________________
૧૬
પદાર્થ પ્રકાશ ભાગ-૨
દ્રવ્યાનુયોગના ચિંતનમાં ચિત્ત એકાગ્ર થતાં ચિત્તમાં ઉત્પન્ન થતા વિક્ષેપો, વિકલ્પો, રાગ-દ્વેષના તરંગો, વિષયના મોજાઓ વિલીન થઈ જાય છે, એટલે દ્રવ્યાનુયોગથી ચારિત્રની શુદ્ધિ પણ પ્રાપ્ત થાય છે.
જૈન સંઘના પરમ ભાગ્યોદયથી વર્તમાનમાં શ્રમણ તથા શ્રમણીઓની સંખ્યા વધતી જાય છે. એટલું જ નહિ, આમાં બુદ્ધિશાળી યુવાનવયના સાધુ-સાધ્વીઓની સંખ્યા પણ ઘણી જ વિશાળ છે. ચારિત્રધર્મને પામેલા આ પૂજ્યોનો જો દ્રવ્યાનુયોગમાં અને ગણિતાનુયોગમાં વધુ ને વધુ પરિશ્રમ થાય તો સંઘમાં દર્શન, જ્ઞાન, ચારિત્રનું વિશિષ્ટ બળ ઉત્પન્ન થાય અને તેના પ્રભાવે માત્ર જૈન સંઘ પરના નહીં પરંતુ વિશ્વ પર છવાયેલા ભયંકર અજ્ઞાનના વાદળો પણ વિખરાઈ જાય...
પદાર્થપ્રકાશ ભાગ-૧માં જીવવિચાર અને નવતત્ત્વના પદાર્થોનો સંગ્રહ પ્રગટ કર્યા પછી પદાર્થપ્રકાશ ભાગ-૨ માં દંડક-લઘુસંગ્રહણીના પદાર્થોનું પ્રકાશન થઈ રહ્યું છે. આમાં દંડક પ્રકરણમાં દ્રવ્યાનુયોગની જ મુખ્યતા છે. જ્યારે લઘુસંગ્રહણી (જંબૂદ્વીપ સંગ્રહણી) માં દ્રવ્યાનુયોગ સાથે ગણિતાનુયોગનું પણ મિશ્રણ છે.
દંડકના રચયિતા શ્રીધવલચંદ્રમુનિના શિષ્ય શ્રીગજસારમુનિ છે. લઘુસંગ્રહણીના રચયિતા શ્રીહરિભદ્રસૂરીશ્વરજી મહારાજા છે.
દંડક નામના ત્રીજા પ્રકરણમાં ચોવીશ દંડકમાં ચોવીશ દ્વારની વિચારણા કરી છે. જ્યારે લધુસંગ્રહણીમાં જંબુદ્વીપનું વર્ણન કરવામાં આવેલ છે. લધુસંગ્રહણીમાં જંબૂદ્વીપના પદાર્થોની સરળતાથી સમજ પડે તે માટે કેટલાંક ચિત્રો આમાં દાખલ કર્યા છે. લઘુસંગ્રહણીના આ ગ્રન્થમાં જંબુદ્વીપનું સંક્ષિપ્ત વર્ણન છે. વિસ્તૃત વર્ણન જાણવાની ઈચ્છાવાળાઓએ લઘુક્ષેત્રસમાસ તથા બૃહક્ષેત્રસમાસ જોવા જરૂરી છે.