________________
પદાર્થ પ્રકાશ ભાગ-૨
૧૫ અને શ્રાવકોના આચારોનાં પ્રતિપાદક ગ્રન્થો જેમકે આચારાંગ, ઉત્તરાધ્યયન, ઓઘનિર્યુક્તિ, પિંડનિર્યુક્તિ, દશવૈકાલિક, શ્રાવકધર્મપ્રજ્ઞપ્તિ, શ્રાદ્ધદિનકૃત્ય વગેરેનો સમાવેશ આમાં થાય છે.
ધર્મકથાનુયોગમાં ધાર્મિક કથાઓ, ચરિત્રોનો સમાવેશ થાય છે. જેમકે જ્ઞાતાધર્મકથા, ઉપાસકદશાંગ, અંતગડદશાંગ, ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર, મહાબલચરિત્ર વગેરે અનેકવિધ ગ્રન્થો આમાં આવે છે.
ધર્મકથાનુયોગ બાળજીવોને ધર્મ પમાડવામાં ઉપયોગી છે. ચરણકરણાનુયોગ આચારશુદ્ધિમાં ઉપયોગી છે. જ્યારે દ્રવ્યાનુયોગ અને ગણિતાનુયોગ ચિત્તવિશુદ્ધિ તથા ચિત્તની એકાગ્રતા પ્રાપ્ત કરવાનું પરમ સાધન છે; અને માટે જ આ બે અનુયોગ શુકલધ્યાનમાં પણ કારણભૂત બને છે. આ બંને અનુયોગો કર્મનિર્જરામાં શ્રેષ્ઠ કારણરૂપ છે. સમ્યગુદર્શનમાં પણ દ્રવ્યાનુયોગ મહાન નિમિત્ત છે. દ્રવ્યાનુયોગના ચિંતનમાં ચિત્તની એકાગ્રતા વધુ થાય છે, કેમકે તેનો વિષય ઊંડો અને ગહન છે, અને જ્ઞાનોપયોગમાં એકાગ્ર થયેલ ચિત્ત જ્ઞાનાવરણ કર્મની અપૂર્વ નિર્જરા કરાવે છે. જ્ઞાનાવરણ કર્મની સાથે મોહનીય કર્મનો ક્ષયોપશમ વધુ ને વધુ થતો જાય છે. એટલે સમ્યગદર્શનની અને ચારિત્રની શુદ્ધિ પણ દ્રવ્યાનુયોગથી થાય છે. માટે જ શાસ્ત્રકારોએ વ્યા હંસાનુદ્ધી' દ્રવ્યાનુયોગથી દર્શનશુદ્ધિ કહી છે.
વળી દ્રવ્યાનુયોગનો અભ્યાસ કરતાં સૂક્ષ્મ અને ગહન પદાર્થોનો જેમ જેમ બોધ થાય છે તેમ તેમ આત્માને અનેરો આનંદ થાય છે અને આવા સૂક્ષ્મ ગહન પદાર્થોની પણ વિસંવાદ વિના પ્રરુપણા કરનાર શ્રી તીર્થકર ભગવંતો પર (અનન્ય) શ્રદ્ધા વધતી જાય છે, અને તેથી પણ સમ્યગદર્શન વધુ નિર્મળ બને છે.