________________
મેરુ પર્વત ઉપર પરમાત્માનો જન્મ મહોત્સવ ઉજવે છે. ભવ્ય રીતે જન્મ મહોત્સવ ઉજવી રહ્યા પછી પરમાત્માને માતાપિતા પાસે સોંપી પોતે સર્વ નંદીશ્વર દ્વિપમાં જઈ ત્યાં અઠ્ઠાઈ મહોત્સવ કરે છે. ભગવંતના માતાપિતા પરમાત્માનો ભવ્ય જન્મ મહોત્સવ કરે છે. જેમાં સૂર્યદર્શન, ચંદ્રદર્શન, નામસ્થાપના વગેરે કરે છે.
પરમાત્માને ગર્ભકાલથી જ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન એમ ત્રણ જ્ઞાન હોય છે. તેઓ પરમ વૈરાગ્ય ભાવમાં રમતાં હોય છે. સંસારનાં એક પણ પદાર્થમાં લેશમાત્ર રાગ તેઓને હોતો નથી. લગ્ન, રાજ્યગ્રહણ, પુત્રપાલન, સંસારનાં ભોગો વગેરે દરેક ક્રિયાઓમાં પોતાનું ઔચિત્ય અને જે ભોગાવલી કર્મ બાકી હોવામાં કારણે કરવી પડે માટે કરે છે. જયારે દિક્ષાનો સમય થાય ત્યારે નવલોકાંતિક દેવો આવી પોતાનાં આચાર પ્રમાણે પરમાત્માને તીર્થ પ્રર્વત્તાવવા માટે વિનંતી કરે છે. તે પછી પરમાત્મા વર્ષીદાન આપી દેવદાનવ અને માનવોએ કરેલા મહોત્સવ પૂર્વક પ્રવ્રજયા ગ્રહણ કરે છે. પ્રવજયા ગ્રહણ કર્યા પછી દેવ-દાનવ, માનવ અને તિર્યંચો દ્વારા કરાયેલા અનુકૂલ-પ્રતિકૂલ ઉપસર્ગો અને પરિષહ સમતા ભાવે સહન કરતાં., આત્મ ભાવમાં રમણતા કરી, ક્ષયકશ્રેણી માંડવા દ્વારા ચારઘાતકર્મનો ક્ષય કરી ઉત્તમ એવા કેવલજ્ઞાન, કેવલદર્શન, પ્રાપ્ત કરે છે. કેવલજ્ઞાન પ્રાપ્ત થયા પછી એમનો તીર્થંકર નામકર્મનો વિપાકોદય શરુ થાય છે. તે પછી તીર્થ સ્થાપના, ગણધર સ્થાપના, ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે. દરરોજ બે પ્રહર બાર પર્ષદા સમક્ષ, ત્રણ ગઢમાં અષ્ટમહાપ્રાતિહાર્ય યુકત ચોવીશ અતિશયોથી અલંકૃત અરિહંત પરમાત્મા પાંત્રીશ વાણીથી અલંકૃત સ્યાદ્વાદથી શોભતી સમભંગી, નયનિક્ષેપાનાં ગુણો સહિત દેશના ફરમાવે છે. જે દેશના ફરમાવવાનાં કારણે પરમાત્મા ભવ્ય જીવોનાં મહાગોપ, મહાનિર્ધામક, મહાસાર્થવાહ, મહામાહણ વગેરે રૂપે ત્રણ ભુવનમાં પ્રસિદ્ધ થાય છે. એ પ્રમાણે જગતની અંદર પોતાનાં ધર્મતીર્થ દ્વારા અનેક આત્માઓને તારતા, ભવપાર ઉતારતાં, અંતિમ સમય આવે ત્યારે અનશનને આરાધી, શૈલેશીકરણ કરી બાકી રહેલાં ચાર અઘાતિ કર્મનો ક્ષય કરી મોક્ષ લક્ષ્મીને વરે છે. આ પરમાત્માનું નિત્ય ધ્યાન ધરતાં, આરાધતા, સાધતા જેમ ઈયલ ભમરીનાં ધ્યાનમાં રહેવાધી ભમરી બને છે. તેમ આપણો આત્મા પણ અરિહંત સ્વરૂપ પ્રાપ્ત કરી શાશ્વત સુખનો ભાગી બની શકે એ જ અભિલાષા...