________________
વાચકો મને લખતો રાખે છે . .
પ્રબુદ્ધ વર્ગ સાથે ગોષ્ટી એ મારો જીવન-૨સ છે. એ પછીના ક્રમે આવે જીવંત શબ્દો સાથેનું સંવનન. ત્યાર બાદ આવે છે લેખનનો વારો. એ પણ, અંતરના ઊંડાણમાંથી ઝરણું ફૂટીને બહાર આવવા મથતું હોય ત્યારે જ લખવાનો પ્રયત્ન કરવો ગમે. એ મથામણ અંદર ચાલુ હોય, સરવાળા બાદબાકી મંડાતા હોય; પછી જે નીપજે તે મારું લખાણ. તેમાં પણ વધઘટને અવકાશ હોય જ. જોડાણ કરવું કે રંધો મારવો --એવા એવા સુધારાનો પૂરો અવકાશ પણ હોય !
છતાં, બોલાયેલા શબ્દો કરતાં લખેલા શબ્દોના પ્રતિભાવ, અનપેક્ષિતપણે અનુકૂળ, સુંદર અને ઉત્સાહવર્ધક રહ્યા છે.
તેથી, આળસ તરફ ઢળેલું મન થોડું ટટ્ટાર થાય, અંદર ઘુંટાતું હોય તેને કાગળ-કચોળામાં ઠાલવવા પ્રયત્ન થાય, એને પૂર્વ-પુરુષોના વચનોની ભાવનાનો પુટ મળે, પછી મને જે જે ગમ્યું હોય તે ગમાડવા, લેખિની દ્વારા પ્રવાહિત થઈ કાગળ પર ઊતરે. આમ આ યાત્રા આગળ આગળ ચાલતી રહે.
‘પાઠશાળા’ ના માધ્યમથી અનેક વાચકો સુધી પહોંચવાનું બન્યું. કયું લખાણ કોને અને ક્યારે, એની દીવીમાં તેલ પૂરવાની ગરજ સારે તે કહેવું મુશ્કેલ છે. છતાં, કો'ક કો'ક વાચકોના પ્રતિભાવ જાણવા મળે ત્યારે આ લખનારે સાર્થકતાની અને સંતોષની લાગણી અનુભવી છે.
‘પાઠશાળા’માં એક જુની કવિતા - ‘જિંદગી જેલ જેવી કે વેઠ જેવી નથી નથી, શાળા છે એ પ્રયોગની... ’ આ પંક્તિની સાથે થોડું વિવરણ ઉમેર્યું હતું. તે વાંચીને એક વાચક, જેના મનમાં નિરાશાનો સંપૂર્ણ અંધકાર છવાઈ ગયો હતો તેમાં અજવાળું અજવાળું પથરાયું અને નવી આશાનો સંચાર થયો ! એમણે જ્યારે પત્ર લખી મને જણાવ્યું ત્યારે મને પણ અહોભાવ થયો : અહો ! શું વાત છે ! આવી અસર થાય છે !
આવું બને છે ત્યારે ન લખવાની આળસ વરાળ થઈને ઊડી જાય છે. વાચકો ઝીણવટથી વાંચે છે, તેમના ચિત્ત પર એની અસર પણ થાય છે. આવા લખાણની ઉત્કંઠાપૂર્વક રાહ જોવાય છે. ક્યારેક સમયસર વાંચવા ન મળે તો અધીરાઈ થાય છે, પૃચ્છા થાય છે. આ બધુ મને ગમે છે.
લખાણમાં ચિત્ત આપમેળે પરોવાતું નથી હોતું. સામે કોઈ ને કોઈ નિમિત્ત-આલંબન જોઈતું હોય છે. તેવું નિમિત્ત વાચકો તરફથી મળે છે. તેમાં યે પહેલું નામ રમેશભાઈનું છે. ત્યાંથી શરુ કરીને ખૂણે-ખાંચરે, કોઈ બહુ જાણીતા નહીં એવા, ગામડાના ગામડીયા લાગતા વાચક સુધી એ યાદી લંબાય છે. આમ લેખક-વાચકનો નાતો ભલો બંધાયો છે.
ચાલે છે. નભે છે. બન્ને પક્ષે લાભ છે એનો આનંદ છે.
જે લખાય છે તેનો યશ વાચકોને ફાળે છે.
આ યાત્રા હજુ આગળ વધશે, વધારવી પડશે એમ લાગે છે. ભલે વધે. વાચકોનો ઉમળકો હોય તો તેમ પણ બને. મારો સાથ રહેશે. વાપવ્હેચ્છા વનીયસી -મત્તમ્।।
Jain Education International
For Private & Personal Use Only
અનુક્રમ : સાત
www.jainelibrary.org