની દૃષ્ટિએ વિકરાળ ગામડાંઓ કરતાં હું વધારે સલામત છું.’ આવી તેની અંગત માનસિક લાગણીનો તેને સંતોષ જરૂર રહે છે, પરંતુ તેથી તેનાં એકલવાયાપણાનું તેને સમાધાન તો નથી જ થતું. અલબત્ત જ્યારે કોમી હુલ્લડો કે ત્રાસવાદની પરિસ્થિતિ બને છે ત્યારે તેને શહેરોની વિકરાળતાનો પ્રત્યક્ષ અનુભવ થાય છે, તો પણ ગામડામાં કાયમી વસવાટ માટે તેને આકર્ષણ થતું જ નથી. ગામડાં શબ્દાર્થમાં અને ભંગાર્થમાં બંને રીતે સૂનાં છે. જ્યારે શહેરો માત્ર વ્યંગ્યાર્થમાં સૂનાં છે. શહેરોનો આ સૂનકાર દૂર ન થાય ? થાય જ. શી રીતે ? શિક્ષિત લોકો થોડા જ, અરે, અલ્પતમ નિઃસ્વાર્થી અને ઉદ્યમી બને તો શહેરોનો સૂનકાર દૂર કરવામાં તેઓનો ઘણો ફાળો સાબિત થાય. સિનેમાગૃહો, વિવિધ કલબો વગેરે ભલે હોય, પણ તે શહેરોનો સૂનકાર દૂર કરવા માટેનાં જોઈએ તેટલાં સક્ષમ સાધનો નથી. શિક્ષિત લોકોએ શહેરોમાં અભ્યાસવર્તુળો નિષ્ઠાપૂર્વક રચવાં જોઇએ. આજે શહેરોમાં વસતિ અને અંતર વધ્યાં છે, તેથી શહેરનાં દરેક વિભાગમાં વિવિધ પ્રકારનાં સંગઠનો અને વ્યવસ્થિત અભ્યાસવર્તુળો રચવાં જોઈએ. એનો હેતુ છે વિચાર વિનિમય. આથી લોકો બૌદ્ધિક રીતે પ્રવૃત્ત બને છે અને મહત્ત્વનું જાણવા પામે છે જે જીવનને સમૃદ્ધ અને ઉજ્જવળ બનાવી શકે. અલબત્ત એમાં નિષ્ઠા હોવી જોઇએ. આ કાર્યની જવાબદારી વહન કરતાં જૂથમાં સહૃદયતા અને નિષ્ઠા હોય તે જ કાર્યકરોની શોભા ગણાય. આગળ આવવાનો હેતુ હોય કે મહિલાઓ સાથે સંપર્કની શક્યતા રહેશે એવો હેતુ હોય તો વર્તુળનું પરિણામ શૂન્ય આવવાનું. જ્ઞાનપ્રસારણ સાથે ભાઇચારાનું વાતાવરણ રહે અને તે દ્વારા અનિવાર્ય બાબત ગણાવી ઘટે. એકબીજા પ્રત્યે નિઃસ્વાર્થભાવ ઉદભવે માનવતાના ગુણો વિકસે એવી ભૂમિકા આવાં અભ્યાસવર્તુળોની તો જ આ અભ્યાસવર્તુળોની સફળતા ગણાય. શહેરનો સૂનકાર દૂર કરવા માટે આનાથી પણ વધારે મહત્ત્વનું જુદા જુદા ધર્મો અને તેના વિવિધ સંપ્રદાયો છે. તેથી દરેક ધર્મના તત્ત્વ તો છે લોકસેવાની પ્રવૃત્તિનું અને ધર્મ-ભક્તિનું. આપણા દેશમાં સંપ્રદાયોએ પોતાનું સત્સંગ મંડળ સક્રિય રાખવું જોઇએ, દુઃખી, પીડિતો વગેરે માટેનાં સેવાકાર્ય અંગેના કાર્યક્રમો અનુકૂળતા પ્રમાણે ગોઠવવા જોઇએ. મનની ઉદારતા અને સર્વધર્મ સમભાવ ઉદ્ભવે તો આવાં મંડળોની સફળતા ગણાય. શહેરમાં ધર્મ, ભક્તિ, જ્ઞાન અને માનવસેવાનો ગુંજારવ ચાલતો રહેશે તેમ લોકોનાં હૃદયમાં માનવતા, સહાનુભૂતિ અને ભાવનાં ઝરણાં વહેવા લાગશે. તેથી શહેરનાં ભીડ, ગીચતા, સંકડાશ વગેરેમાં અનોખી સુગંધ પ્રસરી રહેશે અને જીવનના સુંદર વિકાસ માટે ઉલ્લાસ અને તરવરાટ રહેશે. આજે પણ માણસ ધર્મસંસ્થા સાથે સંકળાયેલો તો છે જ, પરંતુ સઘળા માણસો ધર્મસંસ્થાઓ સાથે એકરૂપ બનતા નથી, તેમ સમાજ પ્રત્યેના વ્યવહારનો તેમનો અભિગમ ચીલાચાલુ જ બની રહે છે. તો આ પ્રવૃત્તિઓ શહેરોમાં તેમજ ગામડાંઓમાં ચાલે છે, નથી ચાલતી એવું નથી; તેમાં પણ કોઇ કોઇ શહેરોમાં આ પ્રવૃત્તિ વેગથી પણ ચાલે છે. વસ્તુતઃ શહેરી જીવનની એકવિધતા, યંત્રવતતા, કૃત્રિમતા, વધુ પડતી ઔપચારિકતાને કારણે શહેરોમાં વસતિની વચ્ચે પણ જે એકલતા અનુભવાય છે તે આવા કેટલાક અને બીજા પણ ઉપાયો યોજવાથી દૂર થશે અને માનવ માનવની નજીક આવી ‘મારું પણ કોઇક છે’ એવી લાગણી અનુભવશે.Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 148