________________
૧. અરિહંત પદ
પરમોપકારી શ્રી જીનેશ્વર ભગવંતના શાસનમાં આત્માને પરમાત્મ ભાવ તરફ લઈ જવા માટેના અનેક યોગો બતાવેલા છે. તે દરેક યોગો આત્મા પોતાની યોગ્યતા, ભવિતવ્યતા પ્રમાણે આરાધી પોતાનું શ્રેય: સાધી શકે છે. તે યોગોની અંદર નવપદની આરાધના પણ એક અનુપમ સાધન છે. કે જેની અંદર તત્વત્રયી અને રત્નત્રયી સ્વરુપ જીનશાસનનું હાર્દ રહેલ છે. આ નવપદમાં અરિહંત પદ
મોખરે છે. કારણ કે અરિહંત પરમાત્માના આત્માઓ પોતાનાં આત્માને સંસારમાં રીબાતા આત્માના દુ:ખોથી ઉત્પન્ન થયેલી દ્રવ્ય અને ભાવ કરુણા ભાવનાના આલંબને પૂર્વના ત્રીજા ભવ વગેરેથી લઈ અનેક ભવોની સાધના સંસારનાં પ્રત્યેક આત્માને સંસાર સાગરથી તારવા માટે કરી તે ભાવનાની પ્રખલતાનાં કારણે તે આત્માઓ પૂર્વના ત્રીજા ભવે વીસસ્થાનક તપની આરાધના દ્વારા તીર્થંકર નામકર્મની નિકાચના કરે છે ।
ત્યારબાદ કાલ કરી દેવલોક અથવા નરકગતિમાં તે આત્મા ઉત્પન્ન થાય છે. ત્યાં દેવલોકનાં સુખોમાં નિરાસક્ત રહે છે અને નરકના દુ:ખોમાં સમભાવમાં મગ્ન રહે છે. ત્યાથી ચ્યવી પંદર કર્મભૂમિમાં, આર્ય દેશોમાં, ઉચ્ચકુલોમાં, પણ ઉચ્ચકોટીનાં, રાજકુલોમાં, મહાસતીયોની કુક્ષીમાં ૧૪ દિવ્ય સ્વપ્નો પૂર્વક તીર્થંકર પણાને સૂચન કરતા અનુપમ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ વર્તતા હોય તે સમયે ઉત્પન્ન થાય છે. પરમાત્મા જ્યારથી ગર્ભમાં આવે છે ત્યારથી તેમનો તીર્થંકર નામકર્મનો પ્રદેશોધ્ય શરુ થાય છે. ઈન્દ્ર મહારાજાનું આસન કંપાયમાન થાય છે. દેવલોકમાં રહેલા ઈન્દ્ર મહારાજા પરમાત્માની સ્તુતિ કરે છે. ગર્ભકાલ પૂર્ણ થયા પછી ૭ ગ્રહો ઉચ્ચ સ્થાને વર્તતા હોય ત્યારે પરમાત્માનો જન્મ થાય છે. તે સમયે ૫૬ દિગ્ગુમારીકાઓ કે જે ભવનપતિ નિકાયની હોય છે. તેમનાં આસન ચલાયમાન થાય છે. તેઓ પોતાનાં પરિવાર સાથે આવી પરમાત્માનું સૂતિકર્મ કરે છે. સૂતિકર્મનું કાર્ય પૂર્ણ થતાં સૌ નિજસ્થાને જાય છે. ત્યારબાદ ઈન્દ્ર મહારાજાનાં આસન કંપાયમાન થાય છે. ત્યારે પોતાનાં સેનાપતિ પાસે સુઘોષા ઘંટ વગડાવી પોતાના તાબામાં રહેલા વિમાનોમાં સર્વ દેવોને જણાવે છે. અને જન્મ મહોત્સવમાં આવવાનું આમંત્રણ આપે છે. સર્વ દેવો જાણીને